Top News

More Posts

   The Latest

Most Popular

પ્રતિનિધિ, ગોધરા તા.25
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની ભુરાવાવ વિસ્તારમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા એક યુવકે વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના પૂર્વે યુવકે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી.

વાયરલ વિડિયોમાં યુવક જણાવે છે કે વર્ષ 2025માં તેની માતાની બીમારીના સારવાર માટે તેણે પોતાના મિત્ર શિવ જીતુભાઈ પારવાણી પાસેથી ₹1.26 લાખ વ્યાજે લીધા હતા. યુવકના દાવા મુજબ, તેણે અત્યાર સુધીમાં ₹3 લાખ ઓનલાઈન અને ₹2 લાખ રોકડા** એમ મળીને કુલ ₹5 લાખ વ્યાજ પેટે ચૂકવી દીધા છે.

યુવકે આક્ષેપ કર્યો છે કે આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. વ્યાજખોર શિવ પારવાણી અને તેના સાથીદારો યુવક પાસે અસલ મૂડીની માંગણી કરી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે કે જો તે પૈસા નહીં આપે તો તેના બેંક ઓફ બરોડાના આપેલા કોરા ચેકમાં મોટી રકમ ભરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.

યુવકે વિડિયોમાં વધુમાં જણાવ્યું કે તેણે આ અંગે ગોધરા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન અને 9 નંબરની ચોકી પર લેખિત અરજી અને નિવેદન આપ્યું હતું. જોકે, પોલીસમાં રજૂઆત કર્યા બાદ પણ વ્યાજખોરોનો ડર ઘટવાને બદલે વધ્યો હતો. યુવકના જણાવ્યા અનુસાર, શિવ પારવાણીએ તેને એલઆઈસી ઓફિસ પાસે બોલાવીને ધમકી આપી હતી કે તે આ ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર તેને ભયાનક પરિણામ ભોગવવા પડશે.
નિરાશ થયેલા યુવકે આ આત્મઘાતી ડગલું ભરતા પહેલા વિડિયોમાં ત્રણ નામ જાહેર કર્યા હતા જેમાં શિવ જીતુભાઈ પારવાણી, વિવેક આલમચંદાણી, વિનુ પારવાણીનો સમાવેશ થાય છે

હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.જે બાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે.

રિપોર્ટર: આશિષ બારીયા

To Top