SURAT

વીજળી મુદ્દે ફરી કકળાટ: સિંચાઇ માટે અપાતી વીજળીમાં 2 કલાક ઘટાડી દેવાતા ખેડૂતો નારાજ

સુરત : સરકાર(Goverment) દ્વારા ખેડૂતો(Farmers)ને થોડા સમય પહેલા જ સિંચાઇ(Irrigation) માટે 8 કલાક વીજળી(Electricity) આપવાની જાહેરાત સરકારે કરી હતી. જોકે આજથી 8 કલાકને બદલે 2 કલાકનો ઘટાડો કરી દઇ સુરત(Surat) સહિત દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને સિંચાઇ માટે માત્ર 6 કલાક વીજળી આપાવામાં આવતા ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોના હીતમાં 6 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની રજુઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે સરકાર સમક્ષ કરી છે.

  • ખેડૂતોને સિંચાઇ માટે અપાતી વીજળીના કલાક 8ને બદલે 6 કરી દેવાતા ખેડૂતો નારાજ
  • ઉનાળામાં ડાંગર, શેરડી તેમજ બાગાયતી પાક લેતા ખેડૂતોને 10 કલાક વીજળી મળવી જોઇએ: દર્શન નાયક
  • મેટ્રો અને ડ્રીમ સિટીમાં કપાતમાં જતી જમીન મુદ્દે ખેડૂતો અને કમિશનર વચ્ચે મીટિંગ

ખેડૂત અગ્રણી અને સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે 8 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મંગળવારથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવતી વીજળીના સમય સરકારે 6 કલાક કરી દીધો છે. સવારના સમયે ખેડૂતોને સિંચાઇ માટે (DBK1, DTK1, DNK1, DNVK2, DSK1, DVK2) 6 કલાક વીજ પુરવઠો અપાયો હતો. સરકાર એક બાજુ ખેડૂતોના હિતની વાતો કરે છે તો બીજી બાજુ ખેડૂત વિરોધી નિર્ણય કરી રહી છે.

ઉનાળામાં પાકને પાણીની જરૂર વધારે
ઉનાળાની શરૂઆતમાં જ ખેડૂતો માટે સિંચાઇ માટેની વીજળી માત્ર 6 કલાક જ કરવામાં આવી છે ત્યારે ઉનાળામાં ખેડૂતોના પાકને વધુ પાણીની જરૂર છે. મોટા ભાગનો વિસ્તાર વીજળી આધારિત સિંચાઇ પદ્ધતિથી ડાંગર, શેરડી તથા બાગાયતી પાકોની ખેતી કરે છે. જેથી ખેડૂતોના હિતમાં સરકારે સિંચાઇની વિજળીનો સમય દિવસ દરમ્યાન 10 કલાકનો કરવો જોઇએ તેવી માગ કરવામાં આવી છે.

મેટ્રો રેલમાં જમીન કપાત મામલે ખજોદના ખેડૂતોની રજૂઆત
સુરત: ખજોદ ગામના મેટ્રો રેલમાં કપાતમાં જતી જમીનના ખેડૂતો અને સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બંછાનિધિ પાની, ડ્રીમ સિટી તેમજ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરત ડાયમંડ બુર્સમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં ખજોદ ગામના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, મેટ્રો રેલના અધિકારીઓએ ખેતરમાં ડિમાર્કેશન ખૂંટ મારી દીધી છે, તેમાં કોઈપણ પ્રકારની જાણ કે પરવાનગી વિના કામ કરવામાં આવ્યું છે. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરાયો છે. જે જમીન ડ્રીમ સિટી માટે ખેડૂતો પાસેથી લઈ લેવાશે તેના બદલામાં ખેડૂતોને મીંઢોળા નદીની આસપાસ જે જમીન આપવામાં આપવાની જાહેરાત ડ્રીમ સિટીના કાર્યપાલક ઇજનેર ધર્મેશ મિસ્ત્રીએ કરી છે, તે જમીન બિનઉપજાઉ હોવાથી ખેતીલાયક નથી. આથી આ જમીન બાબતે ખેડૂતો અને પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ કોન્ટ્રાક્ટરે સખત વિરોધ કર્યો હતો.

Most Popular

To Top