National

અશ્લીલ કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકારનો કડક નિર્ણય: 5 OTT પ્લેટફોર્મ બ્લોક

દેશભરમાં ડિજિટલ પ્લેટફોર્મ પર વધતી અયોગ્ય અને અશ્લીલ સામગ્રીને લઈને કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે પાંચ OTT પ્લેટફોર્મને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્લેટફોર્મમાં MoodXVIP, Koyal Playpro, Digi Movieplex, Feel અને Jugnuનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા અનુસાર, આ તમામ પ્લેટફોર્મ પર અશ્લીલ પ્રકારનું કન્ટેન્ટ સ્ટ્રીમ થતું હોવાની ફરિયાદો મળી રહી હતી, જેના આધારે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

આ નિર્ણય Ministry of Information and Broadcasting દ્વારા યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અનુસરીને લેવામાં આવ્યો છે. સરકારએ ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓને આ પ્લેટફોર્મ્સ સુધીની ઍક્સેસ તાત્કાલિક બંધ કરવાની સૂચના આપી છે. અધિકારીઓ મુજબ, ડિજિટલ પ્લેટફોર્મ પર જાહેર શિસ્ત જાળવવી, યુવાનોને હાનિકારક સામગ્રીથી દૂર રાખવી અને રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવું સરકારની પ્રાથમિકતા છે.

સરકારનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ઘણા OTT પ્લેટફોર્મ પર એવી સામગ્રી અપલોડ થતી હતી જેમાં અશ્લીલ દૃશ્યો, દ્વિઅર્થી સંવાદો અને નગ્નતા દર્શાવતી સીનનો સમાવેશ થતો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે અનેક વેબસિરીઝમાં કોઈ મજબૂત સ્ટોરીલાઇન કે સામાજિક સંદેશ નહોતો, પરંતુ માત્ર અશ્લીલ દૃશ્યો પર જ ભાર મૂકાયો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત અનુભવી.

ગયા વર્ષે જુલાઈમાં પણ કેન્દ્ર સરકારે આવા જ પ્રકારના કન્ટેન્ટ સામે મોટો અભિયાન ચલાવ્યો હતો. ત્યારે લગભગ 25 એપ્સ અને વેબસાઇટ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં ALTBalaji અને ULLU જેવા જાણીતા પ્લેટફોર્મ્સનો પણ સમાવેશ થતો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ્સ પર સ્ટ્રીમ થતી સામગ્રી ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું હતું.

સરકારના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2024માં તમામ સંબંધિત પ્લેટફોર્મ્સને ચેતવણી આપવામાં આવી હતી અને કોડ ઓફ એથિક્સનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. છતાં કેટલાક પ્લેટફોર્મ્સે આ સૂચનાઓ અવગણીને નવા ડોમેન મારફતે ફરીથી તે જ પ્રકારનું કન્ટેન્ટ પ્રકાશિત કરવાનું ચાલુ રાખ્યું. આ પછી ગૃહ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય તેમજ ઉદ્યોગ સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ અંતે આ નિર્ણય લેવામાં આવ્યો.

સરકારના આ પગલાંને ડિજિટલ જગતમાં શિસ્ત અને જવાબદારી જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સાથે જ નિષ્ણાતોનું માનવું છે કે OTT પ્લેટફોર્મ્સ માટે કડક નિયમો અને સ્વનિયંત્રણ હવે સમયની માંગ બની ગઈ છે.

Most Popular

To Top