SURAT

વરિયાવ, કંટારા, રાજનગર, સેગવા ગામમાં જંગલી ભૂંડનો આંતક: શેરડીનો ઊભો પાક ખાઈ જતા ખેડૂતોને નુકસાન

સુરત: સુરત (Surat) જિલ્લાના વરિયાવ (Variyav), કંટારા (Kantara) , રાજનગર, સેગવા ગામમાં ભૂંડના (Pigs) ટોળાં શેરડીનો ઊભો પાક ખાઈ જતાં મોટી સંખ્યામાં પ્રત્યેક ખેડૂતને 10,000 થી 50,000 રૂપિયા સુધીનું નુકસાન થયું છે. જિલ્લાના સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, ઓલપાડ, કામરેજ અને ચોર્યાસી તાલુકાના ગામોમાં ભૂંડની સંખ્યા વધતા કેળા અને શેરડીના પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે. મોડી રાતે 50 થી 100ની સંખ્યામાં ભૂંડના ટોળાં ખેતરો ફરી વળતાં હોવાથી ખેડૂતોને મોટુ નુકસાન થઈ રહ્યું છે. આવી ગંભીર સ્થિતિ હોવા છતાં વન વિભાગ, ખેતીવાડી અધિકારી અને પશુપાલન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે.

  • ખેડૂતોને વીંઘા દીઠ 50,000 નું નુકશાન
  • આજે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક યોજાશે

વરિયાવ અને કંટારા ગામે અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થઈને ‘ડુક્કર ભગાવો ખેતી બચાવો’ અભિયાનનો પ્રારંભ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જંગલી ભૂંડની સંખ્યા નિયંત્રણ માટે કોઈ પગલાં નહીં લેવામાં આવતા રાતે ખેતરોમાં જવા માટે પણ ખેડૂતો ડરી રહ્યાં છે. ભૂંડ ભગાડવા ટેટા ફોડવાનો પ્રયોગ પણ નિષ્ફળ ગયો છે. કામરેજ તાલુકાના ગામોમાં જંગલી ભૂંડ કેળના આખે આખા થુમબા ઉડાવી રહ્યાં છે. સરકારે કાંટાની વાડ માટે સહાયની મર્યાદા 5 હેક્ટર રાખી છે પણ 80 ટકા ખેડૂતો નાના હોવાથી આ યોજનાનો લાભ લઈ શકે તેમ નથી. સુગર ફેકટરીઓ અને ખાંડ ઉદ્યોગ સંઘને પણ રજૂઆત કરવામાં આવી છે કે,ભૂંડના ટોળાંથી થતું નુકસાન અટકાવવામાં નહીં આવે તો શેરડી અને ખાંડના ઉત્પાદનને ભવિષ્યમાં અસર થશે.

ઓલપાડ તાલુકાના રાજનગર ગામના ખાતે જશવંતસિંહ હરિસિંહ ચૌહાણના શેરડીના ખેતરમાં શેરડીના ઉભા પાક ને મોટા પાયે નુકસાન કરતા 40 થી 50 જેટલા ભૂંડ નજરે પડ્યા હતાં. સુરતના વરિયાવ, કંટારા તથા સેગવા ગામમાં જંગલી ભૂંડ ને લીધે ખેડૂતો ને આશરે 50000/- વધુનું નુકસાન થયું છે એ બાબતે આજે 70 થી વધુ ખેડૂતોએ સહકારી અગ્રણી દર્શન નાયકને રજૂઆત કરી હતી. ખેડુતોએ વન વિભાગ ભૂંડ પકડવા પાંજરા મૂકે અથવા સરકાર કોઈ ચોક્કસ ટીમ બનાવી સર્વે કરાવે, દક્ષિણ ગુજરાતમાં જંગલી ભૂંડને લીધે 100 કરોડ વધુનું નુકસાન થયું છે.

Most Popular

To Top