SURAT

બીજી લહેરમાં સુરત મનપાએ એક દર્દી પાછળ 2.66 લાખ રુપિયાનો ખર્ચ કર્યો!

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (Corporation) દ્વારા કોરોનાના એક દર્દી પાછળ 2.66 લાખ ખર્ચાયા છે. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પ્રતિદિન 2000 થી વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતાં જેમાં હવે ઘટાડો થઈ આંક 300 પર આવી ગયો છે. જેથી હવે મનપા દ્વારા જે પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડ માટે બેડ રિઝર્વ રાખવામાં આવ્યા હતાં તે તમામ હોસ્પિટલો સાથેના કરાર મનપાએ રદ કરી દીધા છે. મનપા દ્વારા જે 94 પ્રાઈવેટ હોસ્પિટલો સાથે ટાઈ-એપ કરાયું છે. તેમાં કુલ 1875 દર્દીઓ સારવાર લઈ સાજા થયા છે. જેમાં મનપા દ્વારા 50 કરોડનો ખર્ચ કરાયો છે. આમ એક દર્દી (Patient) પાછળ મનપાએ 2.66 લાખ રૂપિયા ખર્ચ્યા (Expense) છે.

માર્ચ માસની શરૂઆતથી શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી. જેથી મનપાને પ્રાઈવેટ હોસ્પિટલો સાથે ફરી કરાર કરવાનો વારો આવ્યો હતો. મનપાએ કુલ 94 જેટલી ખાનગી હોસ્પિટલોમાં બેડ રિઝર્વ રાખ્યા હતા. પરંતુ ધીરે ધીરે શહેરમા કોરોનાનું સંક્રમણ ઓછું થતા મનપાએ તબક્કાવાર હોસ્પિટલો સાથેના કરાર રદ કરવા માંડ્યા હતા. પરંતુ હવે શહેરમાં સંક્રમણ ખુબ જ ઓછુ થતાં તમામ મનપા દ્વારા ડેઝિગ્નેટ કરાયેલી કોવિડ પ્રાઈવેટ હોસ્પિટલો આવતીકાલથી બંધ કરાવી દેવાશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જમાવ્યું હતું કે, શહેરમાં કોરોનાની બીજી લહેરમાં સુરત મનપાને કુલ 50 કરોડનો ખર્ચ થયો છે. ખાસ કરીને મનપા દ્વારા જે 94 પ્રાઈવેટ હોસ્પિટલો સાથે ટાઈ-એપ કરાયું છે. તેમાં કુલ 1875 દર્દીઓ સારવાર લઈ સાજા થયા છે. જેમાં મનપા દ્વારા 50 કરોડનો ખર્ચ કરાયો છે. આમ એક દર્દી પાછળ મનપાએ 2.66 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

શહેરમાં લોકોને ડોર-ટુ-ડોર કોવિડની સારવાર મળી શકે તે માટે મનપા દ્વારા સંજીવની રથ શરૂ કરાયા છે. મનપા દ્વારા હાલમાં સમગ્ર શહેરમાં કુલ 212 સંજીવની રથ કાર્યરત કરાયા છે. પરંતુ સંક્રમણ ઘટતા મનપા 21 મી મેથી 63 સંજીવની રથ ઓછા કરાશે. એટલે કે, હવે 21 મી થી શહેરમાં 149 સંજીવની રથ કાર્યરત રહેશે.

તાઉતેને પગલે ટેસ્ટિંગ ઘટ્યું હતું, પરંતુ હવે રાબેતા મુજબ વધારો કરાશે
શહેરમાં વાવાઝોડાને પગલે 2 દિવસ ટેસ્ટિંગ 50 ટકા ઓછું થયું હતું. મનપા દ્વારા પ્રતિદિન 25 થી 30 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ વાવાઝોડાને કારણે ગઈકાલે માત્ર 15 હજાર જ ટેસ્ટ થયા હતા. પરંતુ હવે રાબેતા મુજબ શહેરમાં ટેસ્ટિંગ વધારાશે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, સંક્રમણની ચેઈન તોડવા માટે વધુમાં વધુ ટેસ્ટ કરવા જરૂરી છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સોમવારથી નોન-કોવિડ ઓપીડી શરૂ કરવામાં આવી હતી. બે મહિના બાદ શરૂ થયેલી ઓપીડીમાં છેલ્લા ત્રણ દિવસમાં 1300 જેટલા દર્દીએ સારવાર લીધી હતી. આ પૈકી 50થી વધુ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી છે. પ્રાપ્ત વિગતો મુજબ માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ શહેરમાં કોરોનાના કેસોમાં અનેકગણો વધારો થયો હતો. વધતા કોરોનાના કેસોને ધ્યાને રાખી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સહિતની તમામ ઓપીડીઓ બંધ કરી દેવાઈ હતી. માત્ર ને માત્ર કોવિડ ઓપીડીઓ જ શરૂ રાખીને કોવિડના દર્દીઓને સારા કરાયા હતા. માર્ચ, એપ્રિલ સહિત અઢી મહિના બાદ હવે સિવિલ હોસ્પિટલમાં નોન-કોવિડ ઓપીડીઓ શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં સોમવારથી નોન કોવિડ ઓપીડી શરૂ થઇ હતી. સોમવારે 600 જેટલા દર્દીએ સારવાર લીધી હતી. જેમાં સૌથી વધારે ચેસ્ટ વિભાગ અને મેડિસીન વિભાગ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓએ સારવાર લીધી હતી. પહેલા જ દિવસે 35 દર્દીની હાલત ગંભીર જણાતાં તેમને સારવાર માટે અલગ અલગ વોર્ડમાં દાખલ પણ કરાયા હતા. જ્યારે બીજા દિવસે એટલે કે મંગળવારે શહેરમાં વાવાઝોડાની સાથે વરસાદ તેમજ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની હડતાળને કારણે માત્ર 55 દર્દીએ જ સારવાર લીધી હતી. જ્યારે બુધવારે વધુ 500થી વધુ દર્દીએ સારવાર લીધી હતી. સૌથી વધારે ઓર્થોપેડિક વિભાગ અને ઇએનટી વિભાગમાં દર્દીઓએ સારવાર લીધી હોવાની વિગતો મળી છે.

Most Popular

To Top