Business

પેટીએમ પેમેન્ટ્સ બેન્કનું લાયસન્સ થઈ શકે છે રદ્દ, રિઝર્વ બન્કે વ્યવહારોના સેટલમેન્ટ માટે છેલ્લી મુદ્દત આપી

નવી દિલ્હી: પેટીએમ પેમેન્ટ્સ બેંકનું (Paytm Payments Bank) લાઇસન્સ રદ (License cancellation) થઈ શકે છે. આરબીઆઈ (RBI) આ અંગે વિચારણા કરી રહી છે. એક મીડિયા રિપોર્ટને લઈને આ જાણકારી સામે આવી છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકને વ્યાપાર અને વ્યવહારોના સેટલમેન્ટ માટે 15 માર્ચની મુદ્દત આપવામાં આવી છે. 15 માર્ચ બાદ રિઝર્વ બેન્ક પેટીએમ બેંકનું લાઇસન્સ રદ કરવાની જાહેરાત કરી શકે છે.

આ અગાઉ સેન્ટ્રલ બેંકે ગઈ તા. 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પેમેન્ટ બેંક સામે કડક પગલાં લીધા હતા. બેંકની મોટાભાગની સર્વિસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે આ મહિનાના અંતથી અમલમાં આવશે. સેન્ટ્રલ બેંકની કાર્યવાહી બાદ પેટીએમની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ ના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ તા. 5 ફેબ્રુઆરી સુધીમાં કંપનીના શેરમાં 43 ટકાનો ઘટાડો થયો હતો. જોકે, હવે શેરમાં રિકવરી જોવા મળી રહી છે.

દરમિયાન એક પત્રકાર પરિષદમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે પેટીએમ જેવી સંસ્થાઓને નિયમો અને જરૂરિયાતોનું પાલન કરવા માટે પૂરતો સમય આપવામાં આવે છે. તે નિયત સમયમર્યાદામાં નિયમોનું પાલન ન થાય તો નિયમનકારી સંસ્થા તરીકે રિઝર્વ બેન્કે કાર્યવાહી કરવી પડે છે. જો કોઈ એન્ટિટી નિયમનનું પાલન કરતી હોય તો અમે શા માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરીએ? અમે જવાબદાર સંસ્થા છે.

રિઝર્વ બેન્કે કહ્યું કે ગ્રાહકો હજુ પણ પેટીએમની સર્વિસનો ઉપયોગ કરી શકે છે. અમે ગ્રાહકે શું કરવાની જરૂર છે તેના કેન્દ્રમાં રાખીની કામ કરી રહ્યાં છીએ. દરેક બેંકે પેટીએમ સાથે ભાગીદારીના સંદર્ભમાં તેમના પોતાના વ્યવસાયિક નિર્ણયો લેવાના હોય છે.

બેંકિંગ રેગ્યુલેટરને લાગ્યું કે આ સમયે પરમિટ રદ કરવી એ તાર્કિક પગલું છે. કારણ કે નિયમોનું વારંવાર પાલન ન થવાને કારણે રિઝર્વ બેન્કને પેમેન્ટ્સ બેંક પર મોટા બિઝનેસ પ્રતિબંધો લાદવાની ફરજ પડી હતી, જે 29 ફેબ્રુઆરી સુધીમાં તેની કામગીરી અસરકારક રીતે સમાપ્ત કરે છે.

Most Popular

To Top