Vadodara

મજબૂત મકાન માટે મજબૂર લોકો લાઈનમાં

વડોદરા: પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા શહેરના 4 વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2132 મકાનોના બનાવવાના હોય તેને લઈ વહેલી સવારથી ફોર્મ વિતરણની શરુઆતમાં રાવપુરા ખાતે લોકોનો વહેલી સવારથી ઘસારો શરૂ થઈ ગયો હતો. બે થી અઢી કિલોમીટર લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક જામ થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરના હરણી, ગોત્રી, સુભાનપુરા તથા કલાલી ખાતે તૈયાર થનાર EWS-II 2132 મકાનો આવાસો તૈયાર કરવામાં આવનાર છે.

કલાલી ખાતે 1900 આવાસો હરણી ખાતે 58 યુનિટ, સુભાનપુરા ખાતે 74 યુનિટ અને ગોત્રી ખાતે 100 યુનિટના આવાસો તૈયાર કરાશે. મકાનની કિમત 5,50 લાખ છે. આવાસો માટેના ફોર્મ મેળવવા રાવપુરા ખાતે વહેલી સવારથી લોકો લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા. દિવ્યાંગો માટે કોઈ અલાયદી સુવિધાઓ કરાઇ ન હોવાથી તેઓને પણ વહેલી સવારથી લાંબી કતારોમાં ઉભાં રહેવાનો અને પરેશાન થવાનો વારો આવ્યો હતો. કેટલીક મહિલાઓ પોતાના નાના બાળકોને મૂકીને તથા કેટલાક લોકો પોતાની નોકરી-ધંધો છોડી સવારે ત્રણ વાગ્યાથી ફોર્મ લેવા માટે ઉભા હતા. અહીં તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા સુધ્ધાં કરાઇ ન હતી. રાવપુરા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસની એક ગાડી આવી હતી. ત્યારે લોકો કતારોમાં ઉભાં રહ્યાં હતાં. નાગરિકો દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનો પણ ભંગ કરવામાં આવ્યો હતો.

વહેલી સવારના 3 વાગ્યાના લાઈનમાં ઊભા રહ્યા છે:લાભાર્થી

લાભાર્થી મહેશ ભાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન ફોર્મ મેળવવા માટે વહેલી સવારના ત્રણ વાગ્યાના લાઈનમાં ઊભા છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. પાણી પણ પીવાનું મૂકવામાં આવ્યું નથી. અમે કામ-ધંધો મૂકીને અહિયા આવ્યા છે.  દર મહિને 3500 રૂપિયા ભાડું ચૂકવ્યા છે તો આ મકાન મળે તેના માટે અમે લાઈનમાં ઊભા છે.

Most Popular

To Top