SURAT

સુરત પોલીસનું ‘બી લાઈફ પોઝિટિવ’ કેમ્પેઈન: બનાવ્યું આ મજેદાર વીડિયો સોંગ

સુરત: (Surat) શહેરમાં વિતેલા એક વર્ષથી ઘણા લોકો કોરોનાને કારણે માનસિક રીતે ભાંગી પડ્યા છે. તો ઘણા લોકોનું મનોબળ હવે ખુટી પડ્યું છે. સતત આવતા નકારાત્મક સમાચારો તથા માહોલમાં એક પોઝિટિવ એનર્જી (Positive energy) ભરવા અને લોકોને બી લાઈફ પોઝિટિવ રીતે જીવવા સુરત (Police) પોલીસ દ્વારા એક કેમ્પેઇન શરૂ કરાયું છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પેઈનમાં શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારા અને અન્ય પોલીસ કર્મચારીઓની ટીમ મળીને એક વિડિયો સોંગ (Video Song) બનાવ્યું છે. જેમાં કોરોનાથી ડરવાની નહિ પણ બચીને રહેવાની જરૂર હોવાનો મેસેજ પાસઓન કરવામાં આવ્યો છે.

વર્ષ 1958 સાલમાં એક ફિલ્મમાં હેમંતકુમાર દ્વારા ગાવામાં આવેલું અને દેવાનંદ ઉપર ફિલ્માવવામાં આવેલું “યે અપના દિલ તો આવારા, ન જાને કિસ પે આયેગા” ગીતના બોલ આજે પણ લોકોના મગજ પર રાજ કરે છે. હવે સુરત શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાએ આ ગીતના બોલ ઉપર પોતાના શબ્દો દ્વારા કોરોનાને અનુલક્ષી એક ગીત તૈયાર કર્યું છે. પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ શહેરમાં બી લાઇફ પોઝિટિવ કેમ્પેઈન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે પીએસઆઇ પનારા દ્વારા પહેલા ‘ઉદાસી ભરે દિન કભી તો ઢલેંગે,’ આ ગીત ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે લોકોમાં પોઝિટિવ એનર્જી ભરવા વધુ એક ગીત રજૂ કરવામાં આવ્યું છે. જેમાં પીએસઆઈ પનારા લોકોને કોરોનાથી ડરવા નહિ પણ લડવાની સમજ આપી રહ્યા છે.

“યે કોરોના સે બચે રહે ના, ન જાને કિસ પે આયેગા, ફેસબુક સે દિખાયા, વોટ્સએપ સે બતાયા, ડંડા ભી ચલાયા અબ તો સમજ જા, બહુત ભોલા તું ના બનના, જાને કિસ પર આયેગા.’’ કોરોના ગમે ત્યારે ગમે તેને થઈ શકે છે. બચીને રહી નિયમોનું પાલન કરવા સહિતની ગાઇડ લાઇનને અનુસરવાની સૂચના સાથે ખૂબ જ સુંદર રીતે આ ગીતના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે. લોકો કોરોનાના નકારાત્મક માહોલમાંથી બહાર આવે અને મજબૂત મનોબળ બનાવી તેની સામે સાવચેતી દાખવી લડવાનો અભિગમ અપનાવે તે જરૂરી છે.

Most Popular

To Top