National

પીએમ મોદીએ બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લીધો, ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા

ફ્રાન્સ: પીએમ મોદીના (PM Modi) ફ્રાન્સ (France) પ્રવાસનો આજે બીજો દિવસ છે. ફ્રાન્સના બેસ્ટિલ ડેમાં (Bastille Day) ભારતના (India) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા છે. દર વર્ષે ફ્રાન્સ 14 જુલાઇએ રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરે છે. જેને બેસ્ટિલ ડે પરેડ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ભારતની ત્રણેય સેનાઓ ભાગ લેવા જઇ રહી છે, તેમાં કુલ 269 સભ્યો છે. ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. અહીં માત્ર બેસ્ટલ ડે જ નહિ પરંતુ ભારત અને ફ્રાન્સ તેમની વ્યૂહાત્મક ભાગીદારી અને મિત્રતાનો પણ જશ્ન મનાવી રહ્યા છે. આ મુદ્દે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ (Emmanuel Macro) હિન્દીમાં ટ્વીટ કરીને ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારના 25 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી.

PM મોદીની ફ્રાન્સ મુલાકાતથી હવે UPI ટ્રાન્ઝેક્શન પણ શક્ય છે. ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. આ સિવાય ભારત તેના યુદ્ધ જહાજ INS વિક્રાંત માટે ફ્રાન્સ પાસેથી વધારાના 26 રાફેલ વિમાન પણ ખરીદી રહ્યું છે. ભારતે ફ્રાન્સ પાસેથી ત્રણ વિશેષ સબમરીન ખરીદવાના સોદાને પણ મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પર વિદેશી નેતાઓને ભાગ્યે જ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે છે. છેલ્લી વખત 2017માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય દિવસ (બેસ્ટિલ ડે પરેડ) ફ્રાન્સમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. તે ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન 1789 માં બેસ્ટિલ જેલના તોફાનને યાદ કરે છે. બેસ્ટિલ ડે પરેડ ઉજવણીનું મુખ્ય આકર્ષણ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફ્રાન્સનો સર્વોચ્ચ સમ્માન “લીજન ઓફ ઓનરનો ગ્રાન્ડ ક્રોસ”થી સમ્માનિત કરવામાં આવ્યું. આ સમ્માન તેમને પ્રવાસના પ્રથમ દિવસે જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રો દ્વારા આપવામાં આવ્યુ હતું. જેને ફ્રાન્સના સૈન્ય અને સિવિલ બંને જ ક્ષેત્રોમાં સૌથી મોટું માનવામાં આવે છે. પીએમ મોદી પ્રથમ ભારતીય નેતા છે જેને આ સમ્માન આપવામાં આવ્યુ છે. જો કે ફ્રાન્સની ધરતી પર મુકતાની સાથે જ પેરિસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. પીએમ મોદીના પહોંચતા જ ભારતવંશીઓએ તેમનુ પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કર્યુ હતું.

PM મોદી ફ્રાન્સ પ્રવાસ ખતમ કરીને UAE જવા રવાના થશે. તેઓ 15 જુલાઈએ UAE પહોંચશે, જ્યાં તેઓ UAEના રાષ્ટ્રપતિને મળશે. આ પછી પીએમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદીના સન્માનમાં દ્વિપક્ષીય મંત્રણા અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 22 ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ સમિટ દરમિયાન UAE અને ભારત વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top