Dakshin Gujarat

કોસ્ટલ હાઇવે પર પોલીસે દારૂ ભરીને જતી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો અને કાર ઝાડ સાથે ભટકાઈ

પારડી: (Pardi) પારડીના પલસાણા કોસ્ટલ હાઇવે પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) દારૂ (Alcohol) ભરીને જતી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જો કે ચાલકે થોડા દૂર પહોંચી કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે પહોંચી બે શખ્સને પકડી પાડ્યા હતા. જ્યારે એક ઈસમ અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો. કારમાંથી (Car) રૂ.1.08 લાખનો દારૂ મળી આવ્યો હતો. જ્યારે ફરાર આરોપી અને દારૂ ભરાવનાર, મંગાવનાર અને કારનું પાયલોટિંગ કરનાર મળી 7 ઈસમને વોન્ટેડ જાહેર કયાઁ હતા.

  • પારડી પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કાર વૃક્ષ સાથે ભટકાઇ
  • પોલીસે બે શખ્સને પકડી પાડ્યા, કારમાંથી 1.08 લાખનો દારૂ મળી આવ્યો

પારડી તાલુકાના પલસાણા કોસ્ટલ હાઇવે પર વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને જોઈ કારચાલકે પૂર ઝડપે હંકારી મૂકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ત્યારે પલસાણા નાની કોળીવાડ તરફ જતા રોડ ઉપર કારચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડે ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ પહોંચી નિલેશ ઉર્ફે નીલિયો ગુંડો જગુ પટેલ (રહે.પારનેરા વલસાડ) અને દીક્ષિત ઉર્ફે તેજસ યોગેશ પટેલ (રહે.પારડી કોટલાવ હાલ રહે.કલસર)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 1379 જેની કિં.રૂ.1.08 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે પ્રતિક (રહે.પારડી ચીવલ રોડ) રાત્રિના અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો.

દારૂનો જથ્થો ભરાવનાર કેવિન બળવંત ભંડારી (રહે. ભીમપોર દમણ), દારૂ મંગાવનાર વિમલ (રહે. નવસારી), તથા બાઈક પર પાયલોટિંગ કરનાર સુરેશ ઉર્ફે સૂર્યો મોહન (રહે કલસર), સુરજ ઉર્ફે ડી.જે.પટેલ (રહે. વલસાડ), કેયુર ઉર્ફે કેરીયો (રહે.પારડી કલસર), લાલુ (રહે. વલસાડ ધોબીતળાવ) સહિત કુલ 7 ઈસમને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. દારૂનો જથ્થો, મોબાઈલ, કાર સહિત કુલ રૂ.3,14,850 નો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બલીઠાથી રૂપિયા 1.03 લાખના દારૂના જથ્થા સાથે કારચાલક ઝડપાયો
વાપી : વાપી ટાઉન પોલીસે બાતમીના આધારે બલીઠા પાસે વોચ ગોઠવી કારમાંથી રૂ.1.03 લાખનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડી કારચાલકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપી ટાઉન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે બલીઠા હાઈવે પર વોચ ગોઠવી હતી. ત્યારે કાર આવતા તેને અટકાવી ડ્રાઈવરનું નામઠામ પૂછતા પ્રજ્ઞેશ ઉર્ફે પીન્ટુ મહેશ માહ્યાવંશી ઉં.25,રહે.સલવાવ, વાપી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તપાસ કરતા વિદેશી દારૂ-બીયરનો જથ્થો કિંમત આશરે રૂ.1,03,200 મળી આવ્યો હતો. પાસપરમીટ વિના દારૂની હેરાફેરી કરનાર કારચાલકની પોલીસે અટક કરી વધુ તપાસ કરતા આ દારૂનો જથ્થો આપનાર પ્રમોદ ટંડેલ (રહે. દમણ) અને જથ્થો મંગાવનાર કલ્પેશ ઉર્ફે કલ્પો ઉર્ફે રૂપેશ (રહે. ગણદેવી)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કાર, મોબાઈલ ફોન તથા દારૂનો જથ્થો મળી કુલ રૂ.3,08,200નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top