Feature Stories

સુરતીઓને વાહન ડ્રાઇવિંગ શીખવનાર પટેલ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ 86 વર્ષે પણ અડીખમ

તળ સુરતના લાલગેટ ફરદુનજી મર્ઝબાન રોડ પર આવેલી પટેલ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ સુરતની પ્રથમ વાહનો હાંકતા શીખવનાર સ્કૂલ ગણવામાં આવે છે. આ ટ્રેનિંગ સ્કૂલમાં બ્રિટીશરોથી લઇ હજારો સુરતીઓ અહીં ટ્રક, કાર, ઓટો રિક્ષા અને ટુ વ્હીલર ચલાવવાની ટ્રેનિંગ લઇ ચૂકયા છે. સુરતની અનેક જાણીતી હસ્તીઓ અહીંથી મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગનું શિક્ષણ મેળવી ચુકી છે. લોકોમોટીવ એન્જીનથી ચાલતી એટલે કે કોલસાથી ચાલતી ફલાઇંગ રાણી ટ્રેનના ડ્રાઇવર અને પાછળથી સુરત રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટ બનેલા નાદીરશા નસરવાનજી પટેલે 1936માં પટેલ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના કરી હતી. તે પછી તેમના સુપુત્ર અને ગત વર્ષે કોરોના દરમ્યાન નિધન પામેલા સ્વ. રતનશા પટેલે આ ઇન્સ્ટિટયૂટ દાયકાઓ સુધી ચલાવી હતી અને હવે તેમના સુપુત્ર ડો. માહિયાર રતનશા પટેલ સંપૂર્ણ ખંત અને પ્રમાણિકતા પૂર્વક આ ઇન્સ્ટિટયૂટ ચલાવી રહ્યા છે. તળ સુરતનો એક વિસ્તાર જ આજે લાલગેટ-પટેલ મોટર ડ્રાઇવિંગના નામે જાણીતો છે. ગુજરાતમિત્ર આ ટ્રેનિંગ સ્કૂલ વિશે રોચક વાતો જાણી લાવ્યું છે.

કોલસાથી સુરતમાં કાર ચાલતી ત્યારથી ટ્રેનિંગ સ્કૂલ ચાલી રહી છે
ડો. માહિયાર પટેલ કહે છે કે મારા દાદા નાદિરશાએ જયારે ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરી ત્યારે સુરતમાં કોલસાથી કાર ચાલતી હતી. કારની આગળના ભાગે કોલસો બળે અને તેની ગરમીથી ઉત્પન્ન થતી વરાળ થકી પિસ્ટન ચાલતું હતું. તેને સ્ટીમ એન્જીન કાર તરીકે ઓળખવામાં આવતી હતી. આ લોકોમોટીવ કારમાં પાટીયાની સીટ, ગીયરનો ડંડો અને કલચનો પાવડો રહેતો હતો. એન્જીનમાં રેડીયેટર, ડાયનેમો ફેરવીને કરંટ પ્રોડયુસ કરવાથી કાર તે જમાનામાં સડસડાટ દોડતી હતી. આવી એક એન્ટીક કાર અમારી ટ્રેનિંગ સ્કૂલમાં ડેમો તરીકે જાળવી રાખવામાં આવી છે. ઘણા ઓછા જાણે છે કે લોકોમોટીવ પછી પહેલા ડીઝલની કાર આવી હતી તે પછી પેટ્રોલ અને ઓકટેન પેટ્રોલથી ચાલતી કાર માર્કેટમાં આવી હતી.

160 વર્ષ જૂની ફરદુનજી મર્ઝબાનની પ્રિન્ટીંગ પ્રેસમાં ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે
ડો. માહિયાર પટેલ કહે છે કે ઘણા ઓછા પારસી સજ્જનોને ખબર છે કે 160 વર્ષ જુની ફરદુનજી મર્ઝબાનની પ્રિન્ટીંગ પ્રેસ જયાં ચાલતી હતી તેજ સ્ટ્રકચરને અમે જાળવી રાખી ત્યાં પટેલ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ચલાવીએ છીએ. ગુજરાતી ભાષાના પ્રથમ અખબાર મુંબઇ સમાચારના તંત્રી રહેલા ફરદુનજીની પ્રિન્ટીંગ પ્રેસને અમે હેરીટેજ વેલ્યુ તરીકે આજે પણ જાળવી રાખી છે. જો કે 1815માં અહીં ફરદુનજી મર્ઝબાને દબિસ્તાન-આઇ-મઝાહિબ નામનું પારસી બાનીનું ગુજરાતી પેપર પણ અહીંથી જ પ્રસિધ્ધ કર્યું હતું. તેનું એક પેજ પણ અહીં જળવાઇ રહ્યું છે. પારસી ધર્મનો ફેલાવો થાય તે માટે અહીં પ્રેસ નાંખવામાં આવી હતી.

