Comments

પલટુરામ…..

બિહારમાં જે બન્યું એ અપેક્ષિત અને  અનપેક્ષિત છે. નીતીશકુમાર પલટી મારશે એવી અટકળો સાચી પડી અને ભાજપ એને ફરી એનડીએમાં સમાવી લેશે અને ફરી મુખ્યમંત્રી બનાવશે એ ગળે ઊતરે એવું નહોતું પણ એવું બન્યું એ ભારતના રાજકારણની આજની વરવી વાસ્તવિકતા છે. ભાજપ અને જેડીયુ અલગ અલગ વિચારધારા ધરાવાતા પક્ષો છે છતાં સત્તા માટે સાથે થાય એ હવે નવાઈની વાત રહી નથી. અગાઉ આવું મહારાષ્ટ્રમાં બન્યું હતું. એક વાર નહિ બબ્બે વાર.

નીતીશ નવમી વાર મુખ્યમંત્રી બન્યા, પણ એમની ઈમેજ સુશાસન બાબુમાંથી પલટુરામ થઇ ગઈ છે એટલો તો બદલાવ જરૂર આવ્યો છે. જનતા દલ , સમતા પાર્ટી અને જેડીયુથી માંડી એનડીએ અને મહાગઠબંધનમાં આવ-જાવ અને મુખ્યમંત્રી બની રહેવું સુધીની એમની રાજકીય સફરમાં જેટલા ઉતાર-ચડાવ આવ્યા છે એવા તો દુનિયાના કોઈ પ્રદેશના રાજકારણમાં આવ્યા નહિ હોય. ભારતનું રાજકારણ આયારામ ગયારામથી ઘણું બધું આગળ નીકળી ગયું છે.

નીતીશકુમારના પક્ષને ૨૦૦૫માં ૧૧૫ બેઠકો મળી હતી. આજે એ સ્કોર ઘટીને ૪૩ થઇ ગયો છે પણ એમની સત્તા બરકરાર છે. જેપી આંદોલનમાં સક્રિય રહેલા નીતીશ અને લાલુએ ભારતના રાજકારણમાં સાવ જુદા જ માઈલસ્ટોન સર્જ્યા છે. પણ નીતીશની એક વિશેષતા રહી છે કે, એ જે પણ મોરચામાં રહે એ મોરચાને જરૂર ફાયદો થાય છે. પછી એ એનડીએ હોય કે મહાગઠબંધન. અલબત્ત , નીતીશનો ખુદનો જનાધાર બહુ ઘટ્યો નથી. એક સમયે જેડીયુનો જનાધાર ૨૦.૪૬ ટકા હતો અને આજે એ ઘટીને ૧૯.૪૬ ટકા થયો છે.

પણ બિહારના રાજકારણમાં સમસ્યા એ છે કે, અહી બે જ ચહેરા છે. એક નીતીશ અને બીજા લાલુ યાદવ. ભાજપ પાસે એવા કોઈ બળુકા નેતા નથી કે જેના સહારે એ એકલા હાથે બિહારમાં સત્તા મેળવી શકે. સુશીલકુમાર મોદીની તો હવે બાદબાકી થઇ ગઈ છે. બે ઉપમુખ્યમંત્રી બન્યા એ જ દર્શાવે છે ભાજપ હવે નવી નેતાગીરી ઊભી કરવા માગે છે.

લોકસભાની વાત છે ત્યાં સુધી ભાજપ અને નીતીશ બંને મજબૂત બન્યા છે. પણ આ વર્ષે ચૂંટણી આવશે ત્યારે બેઠકોની વહેંચણીમાં હવે નીતીશનું નહિ ચાલે એ સ્પષ્ટ થઇ ગયું છે. ૨૦૧૯ જેટલી બેઠકો ભાજપ નીતીશને આપે એ તો શક્ય લાગતું નથી. એટલે નીતીશનો રાજકીય કાળ હવે ઘટતો રહેશે એ એવું કહેવાની હિંમત કરી શકાય. તેજસ્વી યાદવે કહ્યું કે, ખેલ હજુ બાકી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, ૨૦૨૪માં જેડીયુનું નામું નખાઇ જશે. એ વાતમાં દમ લાગે છે. ભાજપે નીતીશને મોટા ભાઈ બનાવ્યા પણ એમની જ પાંખો કાપી છે. ભાજપ બીજાનો ખભો વાપરી પોતાની લીટી મોટી કરે છે અને એવું માત્ર બિહારમાં જ નહિ અન્ય રાજ્યોમાં પણ બન્યું છે.

