SURAT

કતારગામના 83 વર્ષના વૃદ્ધને પગમાં ઈન્ફેક્શન થયું તો પરિવારે મરવા માટે છોડી દીધા, રિબાઈ રિબાઈને થયું મોત

સુરત: સમાજને લાંછનરૂપ એક ઘટના તાજેતરમાં સુરતના કતારગામ વિસ્તારમાં બની ગઈ. અહીં એક 83 વર્ષીય બિમાર વૃદ્ધને તેમનો પોતાનો પરિવાર સ્મીમેર હોસ્પિટલમાં મુકીને જતો રહ્યો હતો. વૃદ્ધનું હોસ્પિટલના બિછાને મોત થયું ત્યારે તેમના પરિવારને શોધવા પોલીસે જવું પડ્યું હતું.

કતારગામ વિશાલનગરમાં રહેતા 83 વર્ષના વૃદ્ધને પગમાં ઇન્ફેક્શન થતાં તેમને સારવાર માટે તેમના પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં પરિવારજનો તેમને છોડીને જતા રહ્યા હતા. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું. પોલીસે તપાસ કરી ત્યારે 24 કલાક પછી વૃદ્ધનો પૌત્ર પોલીસને મળી આવ્યો હતો.

  • સ્મિમેરમાં દાખલ કરી પરિજનોએ ત્યજી દીધેલાં 83 વર્ષીય વૃદ્ધનું મોત
  • પગમાં ઈન્ફેક્શન હતું, તબીબોને ઓપરેશન કરવા સંમતિ આપી પરિવાર ગાયબ થઈ ગયો હતો
  • લાશને કોલ્ડરૂમમાં રાખી પોલીસે શોધખોળ શરૂ કરી તો વૃદ્ધનો પૌત્ર મળ્યો, પુત્ર માનસિક બીમાર

કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર કતારગામમાં ગજેરા સર્કલ પાસે વિશાલનગરમાં માણેકલાલ શ્રવણ સાળી (83 વર્ષ)ને પગમાં ઇન્ફેક્શન થયું હતું. તેમને સારવાર માટે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતાં. ત્યાં ડોક્ટરે ઓપરેશન કરાવવું પડશે એવું કહેતા પરિવારજનોએ ઓપરેશનની હા પાડી હતી.

જો કે વૃદ્ધને ત્યાં દાખલ કર્યા બાદ પરિવાજનો ત્યાંથી જતા રહ્યા હતા. ત્રણ દિવસની સારવાર બાદ 12એ બપોરે વૃદ્ધનું મોત નિપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના સ્ટાફે પરિવારજનોને શોધતા તેઓ મળી આવ્યા ન હતા જેથી પોલીસને જાણ કરી હતી. પોલીસે વૃદ્ધના ઘરે તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું. તેથી વૃદ્ધની લાશને સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી હતી.

આજે પણ પોલીસે ફરીથી ઘરે તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું. આસપાસના લોકોની પૂછપરછ કરતા વૃદ્ધનો પૌત્ર મળી આવ્યો હતો. વૃદ્ધને પરિવારમાં એક પુત્ર અને પૌત્ર છે. તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ વિપુલ વાલજીભાઈએ જણાવ્યું હતું કે પુત્ર માનસિક બિમાર છે અને ઘણી વખત ઘરે આવતો પણ નથી. પૌત્ર ઘણી વખત ઘરે આવતો નથી. પોલીસે વૃદ્ધની લાશ અંતિમ વિધી માટે પૌત્રને સોપી હતી.

Most Popular

To Top