Madhya Gujarat

પેટલાદના ધારાસભ્ય કેબિનધારકોને સાંભળવા જમીન પર બેસી ગયાં

પેટલાદ : પેટલાદ નગરપાલિકાએ છેલ્લા પાંચ દિવસથી યુદ્ધના ધોરણે 200 જેટલા દબાણો હટાવ્યાં છે. જ્યારે 169 જેટલા કેબીનધારકોને પાલિકાએ મહિનાના અલ્ટીમેટમ સાથે જગ્યા ખાલી કરવા નોટીસ ફટકારી છે. જેથી કેબીનધારકોએ ધારાસભ્ય સાથે બેઠક યોજી પોતાની આપવિતી રજૂ કરી હતી. પેટલાદ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપરથી નડતરૂપ દબાણો દૂર કરવાની કામગીરી સતત ચાલુ છે. આવા દબાણો પુન: પ્રસ્થાપિત ના થાય તે માટે આજે ચીફ ઓફિસર સંજય રામાનુજ પાલિકાની ટીમ સાથે તપાસમાં નીકળ્યા હતા. જે લોકોએ દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લેવાની બાંહેધરી આપી હોય અને દૂર ના થયા હોય તેવા દબાણો હટાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત છુટા છવાયા કેટલાક લારી ગલ્લા પુન: મૂળ જગ્યાએ ગોઠવાયા હોય તે પણ દૂર કરવામા આવ્યા હતા. ચીફ ઓફિસરની સતત વોચને કારણે દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેથી 169 કેબીનો ધારકો પૈકી પચાસ જેટલા લોકો પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલની ઓફિસે રજૂઆત કરવા પહોચી ગયા હતા. આ પ્રભાવિત કેબીનો ધારકોએ આક્રોશ પૂર્વક રજૂઆત કરી હતી કે અમે છેલ્લા 60 વર્ષથી આ જગ્યા ઉપર બેસીને રોજગારી મેળવીએ છે. જે તે સમયે આ જગ્યા પાલિકાએ જ અમને ભાડાપટ્ટે ફાળવી હતી.

જેનુ નક્કી કરેલ ભાડું પાલિકામાં ભરીએ છે. પરંતુ પાલિકાએ તો આ કેબીનોની જગ્યાનો ભાડાપટ્ટો રદ કરી જગ્યા ખાલી કરવાની નોટીસ મોકલી છે. તો અમારી રોજગારીનું શું ? અમારા પરિવારના જીવન નિર્વાહનું શું ? અમે નાની મોટી બેંક લોન લીધી હોય તો એ કેવી રીતે ભરપાઈ કરી શકીએ ? આવા અનેક પ્રશ્નોની રજૂઆત કેબીનધારકોએ ધારાસભ્યને કરી હતી. જેના અનુસંધાનમાં ધારાસભ્યએ જરૂરી માહિતી મેળવી નગરપાલિકા અને પીડબલ્યુડીના અધિકારીઓ સાથે બેઠક યોજી ઘટતું કરવાની હૈયાધારણ આપી હતી.

Most Popular

To Top