Sports

પહેલો ઘા પંડ્યાનો, ગુજરાત ટાઇટન્સ નવું આઇપીએલ ચેમ્પિયન

આઇપીએલની 15મી સિઝનની આજે અહીં રમાયેલી ફાઇનલમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સના બોલરોએ કરેલી પ્રભાવક બોલીંગને પ્રતાપે રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 130 રનનો સ્કોર કરીને મૂકેલા 131 રનના વિજય લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યા, શુભમન ગીલ અને ડેવિડ મિલરની ઇનિંગની મદદથી 3 વિકેટે કબજે કરીને મેચ 7 વિકેટે જીતીને પોતાની પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનીને એક નવો ઇતિહાસ રચ્યો હતો.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી ગુજરાત માટે શરૂઆત સારી રહી નહોતી અને માત્ર 9 રનના સ્કોર પર રિદ્ધિમાન સાહાની વિકેટ ગુમાવી હતી અને તે પછી પાંચમી ઓવરમાં મેથ્યુ વેડની વિકેટ ગુમાવી ત્યારે તેમનો સ્કોર માત્ર 23 રન હતો. એવું લાગતું હતું કે પીચ બેટીંગ માટે ઘણી આકરી છે, ત્યારે હાર્દિકે આવીને ગીલની સાથે 63 રનની ભાગીદારી કરીને સ્કોર 86 પર પહોંચાડ્યો હતો અને હાર્દિક 30 બોલમાં 34 રન કરીને આઉટ થયો હતો. તે પછી બાકીનું કામ ગીલે મિલરની સાથે મળીને પુરૂ કર્યું હતુ. ગિલે 19મી ઓવરના પહેલા બોલે છગ્ગો ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી. તે 43 બોલમાં 45 જ્યારે મિલર 19 બોલમાં 32 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.

ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કરનારી રાજસ્થાન રોયલ્સની શરૂઆત થોડી ધીમી રહી હતી અને પાવરપ્લેમાં તેમણે 1 વિકેટે 44 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલ 22 રન કરીને આઉટ થયો હતો. પાવરપ્લેમાં ઓછા રન થવાને કારણે તે પછી ઝડપી રન બનાવવાના પ્રયાસમાં રાજસ્થાન રોયલ્સે એક પછી એક વિકેટ ગુમાવી હતી. સેમસન માત્ર 14 રન જ્યારે દેવદત્ત પડ્ડીકલ 10 બોલમાં માત્ર 2 રન કરીને આઉટ થયા હતા.

તેમને સૌથી મોટો ઝાટકો 12 ઓવરમાં લાગ્યો હતો જ્યારે બટલર માત્ર 39 રન કરીને આઉટ થયો હતો અને ત્યારે તેમનો સ્કોર માત્ર 79 રન હતો. હેટમાયર પણ માત્ર 11 રન કરીને આઉટ થતાં રાજસ્થાને 94 રનના સ્કોરે 5 વિકેટ ગુમાવી દીધી હતી અને તે પછી અંતિમ 5 ઓવરોમાં રાજસ્થાન 4 વિકેટ ગુમાવીને માત્ર 35 રન ઉમેરી શક્યું હતું. ગુજરાત વતી કેપ્ટન હાર્દિકે જોરદાર બોલીંગ કરીને 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 3 વિકેટ ઉપાડીને તેમની કમર ભાંગી નાંખી હતી. હાર્દિકે 17 રનમાં 3 જ્યારે આર સાઇ કિશોરે 2 અને રાશિદ ખાન, યશ દયાલ અને મહંમદ શમીએ 1-1 વિકેટ ઉપાડી હતી.

આઇપીએલ શરૂ થયા પછીના 14 વર્ષે ડેબ્યુ સિઝનમાં કોઇ ટીમ ચેમ્પિયન બની
ગુજરાત ટાઇટન્સે આજે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની 15મી સિઝનની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને પોતાની ડેબ્યુ સિઝનમાં જ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 2008માં આઇપીએલ શરૂ થઇ તેના 14 વર્ષ પછી કોઇ ટીમે પોતાની ડેબ્યુ સિઝનમાં આઇપીએલ ટાઇટલ જીત્યું હોવાની આ પહેલી ઘટના છે. આઇપીએલની 15 સિઝન દરમિયાન વચ્ચે જ્યારે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ પર બે વર્ષનો બેન મૂકાયો હતો, ત્યારે સુપર જાયન્ટ્સ અને ગુજરાત લાયન્સ એ બે ટીમ ઉમેરાઇ હતી પણ તેઓ પોતાની ડેબ્યુ સિઝનમાં ચેમ્પિયન બની શકી નહોતી.

Most Popular

To Top