SURAT

વરાછાની વિધવાના ફ્લેટમાં ઘૂસી દાદાગીરી કરનાર લાખા ભરવાડને સુરત પોલીસે બરોબર સબક શીખવાડ્યો

સુરત (Surat) : સુરત શહેરના પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમરે (Ajay Tomar) વધુ એક પરિવારને (Family) વ્યાજખોરોના સકંજામાંથી મુકત કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમને દોડતી કરી હતી. કેન્સરથી (Cancer) પીડિત બાળકને બચાવવા માટે વિધવાએ (Widow) પોતાના ઘરને વ્યાજખોરો પાસે ગીરો (Mortgage ) મૂક્યો હતો. વિધવાનો ફલેટ (Flat) પચાવી પાડનાર લુખ્ખા તત્વો પાસેથી ફલેટ છોડાવવા માટે પોલીસે (Police) મદદ કરી હતી. વ્યાજખોરો સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં નવી ટીમનું ગઠન કરવામાં આવ્યું છે જેની જવાબદારી પીઆઇ કિરણ મોદીને સોંપવામાં આવી છે.

  • બ્લડ કેન્સરથી પિડીત બાળકને બચાવવા માટે રૂ. 5 લાખની જરૂર પડતાં વિધવાએ મજબૂરીથી ફલેટ ગીરવે મૂક્યો હતો
  • લાખા ભરવાડે હીરાબાગ ખાતે લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટનો ફલેટ વ્યાજ પર લખીને કબ્જો કરીને પોતાના નામ પર ચઢાવવાના પ્રયાસ કર્યો હતો
  • રૂપિયા પરત આપવા છતાં ફ્લેટનો કબજો પરત નહીં સોંપતાં પોલીસ કમિશનર અજય તોમરે દરમિયાનગીરી કરી
  • વ્યાજખોર લાખા ભરવાડે પચાવી પાડેલો વિધવાનો ફ્લેટ પોલીસે છોડાવી આપ્યો

આ મામલે અરજદાર ચંપાબેન સુભાષભાઇ અજૂડીયાએ પોલીસને તેમની આપવીતીમાં જણાવ્યું હતું કે તેમના દિકરાને બ્લડ કેન્સર થતાં તેઓને તાત્કાલિક તેનો જીવ બચાવવા માટે નાણાંની જરૂર પડી હતી. આ માટે તેઓએ ભરત બોઘાભાઇ સાટીયા ઉર્ફે લાખા ભરવાડ પાસેથી પાંચ લાખ રૂપિયાનું ધિરાણ લેવું પડ્યું હતું. દરમિયાન આ વિધવાએ તમામ નાણા પરત કર્યા પછી પણ લાખાએ ફલેટનો કબજો આપ્યો ન હતો. અગાઉ પાસામાં જઇ આવેલા આ લાખા ભરવાડે હીરાબાગ ખાતે લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટનો ફલેટ વ્યાજ પર લખીને કબ્જો કરીને પોતાના નામ પર ચઢાવવાના પ્રયાસ કર્યો હતો.

દરમિયાન દસ ટકા પ્રતિ મહિના લેખે વ્યાજ વસૂલીને પાંચ લાખની સામે પંદર લાખનો ફલેટ પચાવી પાડતા વિધવા ચંપાબેને પોલીસને ફરિયાદ કરતા પોલીસ આ મામલે વ્હારે આવી હતી. આ મામલે ચંપાબેન દ્વારા કમિ. અજય તોમર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. કમિ. અજય તોમરે આખા કિસ્સાને ગંભીરતાથી લેતા આ વિધવાનો ફલેટ લુખ્ખાઓ પાસેથી પરત અપાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કિરણ મોદી દ્વારા આ કામગીરી કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top