તે જમાનામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે એક સરખી ચાર આના લાયસન્સ ફી હતી
ડો. માહિયાર પટેલ કહે છે કે મારા દાદા નાદિરશા તે જમાનામાં વાહન રજીસ્ટ્રેશન RTOમાં કરાવતા તે સમયે લાયસન્સ ફી ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટે એક સરખી ચાર આના હતી. માત્ર 2.50 રૂા.માં વાહનની ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અમારી ટ્રેનિંગ સ્કૂલ ગ્રાહકોને કરી આપતી હતી. તે જમાનામાં પેટ્રોલ ગેલન એટલે કે 20 લિટરમાં આવતુ હતું. તે જમાનામાં આ સ્કૂલ પાસે ચાર ટ્રક, ચાર કાર અને એક ઓટો રિક્ષા હતી.

બ્રિટિશ રાજમાં મુંબઇથી સુરત લોકોમોટીવ એન્જીન એટલે કે કોલસાથી ચાલતા એન્જીન સાથેની ફલાઇંગ રાણી સુરત રેલવે સ્ટેશને લાવવાનું કપરુ કામ કરનાર ટ્રેનના ડ્રાઇવર નાદિરશા નસરવાનજી પટેલ સુરત રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફારેગ થયા તે પછી તેમણે 1936માં બ્રિટિશરો અને સુરતીઓને ટ્રક, કાર, ઓટો રિક્ષાની ટ્રેનિંગ આપવા તળ સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા ફરદુનજી મર્ઝબાન રોડ પર પટેલ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના કરી હતી. કવીન એલીઝાબેથના સગા-સંબંધીઓને મુંબઇથી ફલાઇંગ રાણીમાં સુરત લાવવાનું કામ દર શુક્રવારે નાદિરશા કરતા હતા. માત્ર 24 વર્ષની વયે તેમણે ડ્રાઇવિંગ સ્કૂલની સ્થાપના કરી હતી. તે પછી આ પેઢીએ પાછા વળીને જોયું નથી. આજે તેમની ત્રીજી પેઢી કાર્યરત છે. 96 વર્ષની વય સુધી એટલે કે 2007 સુધી નાદિરશા સ્કૂલમાં બેસતા હતા તેમની સાથે તેમના પુત્ર રતનશા જોડાયા હતા.

1981 સુધી સુરત RTOમાં એજન્ટ પ્રથા કાયદેસર હતી
ડો. માહિયાર પટેલ કહે છે કે ઘણા ઓછા લોકોને ખબર છે કે આજે રાજ્યની RTOમાં એજન્ટ પ્રથા ગેરકાયદે ગણાય છે પણ બ્રિટિશ રાજથી 1981 સુધી સુરત RTOમાં વાહનનું રજીસ્ટ્રેશન કરાવનાર એજન્ટો માટે એજન્ટ પ્રથા કાયદેસર હતી. મારા પિતા રતનશા પટેલ દાયકાઓ સુધી RTOના ગણતરીના એજન્ટો પૈકીના એક અધિકૃત એજન્ટ હતા. 1981માં ગુજરાત મોટર વ્હીકલ એક્ટ આવ્યો તે પછી RTOમાં એજન્ટ પ્રથા નાબૂદ કરવામાં આવી હતી. 1981 સુધી દર વર્ષે અમારુ એજન્ટનું લાયસન્સ રીન્યૂઅલ થતું હતું. રતનશા પટેલ ડિપ્લોમા ઓટોમોબાઇલ એન્જિનિયરીંગની પદવી ધરાવનાર પ્રથમ ભણેલા ગણેલા એજન્ટ હતા. તેઓ વેસ્ટર્ન ઓટો મોબાઇલ કંપની અને બરોડા રેયોનમાં સ્ટીમ એન્જીન રીપેર કરવાનું કામ કરતા હતા.

