Dakshin Gujarat

પલસાણા: બગુમરામાં રિક્શામાં લઈને આવેલા યુવકની કડોદરામાં હત્યા કરાઈ હતી

પલસાણા: (Palsana) પલસાણાના બગુમરા ગામે ભંગારની દુકાન પાસે રીક્ષામાં (Rickshaw) એક ઇસમને માર મારી નાસી જવાના બનાવમાં પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને હત્યા (Murder) થઇ હોવાની શંકા જતાં તપાસ દરમિયાન યુવકની હત્યા કડોદરા વિસ્તારમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. પલસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી એકની અટક કરી ઝીરો નંબરથી ફરિયાદ કડોદરા ટ્રાન્સફર કરી છે.

  • બગુમરા રિક્ષામાં પહોંચાડાયેલા બેહોશ યુવકની કડોદરામાં હત્યા થઈ હતી, રિક્ષાચાલકની ધરપકડ
  • કડોદરા બાલાજી પ્રિયંકા ગ્રીન સિટી રોડ પર ચારેક યુવકો વચ્ચે મારામારીમાં હત્યા થયાની થિયરી તપાસતી પોલીસ
  • ભંગારની દુકાનના માલિકની પોલીસે પૂછપરછ કરતાં તથ્ય બહાર આવ્યું: તપાસ કડોદરા પોલીસને હવાલે કરાઈ

મળતી માહીતી અનુસાર હલધરૂ ખાતે રહેતા અને મુળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અસફાક મોકીમુદ્દીન શેખ (ઉ. વ. ૪૦) કડોદરાથી બારડોલી જતા બગુમરા ગામની સીમમાં ધરતી હોટલની બાજુમાં ભંગારની દુકાન ચલાવે છે. ગત ૪ જુનના રોજ સવારના સમયે તેઓ તેમની ભંગારની દુકાન પર હાજર હતાં તે સમયે એક ઓટો રીક્ષાચાલાક એક યુવકને બેભાન હાલતમાં લઈને આવ્યો હતો અને ભંગારના વેપારી અસફાક શેખને પોતાનું નામ નીરજ હોવાનું જણાવી કડોદરા સ્થિત નૂરી મીડીયાની પાછળના ભાગે આવેલ બાલાજી પ્રીયંકા ગ્રીન સીટીના રોડ પર કોઇ અજાણ્યા ત્રણ ઇસમો આ યુવકને લાકડાના સપાટા વડે માર મારી રહ્યા હતાં ત્યારે નીરજે ત્યાં જઇ બધાને છોડાવવા જતાં બેભાન થયેલ ઇસમે નીરજને પણ માર મારતા તે પણ ત્રણ ઇસમોની સાથે યુવકને માર મારવા લાગ્યો હતો.

તે સમયે યુવક બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો અને તેણે નીરજને જણાવ્યું હતું કે મારા ઓળખીતાની ભંગારની દુકાન બગુમરા ખાતે છે, ત્યાં મને મુકી જા. જેને લઇ નીરજે રીક્ષા કરી તે યુવકને ભંગારની દુકાને મુકી દુકાનના માલીક અસફાકને જણાવ્યું હતું કે મારામારીની વાત તું કોઇને કરતો નહીં, નહીતર તને પણ જાનથી મારી નાંખીશું. તેમ કહી નીરજ ત્યાંથી રીક્ષા લઈ નીકળી ગયો હતો. ત્યારબાદ અસફાકે ૧૦૮ને બોલાવતાં માલુમ પડ્યું કે યુવકનું મૃત્યુ થયું છે. જેને લઇ પલસાણા પોલીસે મરણ જનાર અજાણ્યા ઇસમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પલસાણા પોલીસને શંકા જતાં તેઓએ ભંગારની દુકાન ચલાવતા ઇસમને પોલીસ મથકે બોલાવી સધન પુછપરછ કરતાં તેણે સમગ્ર હકીકત પલસાણા પોલીસને જણાવી હતી અને પોતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાથી પોલીસને ખોટી માહીતી પુરી પાડી હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ પલસાણા પોલીસે હત્યાનો ભોગ બનેલ ઇસમના પરિવારની શોધખોળ કરતાં પોલીસને મરણ જનાર ઇસમનું નામ અલી દાઉદ શેખ (રહે હરીશ્ચંત પાર્ક સર્જન રેસીડેન્સી કડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. પલસાણા પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી રીક્ષા ચાલકની અટક કરી હત્યા કડોદરામાં થઇ હોવાથી ઝીરો નંબરની ફરિયાદ લઈ આગળની તપાસ કડોદરા પોલીસને સોંપવામાં આવી છે.

Most Popular

To Top