SURAT

સુરતમાં રમકડાંની જેમ ત્રીજા માળેથી ક્રેઇન નીચે પટકાઈ, જુઓ Video

સુરત(Surat): કતારગામ(Katargam) જૂની જીઆઇડીસી(GIDC)માં એમ્બ્રોઇડરી મશીન(Embroidery machine) ક્રેઇન(Crane) મારફતે ઉપર ચઢાવતી વખતે ક્રેઇનનો તાર તૂટ્યો હતો. જેમાં એક યુવક નીચે પટકાયો હતો અને બીજાને ગળાના ભાગે શટર વાગતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

  • એમ્બ્રોઇડરી મશીન ઉપર ચઢાવતી વખતે ક્રેઇનનો તાર તૂટતા બે યુવકના મોત નીપજ્યા
  • એક યુવક ક્રેઇન પરથી નીચે પટકાયો, જ્યારે બીજાના ગળાના ભાગે શટર વાગતા બંનેના ઘટના સ્થળે જ મોત

પોલીસના જણાવ્યા પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ અમરોલીમાં આવેલા વેદાંત ઇવા-ફોર કોસાડમાં રહેતા ૨૮ વર્ષીય શિવકરણ બેસરાજ પ્રજાપતિ તથા ૧૯ વર્ષીય સંદીપ બસંતલાલ પ્રજાપતિ સહિત નવ વ્યક્તિઓ એક સાથે જ રૂમમાં રહી પોતાનું ભરણપોષણ કરી રહ્યા છે. શિવકરણ અને સંદીપ સહિત છ થી સાત વ્યક્તિઓ ક્રેઇન મારફતે એમ્બ્રોઇડરીના મશીનની ફેરવણી માટેનું કામકાજ કરતા હતા. ગુરુવારે રાત્રે કતારગામ જૂની જીઆઇડીસીમાં આવેલા ખાતા નંબર- 903 કિશન આર્ટ એમ્બ્રોઇડરીના ખાતામાં શિવકરણ અને સંદીપ સહિત 6 થી 7 વ્યક્તિ દ્વારા ત્રીજા માળે ક્રેઈન મારફતે એમ્બ્રોઇડરી મશીન ચઢાવવા માટેનું કામ ચાલુ હતુ ત્યારે ત્રીજા માળ સુધી મશીન ગયા બાદ અચાનક જ ક્રેઈનનો પટ્ટો તૂટી ગયો હતો. જેના કારણે એમ્બ્રોઇડરીનું મશીન ત્રીજા માળેથી ધડાકાભેર નીચે પટકાયું હતું. આ સમયે ક્રેઈન પર બેસેલા શિવકરણ ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. એમ્બ્રોઇડરી મશીન નીચે આવતા મશીન શટર સાથે અથડાતા ત્રીજા માળ પર ઉભો રહેલા સંદીપને ગળાના ભાગે શટર વાગ્યું હતું. બંનેને ગંભીર ઇજા થઇ હતી અને 108ને બોલાવવામાં આવતા ડોક્ટરોએ બંનેને ઘટના સ્થળે જ મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે કતારગામ પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો. પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
ક્રેન પડવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ત્રીજા માળે પર રહેલી ક્રેન એકાએક ધડાકાભેર નીચે પડી જાય છે. અને તેની સાથે એક યુવક પણ નીચે પટકાય છે.તે દૃશ્યો કમકમાટીભર્યા દેખાઈ રહ્યા છે.

પોલીસે મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો
કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ક્રેન પડવાની ઘટનામાં પોલીસે ક્રેનના માલિક અને ક્રેનના ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ક્રેનના ડ્રાઈવર પાસે ક્રેન ચલાવવાનું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે.

Most Popular

To Top