Dakshin Gujarat

પલસાણામાં બહેનનું રક્ષણ કરવા જતા ભાઈનો તેના મિત્રએ જ જીવ લઈ લીધો

પલસાણા: (Palsana) પલસાણાના ચલથાણ ગામે રહેતા એક ઇસમની બહેનને (Sister) તેનો મિત્ર હેરાન કરતો હોવાથી તેણે તેના મિત્રને (Friend) ફોન કરી ‘મારી બહેનને કેમ હેરાન કરે છે?’ તેમ કહી સમાધાન માટે બોલાવ્યા હતા. જ્યાં ઝઘડામાં પાંચ ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ચપ્પુ વડે સમાધાન માટે બોલાવેલા મિત્રએ જ મિત્રની હત્યા (Murder) કરી હતી. જ્યારે અન્ય બે ઇસમ છોડાવવા વચ્ચે પડતાં તેમની ઉપર પણ ચપ્પુ વડે હુમલો કરી પાંચેય ઈસમ નાસી ગયા હતા. કડોદરા પોલીસે પાંચ ઇસમ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • ‘તું મારો મિત્ર હોવા છતાં મારી બહેનને કેમ હેરાન કરે છે?’ કહેનાર ભાઈને મિત્રએ પતાવી દીધો
  • ચલથાણમાં બહેનને હેરાન કરનાર મિત્રને સમાધાન માટે બોલાવતાં વાત વણસી
  • મિત્ર સાથે આવેલા અન્ય ચાર ઇસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો
  • ઝઘડામાં યુવાનને બચાવવા ગયેલા બનેવી સહિત બે ઇજાગ્રસ્ત

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના ચલથાણ ગામે જલારામનગરમાં રહેતા જગદીશ ધર્મા રાઠોડ (ઉં.વ.૨૧) ગત બુધવારે રાત્રે તેમના બનેવી ગોપીચંદ ટીમાભાઇ ચૌહાણ (ઉં.વ.૩૨) તથા તેમના મિત્ર જિતેન્દ્ર રાજપૂત ચલથાણમાં જલારામનગર ખાતે હાજર હતા. ત્યારે જગદીશભાઇએ તેમના મિત્ર કિરણ રમેશ જાધવને ફોન કરી જણાવ્યું હતું કે, ‘તું મારો મિત્ર થઇને મારી બહેનને કેમ હેરાન કરે છે? તેં મારી સાથે ગદ્દારી કરી’ તેમ કહી સમજાવટ કરવા માટે તેને બોલાવ્યો હતો. જ્યાં કિરણ જાધવ તેના પિતા રમેશ ઉખા જાધવ (બંને રહે., તાતીથૈયા, ગોકુલધામ સોસાયટી) તથા તેમના સંબંધી અમોલ ઉખા જાધવ, મુકેશ જગતનાથ રાઠોડ તથા જગતનાથ જગદીશ રાઠોડ (તમામ રહે., ચલથાણ, જલારામનગર)એ ભેગા મળી કિરણે જગદીશ સાથે મારામારી શરૂ કરી હતી.

તેના પિતા તથા તેના સંબંધીઓએ પણ ભેગા મળી જગદીશભાઈને પકડી રાખી કિરણે ચપ્પુ વડે તેની છાતીના ભાગે હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જગદીશભાઇને છોડાવવા માટે તેમના બનેવી ગોપીચંદ ચૌહાણ તથા તેમના મિત્ર જિતેન્દ્ર રાજપૂત વચ્ચે પડતાં તેમની ઉપર પણ કિરણે ચપ્પુ વડે હુમલો કરી લોહીલુહાણ કરી પાંચેય ઇસમ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ હુમલામાં ઘાયલ જગદીશભાઇ, ગોપીચંદભાઇ તથા જિતેન્દ્રભાઇને ચલથાણ સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે જગદીશભાઇ રાઠોડને મૃત જાહેર કર્યા હતા તેમજ અન્ય બે ઇસમ સંજીવની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ અંગે કડોદરા પોલીસે પાંચ ઇસમ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top