Entertainment

કલ્કિ 2898 AD: પ્રભાસ-દીપિકાની ફિલ્મનું ટાઇટલ બદલાયું, ટીઝર થયું રિલીઝ

મૂંબઇ: પ્રભાસ (Prabhas), દીપિકા પાદુકોણ (Deepika Padukone), અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને કમલ હાસન સ્ટારર ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે ચાહકો માટે આ ફિલ્મ સંબંધિત એક મોટું અપડેટ બહાર આવ્યું છે. મોડી રાતે નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર (Teaser) રિલીઝ કર્યું છે. સાથે જ આ ફિલ્મના મેકર્સે તેના ટાઇટલમાં (Title) મોટો ફેરફાર કર્યો છે. તેના નવા ટાઇટલની સત્તાવાર જાહેરાત યુએસમાં (US) ‘સાન ડિએગો કોમિક કોન ઇવેન્ટ’માં કરવામાં આવી હતી. આ સાથે મેકર્સે તેના ટીઝર અને રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ તે યુટ્યુબ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે.

અભિનેતા પ્રભાસની નવી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’નું નામ બદલવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ તરીકે ઓળખાશે. શીર્ષકની ઘોષણા સાથે નિર્માતાઓએ ફિલ્મનું પ્રથમ ટીઝર પણ રિલીઝ કર્યું છે. હવે પ્રોજેક્ટ Kનું અંતિમ શીર્ષક ‘કલ્કિ 2898 એડી’ છે. બે દિવસ પહેલા જ નિર્માતાઓએ ‘પ્રોજેક્ટ કે’ નામનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું હતું. જેનો ચાહકો દ્વારા કઇ ખાસ પસંદ કરવામાં આવ્યુ ન હતું. જેથી પોસ્ટરને ડીલિટ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટીઝરને જોયા બાદ ચાહકોની સાથે સેલેબ્સ પણ આ ફિલ્મને જોવા માટે આતૂર છે.

આ એક માયથો-સાય-ફાઈ ફિલ્મ છે. ‘કલ્કિ’ની વાર્તા ડાર્ક ફોર્સ અને એડવાન્સ ટેક્નોલોજી વિશે છે. તે બતાવે છે કે જ્યારે અંધકાર અને ટેક્નોલોજી શાસન કરે છે, ત્યારે હીરોનો જન્મ થાય છે. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે દુનિયા ચારે બાજુ અંધારી બની ગઈ છે. લોકોને બંદી બનાવી લેવામાં આવ્યા છે. બાળકો અને વડીલોને ભૂખ્યા રખાયા છે. દિવસે દિવસે લોકોની હત્યા કરવામાં આવી રહી છે. આ દરમિયાન એક વ્યક્તિ જેના હાથમાં ભગવાન હનુમાનની મૂર્તિ છે તે લોકોની મદદ માટે આગળ આવે છે.

જો કે ‘સાન ડિએગો કોમિક કોન ઇવેન્ટ’માં કરવામાં આવેલી જાહેરાત મુજબ આ ફિલ્મ 24 જાન્યુઆરી, 2024ના રોજ રીલિઝ થશે. ફિલ્મના ટીઝરને રીલિઝ થયાના થોડા જ કલાકમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. તેમજ ચાહકો આ ફિલ્મને લઇને ઘણા ઉત્સાહિત પણ છે.

Most Popular

To Top