Charchapatra

ખેડૂત આંદોલકો પ્રત્યે સંવેદના દાખવી મંત્રણા કરી ઉકેલ લાવવો જ યોગ્ય

હાડ થીજાવી નાંખતી એક ડિગ્રી સુધીના  નિમ્ન તાપમાનમાં કડકડતી ઠંડીમાં લગભગ દોઢેક માસથી દિલ્હીમાં ત્રણ સ્થળે લગભગ પચાસ હજાર ખેડૂતો, ખેડૂતને સ્પર્શતા નવા કાયદાઓને હટાવવા માટે, પચાસ ખેડૂતોનાં બલિદાન આપી અહિંસક સત્યાગ્રહ કરી રહ્યા છે. ધરતી સાથે જોડાયેલ જગતનો તાત ઉપર આભ અને નીચે ધરતીનું ખુલ્લામાં શરણ લઈ જે વેદના વેઠી  રહ્યો છે, તેની ધરાસણાના  સને ૧૯૩૦ માં થયેલ અહિંસક મીઠા સત્યાગ્રહની યાદ તાજી કરી દે છે. દેશને અંગ્રેજોની નાગચૂડમાંથી મુક્ત કરવાનો,  એ  સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. જ્યારે આ ખેડૂતોનો સત્યાગ્રહ ખેતીની જમીન પર મોટા બિઝનેસ ગ્રુપોનો  પાશવી પંજો ન પડે તેમજ સરકારશ્રી કાયદાકીય રીતે લઘુતમ ભાવ ખેત ઉપજને  આપે તેમ જ તે અંગે એ.પી.એમ.સી. ની સુવિધા ખતમ ન થાય,  તે અંગેની જગતના તાતની જીવનમરણની આ અહિંસક લડત છે.

દાંડીનો મીઠા સત્યાગ્રહ તો એક પ્રતીકરૂપે જ હતો. ખરો સત્યાગ્રહ તો ધરાસણામાં થયો હતો. ધરાસણાનો મીઠા સત્યાગ્રહ એક અહિંસક ક્રાંતિનું  એક રિહર્સલ જ હતું . આ અહિંસક સત્યાગ્રહ જેનો સૂર્ય કદી આથમવાનો નથી, એવી બ્રિટિશ સલ્તનતની ઇમારતને પાયામાંથી હચમચાવી નાંખી હતી. ધરાસણા સત્યાગ્રહમાં ધડાધડ લાઠીઓ વીંઝાતી  રહી અને માથા વધેરાતાં રહ્યાં. લોહીનીંગળતાં  શરીરો કાંટામાં અને મીઠાના  પાણીમાં ઝબોળાતા રહ્યા. પડતી લાઠીને રોકવા સત્યાગ્રહીઓના  હાથ ઊંચા થતા નહોતા. ભારત માતાને  ખોળે રક્ત ટપકતી ઝોળીઓ સમરાંગણથી બે કિલોમીટર દૂર ઊંટડી ગામે નાની સરખી જમીન પર ઊભી કરેલ સત્યાગ્રહીઓની  છાવણી ગંભીર ઈજા પામેલ સત્યાગ્રહીઓથી ઊભરાતી રહી. રાષ્ટ્રીય શાયર , જાંબાઝ  લેખક સદ્ગત શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે,

રક્ત ટપકતી સો સો ઝોળી  સમરાંગણથી આવે,

કેસરવરણી સમર સેવિકા, કોમળ સેજ બિછાવે,

ઘાયલ મરતાં મરતાં રે , માતાની આઝાદી ગાવે.

ગાત્રો ધ્રુજાવી નાખનારાં આ દ્રશ્યો અંગ્રેજ સરકારના જુલ્મો  દુનિયાભરનાં પત્રકારોએ પ્રસારિત કર્યા હતા.  સ્વાતંત્ર્ય સંગ્રામમાં પાયામાં પડેલી ફનાગીરીની અને સરફરોશીની તમન્નાનો તાદ્રશ  ચિતાર એટલે ધરાસણાની ધીખતી ધરા.

દેશની જી.ડી.પી.માં ૧૫ ટકાનો હિસ્સો ધરાવનાર, દેશનાં  ૫૦ ટકા લોકોને રોજી પૂરી પાડનારા કોરોનાના   કાતિલ વાયરસ તેમ જ દિવસો સુધી દેશ લોકબંધીમાં જકડાયેલ હતો , ત્યારે પણ આ જગતના  તાતે  પોતાના  અસ્તિત્વની પરવા કર્યા વિના દેશની કુલ જરૂરિયાત કરતાં પણ વધુ અનાજ પકવી દેશના  અનાજમાં કોઠારો ઉભરાવી દીધા છે. બંને પક્ષે અવિશ્વાસની  ખાઈઓ  ઊભી થયેલ છે. બંને પક્ષે અહમનો  ટકરાવનો બરફ ઓગાળીને  મૈત્રીભર્યા મંત્રણાના  ટેબલ પર બેસીને તાકીદે ઉકેલ લાવવો જોઈએ, એવી સહુ દેશવાસીઓ ચાતક નજરે બંને પક્ષોને જોઈ રહી છે.

ભેસ્તાન         -બી.એમ.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top