Gujarat

વડોદરાએ મને બાળકની જેમ સાચવ્યો તે હું ક્યારેય નહીં ભૂલી શકું: જૂની યાદો વાગોળી વડાપ્રધાન ભાવુક થયા

ગાંધીનગર: માતા હીરાબાના 100માં જન્મદિવસે ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે માતાને મળ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કર્યા બાદ તેઓ પાવાગઢ માતાજીના દર્શને ગયા હતા. અહીં 537 વર્ષ બાદ માતાજીના શિખર પર વડાપ્રધાનની હાજરીમાં ધ્વજા ફરકાવાઈ હતી. ત્યાર બાદ વડાપ્રધાન વડોદરા ગયા હતા. અહીં પીએમ મોદીના હસ્તે 21 હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી. પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆત હિન્દીમાં કરી હતી, પણ તેઓ વચ્ચે વચ્ચે ગુજરાતીમાં પણ બોલી રહ્યા હતા. પીએમ મોદી કહ્યું કે હું ખુશનસીબ છુ કે, મને માતા અને બહેનોની સેવા કરવાનો મોકો મળ્યો છે, હું તમામને અભિનંદન આપુ છું. વધુમાં તેમણે કહ્યું કે વડોદરાએ મને સાચવ્યો હતો, મારો ઉચ્છેર કર્યો હતો. તેમણે કહ્યું કે બાળકને મા સાચવે એ રીતે વડોદરાએ મને સાચવ્યો છે, વડોદરાનું મારા જીવનમાં યોગદાન ક્યારેય ન ભૂલી શકું.

પીએમ મોદીએ વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડીને પણ યાદ કરી હતી. આ સાથે જ તેમણે વડોદરાના કેટલાક વિસ્તારોની યાદો વાગોળી હતી. તેમણે કહ્યું કે વડોદરા સંસ્કારી નગરી છે અને એ સૌ કોઈને તક આપે છે. આ સાથે જ તેમણે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોદ ભાવે, બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે 800 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી છે, તેના માટે હું ભુપેન્દ્રભાઇને અભિનંદન આપુ છું.

પીએમ મોદીએ 21 હજાર કરોડ વિકાસકામોનું ખાતમુહુર્ત -લાકાર્પણ કર્યું
પીએમ મોદી વડોદરા ખાતે વિકાસના કામોનું ખાતમુહુર્ત -લાકાર્પણ કર્યું હતું. આ સાથે જ પીએમ ચુસ્ત સુરક્ષા વચ્ચે ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીએ રેલવેના વિકાસ માટે તેમના દ્વારા 5 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 5 પ્રોજેક્ટનું લોકાર્પણમાં 10,749 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. સાથે સાથે 13 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં 5620 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ સાથે જ વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલવે પરિવહન સંસ્થાનું નામ બદલીને ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય કરવામાં આવ્યું છે.

સારંગપુર જવા માટે ટ્રેન શરૂ કરાઈ
આજથી ગુજરાતમાં અમદાવાદ બોટાદ પેસેન્જર ટ્રેન ફરીથી શરૂ થઈ રહી છે. નોંધનીય છે કે રેલવેના પાટા પહોળા કરવાનું કામ ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી ટ્રેન બંધ હતી. જોકે આજથી ફરીથી પેસેન્જર ટ્રેન થવા જઈ રહી છે. આ સિવાય લુનિધાર-ઢસા, પાલનપુર-રાધનપુર ટ્રેનને પણ PM મોદીએ લીલી ઝંડી બતાવી હતી.

વડોદરાના કુંડેલા ગામમાં 734 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટીનું કેમ્પસ બનાવાશે
પીએમ મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંડેલા ગામમાં રૂપિયા 743 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 100 એકર જમીન ફાળવી છે. તેમજ PM નરેન્દ્ર મોદીએ રૂપિયા 660.26 કરોડના ખર્ચે પાણી વિતરણ સંબંધિત અનેક પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ સિવાય પીએમ મોદી સ્ટેજ પરથી રૂા.21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુર્હૂત કરશે.

Most Popular

To Top