બ્રિટનની રાજનીતિમાં ભારે ચર્ચા જગાવતી ઘટના સામે આવી છે. યુકેના પૂર્વ અમેરિકી રાજદૂત અને વરિષ્ઠ રાજકારણી પીટર મેન્ડેલસનની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી.આ કાર્યવાહી Metropolitan Police દ્વારા જાહેર પદના દુરુપયોગના શંકાસ્પદ આરોપ હેઠળ કરવામાં આવી હતી. જોકે, પૂછપરછ બાદ તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે.પોલીસ અનુસાર 72 વર્ષીય મેન્ડેલસનને 23 ફેબ્રુઆરીએ કેમ્ડન વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનેથી અટકાયત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન વિલ્ટશાયર અને કેમ્ડન વિસ્તારમાં બે સ્થળોએ સર્ચ વોરન્ટ પણ અમલમાં મુકાયા હતા. પોલીસનું કહેવું છે કે આ કાર્યવાહી ચાલી રહેલી વિશાળ તપાસનો ભાગ છે.
આ કેસમાં આરોપ છે કે મેન્ડેલસને બ્રિટન સરકારમાં બિઝનેસ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સમયે દોષિત ઠરેલા નાણાકીય દલાલ જેફરી એપસ્ટીનને બજાર સંબંધિત સંવેદનશીલ માહિતી પહોંચાડી હોઈ શકે. જોકે મેન્ડેલસનની કાનૂની ટીમે આ આરોપોને નકારી કાઢ્યા છે. વકીલોનું કહેવું છે કે તેમની ધરપકડ તે દાવા પર આધારિત હતી કે તેઓ દેશ છોડવાની યોજના બનાવી રહ્યા હતા, જે “નિરાધાર” છે.

કાનૂની પ્રતિનિધિઓએ વધુમાં જણાવ્યું કે મેન્ડેલસન પહેલેથી જ પોલીસ સાથે સહકાર આપી રહ્યા છે અને તેઓ સ્વૈચ્છિક રીતે પૂછપરછ માટે હાજર થવા તૈયાર હતા. તેમના મુજબ હવે તેઓ પોતાનું નામ સાફ કરવા માટે સંપૂર્ણ રીતે તપાસમાં સહકાર આપશે.જો કે તાજેતરમાં બહાર આવેલા એપસ્ટીન સંબંધિત દસ્તાવેજો બાદ આ મામલો વધુ ગરમાયો છે. આ ખુલાસાઓ પછી મેન્ડેલસને લેબર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને હાઉસ ઓફ લોર્ડ્સમાંથી પણ પોતાનું સ્થાન છોડ્યું. અગાઉ બ્રિટનના વડાપ્રધાન Keir Starmerએ તેમને અમેરિકામાં રાજદૂત પદ પરથી હટાવ્યા હતા.
આ સમગ્ર વિવાદને કારણે બ્રિટનની રાજનીતિમાં ઉથલપાથલ મચી છે. વડાપ્રધાન સ્ટાર્મર પર પણ દબાણ વધી રહ્યું છે અને વિરોધીઓ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે કે મેન્ડેલસન અને એપસ્ટીન વચ્ચેના સંબંધો અંગે સરકારને કેટલી માહિતી હતી.આ તપાસમાં રાજપરિવારનું નામ પણ સામે આવ્યું છે. તાજેતરમાં Prince Andrewની પણ પૂછપરછ કરવામાં આવી હતી, કારણ કે તેઓ એપસ્ટીન સાથેના સંબંધોને કારણે પહેલેથી જ વિવાદોમાં રહ્યા છે.
વિશેષજ્ઞો કહે છે કે “મિસકન્ડક્ટ ઇન પબ્લિક ઓફિસ”નો કાયદો સાબિત કરવો મુશ્કેલ હોય છે, કારણ કે તેમાં જાહેર પદના ઇરાદાપૂર્વક દુરુપયોગનો સ્પષ્ટ પુરાવો જરૂરી હોય છે. હાલ તપાસ આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.