Dakshin Gujarat

ભરૂચ: પ્લાસ્ટિકના દાણાના સોદા માટે બોલાવી નડિયાદના વેપારીને નકલી પોલીસે લૂંટી લીધો

ભરૂચ: આમોદના આછોદ ગામે નડિયાદના વેપારીને પ્લાસ્ટિકના દાણાના સોદા માટે બોલાવી 8 શખ્સે પોલીસની (Police) રેડનો સ્વાંગ રચી રોકડા 15 લાખ ખંખેરી લેતાં આ મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5 ભેજાબાજની ધરપકડ કરી છે. ટોળકી સસ્તી કિંમતમાં સોદાના નામે લોકોને મીટિંગ માટે બોલાવી પોલીસ કે અન્ય સરકારી એજન્સીઓનો સ્વાંગ રચી દરોડાનો હાઉ ઊભો કરી ભોગ બનનારને ભગાડી મૂકે છે. આ લોકો ડીલના નામે કોરા ચેક લઈ બાદમાં તેને બાઉન્સ કરી કેસો કરવાની ધમકીઓ આપી પૈસા પડાવતા હતા. ટોળકીનો ગુનાહિત ભૂતકાળ તપાસવા પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

નડિયાદના પીપલગ ગામે રહેતા મૂળ રાજસ્થાની પ્રેમસિંગ રાજપુરોહિત બારદાનનો વ્યવસાય કરે છે. પ્રેમસિંગે આણંદના સુણાવ મોટી ભાગોળના પરિચીત મિત્ર પ્રકાશચંદ્ર પ્રજાપતિ સાથે રહી આમોદના આછોદ ગામે પ્લાસ્ટિકના દાણાનો સોદો કર્યો હતો. વેપારીને તેઓના મિત્રની ભરૂચના આમોદ તાલુકામાં આછોદમાં પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરી હોવાનું કહ્યું હતું. લોકો સસ્તા ભાવે માલ અપાવવા માટે બાઇક ઉપર આછોદ આવ્યા હતા. આછોદના અન્ય ત્રણ ઠગો ખાલિદ, ઈમ્તિયાઝ અને હનીફ સાથે મુલાકાત કરાવી દાણાનાં સેમ્પલ બતાવ્યાં હતાં.

એક કિલોના 70 રૂપિયા ભાવ નક્કી કરી વેપારીએ 45 ટન ખરીદવાની તૈયારી બતાવી હતી. કુલ 30 લાખ ઉપરાંતની કિંમત સામે 20 લાખ રોકડા અને બાકી 10 લાખ પેટે બે ચેક આપવાની ડીલ નક્કી કરાઈ હતી. પ્લાસ્ટિકના દાણાની ડીલની નાણાકીય લેતીદેતી ચાલતી હતી ત્યાં જ પોલીસ આવી હોવાનું કહી સપ્લાયર નાસી ગયા હતા. વેપારી પાસે આવી કહેવાતાં પોલીસે ઘરમાં આવી તમે અહીં બેનંબરીના ધંધા કરો છો તેમ કહી પ્રેમસિંગને છરો બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વેપારીના હાથમાં થેલીમાં રહેલા રોકડા 15 લાખ, બે કોરા ચેક અને આધાર કાર્ડની નકલ લઈ તેને ભગાડી મૂક્યો હતો. આઠેય લોકોએ તેની સાથે પૂર્વ યોજિત ષડયંત્ર રચી રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ આમોદ પોલીસમથકે નોંધાવાઈ હતી. લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચ તથા આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ વખતે આછોદ ગામેથી છેતરપિંડી આચારનાર ગેંગના પાંચ સાગરીતો મળી આવ્યા હતા.

Most Popular

To Top