સ્વ. કાશીરામ રાણાથી ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોશ સુધીના નેતાઓ અહીંથી કાર ચલાવવાનું શીખ્યા: ડો. માહિયાર પટેલ
ડો. માહિયાર પટેલ કહે છે કે તે જમાનામાં એક માત્ર વાહનો શીખવવાની ટ્રેનિંગ સ્કૂલ હોવાથી સ્વ. કાશીરામ રાણા, માજી મેયર સ્વ. અજીત દેસાઇ, સ્વ. એડવોકેટ મુકુંદ નાયકથી લઇ ટેક્સ્ટાઇલ અને રેલવે રાજય મંત્રી દર્શના જરદોશ સુધીના VVIP આ ટ્રેનિંગ સ્કૂલના વિદ્યાર્થી હતા. કલેકટર, ઇન્કમટેક્સ, સુરત મનપા, ડિસ્ટ્રીકટ કોર્ટના જજ સહિતના મહાનુભાવો અહીંથી કાર ચલાવવાનું શીખ્યા હતા. તે જમાનામાં ગુરૂ શિષ્યની પરંપરા મુજબ અમારા ડ્રાયવર સલીમ શેખના ચરણ સ્પર્શ કરી લોકો ચાંદીના સિક્કા પણ ગુરૂ દક્ષિણામાં ગીફટ આપતા હતા. એક સમયે સુરતમાં પ્રાઇવેટ કંપની સુરત સીટી બસ કંપની સુરતની ચોક સુધી 17 નંબરની સીટી બસ પણ ચલાવતી હતી તેના ડ્રાયવરે પણ અહીં ટ્રેનિંગ લીધી હતી.

ટ્રેનિંગ સ્કૂલ પાસે એન્ટિક વાહનોનો પણ ખજાનો છે
પટેલ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ માત્ર ટ્રેનિંગ સ્કૂલ નથી પરંતુ એન્ટિક વાહનોનું નાનું મ્યુઝિયમ પણ છે. જયાં કોલસાથી ચાલતી ડેમો કાર, 1965નું લેમ્બ્રેટા, જાવા આઇડિયલ (1963), યઝદી (1974), બુલેટ (1972), ત્રણ ગીયરની બજાજ પ્રિયા, હોન્ડા સ્ટ્રીક, સની ઝીપ અને જાપાનીઝ એન્જીનના યામાહા પણ રાખવામાં આવ્યા છે.

તે જમાનામાં વાપીથી વડોદરા સુધી RTOના કામ માટે લોકો સુરત આવતા
પટેલ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના સંચાલક ડો. માહિયાર પટેલ કહે છે કે મારા દાદા નાદિરશા પટેલે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ જયારે શરૂ કરી ત્યારે વાપીથી વડોદરા સુધી એક માત્ર સુરત RTO મુગલીસરા I.P. મિશન નજીક ચાલતી હતી. તે સમયે સાયકલ પર ડાયનેમો લગાવવા માટે પણ મુંબઇથી RTO ઇન્સ્પેકટર બોઇસ આવતા હતા જે બ્રિટિશ રાજના પારસી અધિકારી હતા. બોઇસ સાહેબ પાછળથી સુરત RTO પણ બન્યા હતા. જયાં તકતી પર આજે પણ તેમનું નામ લખવામાં આવ્યું છે. તે સમયે કલકત્તાથી સેવરલે, ઇમ્પાલા, મોરીસ સેવરલે, લેન્ડ માસ્ટર જેવી કાર આવતી હતી. તેનું રજીસ્ટ્રેશન પણ સુરતમાં જ થતું હતું. પછીના વર્ષોમાં એમ્બેસેડર, ફીયાટ, પવન અને ટ્રકનું રજીસ્ટ્રેશન પણ અહીં જ થતું હતું. મુગલીસરામાં વસ્તી વધતા RTOને નાનપુરા બહુમાળી પાસે શીફટ કરવામાં આવી હતી. તે પછી મજુરાગેટ અને હવે પાલ ખાતે RTO કચેરી ગઇ છે.

ગુજરાતની પ્રથમ ટ્રક ડ્રાઇવર દુરૈયા તપિયાને ટ્રક ચલાવવાની ટ્રેનિંગ અહીં મળી
ડો. માહિયાર પટેલ કહે છે કે ગુજરાતની પ્રથમ ટ્રક ડ્રાઇવરનું બિરુદ મેળવનાર દુરૈયા તપિયાને ટ્રક ચલાવવાની ટ્રેનિંગ પટેલ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ દ્વારા આપવામાં આવી હતી. અમારી એક માત્ર સ્કૂલ એવી છે કે જે આજે પણ ટ્રક અને ઓટો રિક્ષા ચલાવવાની ટ્રેનિંગ આપે છે. હિસ્ટ્રી ટીવી પર ટ્રક દ્વારા હિમાલયની સફરનો કાર્યક્રમ શરૂ થયો તે પહેલા સુરતની બે છોકરી ઓડીશન આપતા પહેલા અમારી ટ્રેનિંગ સ્કૂલમાં તાલીમ લેવા આવી હતી. એવી જ રીતે સુરત મહાનગરપાલિકાના અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન વિભાગે સુરતમાં મહિલાઓને પીંક રિક્ષાની ટ્રેનિંગ આપવાની જવાબદારી પણ અમારી પેઢીને સોંપી હતી.

Most Popular

To Top