World

PM શાહબાઝ શરીફને આંચકો, પરવેઝ ઈલાહી પંજાબના સીએમ બનશે

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન (PM) શાહબાઝ શરીફને મોટો આંચકો લાગ્યો છે. તેમના પુત્ર (Son) હમઝા શાહબાઝને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પંજાબના (Punjab) મુખ્યમંત્રી (CM) પદ પરથી હટાવી દીધા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે જાહેરાત કરી છે કે પંજાબના નવા સીએમ પરવેઝ ઈલાહી હશે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકર મોહમ્મદ મજારીના નિર્ણયને ગેરકાયદે ગણાવતા આ નિર્ણય આપ્યો હતો. હમઝા શાહબાઝે શનિવારે પંજાબ પ્રાંતના સીએમ તરીકે શપથ લીધા હતા. એક દિવસ અગાઉ, તેઓ માત્ર ત્રણ મતોના માર્જિનથી ફરીથી ચૂંટાયા હતા. જો કે તેમની જીતના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. તેમની જીતને હરીફ ઉમેદવાર ચૌધરી પરવેઝ ઈલાહી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર પંજાબ પ્રાંતમાં શુક્રવારે મુખ્યમંત્રી પદ માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં હમઝાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

પંજાબની 368 સભ્યોની વિધાનસભામાં હમઝાની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ને 179 વોટ મળ્યા જ્યારે ઈલાહીની પાર્ટીને 176 વોટ મળ્યા હતા. જોકે આમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દોસ્ત મોહમ્મદ માજરીએ બંધારણની કલમ 63-Aને ટાંકીને પાકિસ્તાન મુસ્લિમ લીગ-ક્યૂ (PML-Q) પાર્ટીના ઉમેદવાર ચૌધરી પરવેઝ ઈલાહીના 10 મતોને ફગાવી દીધા હતા. જે બાદ હમઝા માત્ર ત્રણ મતોના માર્જીનથી પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. PML-Q ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ની સાથી છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દોસ્ત મોહમ્મદ માજરીના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે હવે પંજાબના ગવર્નર બલિગુર રહેમાનને પરવેઝ ઈલાહીને સીએમ પદના શપથ લેવડાવવાનું કહ્યું છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે જો તેઓ આમ નહીં કરે તો રાષ્ટ્રપતિ આરિફ અલ્વી આ શપથ લેવડાવશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરવેઝ ઈલાહી પંજાબના સીએમ છે કારણ કે તેમને 186 વોટ મળ્યા છે, જ્યારે હમઝાને 179 વોટ મળ્યા છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેન્ચે આપ્યો હતો. તેમાં પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ ઈજાઝુલ અહેસાન અને જસ્ટિસ મુનીબ અખ્તર સામેલ હતા.

Most Popular

To Top