SURAT

કોરોનાને માત આપી સુરત ફરી બેઠું થઈ રહ્યું છે: સિવિલમાં ઓપીડી પણ શરૂ થઈ ગઈ

સુરત: (Surat) સુરત શહેરમાં કોરોના કેસ છેલ્લા પાંચથી સાત દિવસથી ઓછા આવી રહ્યા છે. જેના કારણે સુરતની સરકારી હોસ્પિટલોમાં કેસની સંખ્યા ઓછી થઇ છે. જેના કારણે મોતના આંકડા પણ ઓછા (Reduction) આવી રહ્યા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા ચોવીસ કલાકમાં 18 દર્દીઓના મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસ ઓછા નોંધાઇ રહ્યા છે. જેના કારણે શહેરના સરકારી અને ખાનગી હોસ્પિટલ તંત્રએ હાશકારો અનુભવ્યો છે. સુરતમાં પણ બુધવારે 319 કેસ આવ્યા હતા. જેમાં સૌથી વધુ રાંદેર અને અઠવા ઝોનમાંથી આવ્યા છે. શહેરમાં કોરોનાના કેસ ઓછા થવાથી મોતની સંખ્યા પણ ઓછી આવી રહી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા ચોવીસ કલાકમાં 18 દર્દીઓના મોત નીપજ્યા છે. સિવિલ હોસ્પિટલમાં છ અને સ્મીમેર હોસ્પિટલમાં બાર દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

બે મહિના બાદ સિવિલમાં ઓપીડી શરૂ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સોમવારથી નોન-કોવિડ ઓપીડી શરૂ કરવામાં આવી હતી. બે મહિના બાદ શરૂ થયેલી ઓપીડીમાં છેલ્લા ત્રણ દિવસમાં 1300 જેટલા દર્દીએ સારવાર લીધી હતી. આ પૈકી 50થી વધુ દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી છે. પ્રાપ્ત વિગતો મુજબ માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ શહેરમાં કોરોનાના કેસોમાં અનેકગણો વધારો થયો હતો. વધતા કોરોનાના કેસોને ધ્યાને રાખી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સહિતની તમામ ઓપીડીઓ બંધ કરી દેવાઈ હતી. માત્ર ને માત્ર કોવિડ ઓપીડીઓ જ શરૂ રાખીને કોવિડના દર્દીઓને સારા કરાયા હતા. માર્ચ, એપ્રિલ સહિત અઢી મહિના બાદ હવે સિવિલ હોસ્પિટલમાં નોન-કોવિડ ઓપીડીઓ શરૂ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં સોમવારથી નોન કોવિડ ઓપીડી શરૂ થઇ હતી. સોમવારે 600 જેટલા દર્દીએ સારવાર લીધી હતી. જેમાં સૌથી વધારે ચેસ્ટ વિભાગ અને મેડિસીન વિભાગ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓએ સારવાર લીધી હતી. પહેલા જ દિવસે 35 દર્દીની હાલત ગંભીર જણાતાં તેમને સારવાર માટે અલગ અલગ વોર્ડમાં દાખલ પણ કરાયા હતા. જ્યારે બીજા દિવસે એટલે કે મંગળવારે શહેરમાં વાવાઝોડાની સાથે વરસાદ તેમજ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની હડતાળને કારણે માત્ર 55 દર્દીએ જ સારવાર લીધી હતી. જ્યારે બુધવારે વધુ 500થી વધુ દર્દીએ સારવાર લીધી હતી. સૌથી વધારે ઓર્થોપેડિક વિભાગ અને ઇએનટી વિભાગમાં દર્દીઓએ સારવાર લીધી હોવાની વિગતો મળી છે.

શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. બુધવારે શહેરમાં વધુ 319 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને તે સાથે જ કુલ આંક 1,06,973 પર પહોંચ્યો છે. તેમજ વધુ 6 મોત સાથે કુલ મૃત્યુઆંક 1577 પર પહોંચ્યો છે. શહેરમાં વધુ 519 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 1,00,861 દર્દીઓ સાજા થયા છે. અને રીકવરી રેટ 94.29 ટકા પર પહોંચ્યો છે.

કયા ઝોનમાં કેટલા કેસ

  • ઝોન કેસ
  • સેન્ટ્રલ 19
  • વરાછા-એ 24
  • વરાછા-બી 20
  • રાંદેર 92
  • કતારગામ 33
  • લિંબાયત 23
  • ઉધના 20
  • અઠવા 88

Most Popular

To Top