National

રાજસ્થાનઃ હની ટ્રેપમાં ફસાયો આર્મીનો જવાન, PAK એજન્ટોને બાતમી આપતો હતો

નવી દિલ્હી: ભારતીય સેનામાંથી (Indian Army) જાસૂસી અંગેની માહિતી મળી આવી છે. પાકિસ્તાની (Pakistan) મહિલા એજન્ટોએ (Women Agent) રાજસ્થાનમાં (Rajasthan) તૈનાત સેનાના જવાનને હની-ટ્રેપમાં ફસાવ્યો હતો. આ પછી જવાન પાસેથી ઘણી ગોપનીય માહિતી લેવામાં આવી હતી. માહિતી આપ્યાના બદલામાં પૈસાની લેવડ દેવડ થયા હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી આવી છે. મળતી માહિતી મુજબ ઓફિશિયલ સિક્રેટ એક્ટ, 1923 હેઠળ કેસ નોંધીને આ જવાનની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. આ મામલામાં રાજસ્થાન પોલીસની ઈન્ટેલિજન્સ વિંગ દ્વારા 24 વર્ષીય સૈન્ય કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. તેના પર જાસૂસી કરવાનો અને પાકિસ્તાની એજન્ટને ગુપ્ત માહિતી આપવાનો આરોપ છે.

મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા જવાનનું નામ શાંતિમય રાણા છે. તે પશ્ચિમ બંગાળના બગુંડા જિલ્લાના કંચનપુર ગામનો રહેવાસી છે. આ જવાન રાજસ્થાનના જયપુરમાં આર્ટરી યુનિટમાં પોસ્ટેડ હતા. રાજસ્થાન પોલીસની ઈન્ટેલિજન્સ વિંગના મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની એજન્ટ ગુરનૌર કૌર ઉર્ફે અંકિતા અને નિશાએ સોશિયલ મીડિયા દ્વારા આ જવાનનો સંપર્ક કર્યો હતો. ઈન્ટેલિજન્સ વિંગે વધુમાં જણાવ્યું કે પાછળથી બે મહિલાઓએ રાણાનો નંબર લીધો હતો. બંને મહિલા રાણા સાથે વોટ્સએપ પર વાત કરતી હતી. બંનેએ પહેલા રાણાનો વિશ્વાસ જીત્યો. પછી તેની પાસેથી ગુપ્ત માહિતી લેવાનું શરૂ કર્યું હતું. આ માહિતીના બદલામાં રાણાના ખાતામાં કેટલાક પૈસા પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી આવી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ધટના અંગે રાણાએ જણાવ્યું કે તે માર્ચ 2018થી ભારતીય સેનામાં ફરજ બજાવે છે અને લાંબા સમયથી વોટ્સએપ ચેટ, વીડિયો અને ઓડિયો મેસેજ દ્વારા મહિલા પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો. મહિલાએ પોતાને શાહજહાંપુર (ઉત્તર પ્રદેશ)ની રહેવાસી ગણાવી હતી. મહિલાએ રાણાને જણાવ્યું કે તે ત્યાં મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસમાં કામ કરે છે. જ્યારે બીજી મહિલાએ પોતાનું નામ નિશા જણાવ્યું હતું. તેણીએ કહ્યું હતું કે તે મિલિટરી નર્સિંગ સર્વિસમાં કામ કરે છે. આ મહિલાઓએ રાણા પાસેથી ગોપનીય દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ, દાવપેચના વીડિયો માંગ્યા હતા. તેના લોભમાં રાણાએ તેની રેજિમેન્ટના ગુપ્ત દસ્તાવેજો અને કવાયતના વીડિયો પણ મોકલ્યા હતા.

Most Popular

To Top