લાગે છે કે, નીતીશના અંતની શરૂઆત થઇ છે. કેન્દ્ર સરકારમાં પણ એ રહ્યા અને બિહારમાં તો એ યાવચ્ચન્દ્ર દિવાકર બનવાની કોશિશમાં રહે છે. પણ યુપીમાં જે સ્થિતિ બસપાની થઇ એ બિહારમાં જેડીયુની થઈ શકે છે અને એનો ફાયદો ભાજપને તો થશે જ, કદાચ લાલુને પણ થઇ શકે છે. નીતીશનો જનાધાર કોઈરી , કુર્મી અને મહાદલિતો છે. ભાજપની ગરજ એ છે કે, નીતીશ એમની સાથે  હોય તો બિહારમાં લોકસભાની બેઠકોની સંખ્યા વધી શકે . ભાજપનું આ વેળાનું ટાર્ગેટ ૪૦૦ પાર કરવાનું છે અને એ માટે રાજકીય સમાધાન કોઈ પણ પ્રકારનાં કરવા માટે ભાજપ તૈયાર છે. લોકસભાની ચૂંટણી બિહારમાં બદલાવ લાવી શકે છે અને પછી ધારાસભામાં પણ.

ઝારખંડમાં હજુ ઘણું બધું બનવું બાકી છે!
ઝારખંડમાં હેમંત સોરેન ઇડીના સકંજામાં છે અને ચંપાઈ સોરેન નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. અલબત્ત, રાજ્યપાલ દ્વારા અહીં એમને નોતરું દેવામાં વિલંબ થયો, મહારાષ્ટ્ર જેવી ઉતાવળ ના કરાઈ એ જુદી વાત છે. કદાચ ભાજપ સોદાબાજી કરવામાં સફળ નહિ રહ્યો હોય. જો કે, હજુ ય ભાજપ શાંત રહે એ વાતમાં માલ નથી.

ચંપાઈ સોરેન હેમંત સોરેનના યસ મેન છે અને શીબુ સોરેન દ્વારા અલગ ઝારખંડની જે લડત થઇ એમાં સામેલ હતા અને એ જ કારણે એમણે ઝારખંડ ટાઈગર કહેવામાં આવે છે. અપક્ષ ધારાસભ્ય રહી એમના રાજકારણની શરૂઆત થઇ. એક ખેડૂત પુત્ર હવે મુખ્યમંત્રી બને છે અને આદિવાસી પરિવારમાંથી આવે છે. ઝારખંડ મુક્તિ મોરચાને જન સમર્થન છે. હેમંત સોરેન સામે ઇડી દ્વારા ત્રણ કેસ દર્જ થયા છે અને એમાં જમીનના કેસમાં એમની પૂછપરછ કરી ધરપકડ કરવામાં આવી છે. ઇડી પાસે જે સત્તા છે એ જોતાં લાગે છે કે, સોરેન લાંબો સમય જેલમાં રહી શકે છે.

જેમ દિલ્હીમાં બન્યું એવું જ ઝારખંડમાં બની શકે છે અને ઝારખંડમાં બન્યું એ દિલ્હીમાં બની શકે છે. આપણા બે મંત્રીઓ જેલમાં છે અને હવે હેમંત સોરેનની જેમ અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ ઇડી કરી શકે છે. પાંચમું સમન એમને અપાઈ ચૂક્યું છે. દિલ્હીમાં આપને ખતમ કરવા ભાજપ પ્રયત્નશીલ છે અને હજુ સુધી સફળ થયું નથી. એમ જ ઝારખંડમાં પણ સફળતા હજુ સુધી તો મળી નથી. સોરેન અને કેજરીવાલ એ નીતીશકુમાર બન્યા નથી, એ પણ આજના રાજકારણનું આશ્ચર્ય છે. કારણ કે હવે, ક્યારે, શું બને એ નક્કી જ નથી અને હવે અશક્ય જ શક્ય બનવા લાગ્યું છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top