Gujarat

મોરબી બ્રિજ અકસ્માત બાદ OREVA કંપનીના માલિક ગાયબ, FIR પર ઉભા થયા સવાલ

મોરબી : મોરબી(Morbi)માં બ્રિજ ધરાશાયી(Bridge Collapsed) થયાના ત્રણ દિવસ પછી ખરાબ સમારકામ માટે જવાબદાર OREVA કંપનીના માલિકો(Owners) હજુ પણ ગુમ છે. ધ ઓરેવા નામની કંપનીને માર્ચ મહિનામાં બ્રિજની જાળવણી માટે 15 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સાત મહિનાના સમારકામ બાદ આ પુલ નિર્ધારિત સમય પહેલા જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મોરબી મ્યુનિસિપલ બોડીએ કથિત રીતે આ કંપનીને બિડ કર્યા વિના આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

FIR પર ઉભા થયા અનેક સવાલ
પોલીસ FIR પર અકસ્માતમાં બચી ગયેલા લોકો અને વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે FIRમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને નાગરિક સંસ્થાના અધિકારીઓના નામ નથી, જેમણે ઘણી ખામીઓ હોવા છતાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સ્થાનિકોનાં જણાવ્યા અનુસાર, ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલ અકસ્માત પછી ગુમ થયા હતા, અને દાવો કર્યો હતો કે સમારકામ પછી પુલ ઓછામાં ઓછા આઠથી દસ વર્ષ ચાલશે. અમદાવાદમાં કંપનીનું ફાર્મહાઉસ બંધ છે અને ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ નથી. પટેલે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ સાથે કરાર કર્યા હતા. અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ધ ઓરેવાનો એક ભાગ છે, આ કંપની ઘડિયાળ ઉત્પાદક તરીકે જાણીતી છે. કોન્ટ્રાક્ટમાં બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકતા પહેલા ફિટનેસ સર્ટિફિકેટની જરૂરિયાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિજનું સમારકામ કરનારા કોન્ટ્રાક્ટરો આવા કામ માટે લાયક નથી. કહેવામાં આવ્યું હતું કે, ‘આ હોવા છતાં, આ કોન્ટ્રાક્ટરોને 2007 માં અને ફરીથી 2022 માં પુલના સમારકામનું કામ આપવામાં આવ્યું હતું.

બ્રિજનું માળખું બદલવામાં આવ્યું, પરંતુ જૂના કેબલ ન બદલાયા
ફરિયાદ પક્ષે ફોરેન્સિક રિપોર્ટનાં આધારે  જણાવ્યું હતું કે કેબલ નવા ફ્લોરિંગનું વજન સહન કરી શક્યા નહીં અને તૂટી ગયા. ફ્લોરમાં ઉપયોગમાં લેવાતી ચાર-સ્તરની એલ્યુમિનિયમ શીટને કારણે બ્રિજનું વજન વધી ગયું હતું, કેબલ તેની સામે ટકી શક્યા ન હતા.

મોટા માથાને બચાવવાનો આરોપ
વિરોધ પક્ષો અને સ્થાનિકોએ રાજ્ય સરકાર પર મોટા નેતાઓને બચાવવા અને ઓરેવાના સુરક્ષા રક્ષકો, ટિકિટ વિક્રેતાઓ અને નીચલા સ્તરના કર્મચારીઓને બલિનો બકરો બનાવવાનો આરોપ લગાવ્યો છે. ઓરેવા જૂથના બે મેનેજર અને બ્રિજનું સમારકામ કરનારા બે પેટા કોન્ટ્રાક્ટરને શનિવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટ બુકિંગ ક્લાર્ક સહિત અન્ય પાંચ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પોલીસનું કહેવું છે કે 26 ઓક્ટોબરે બ્રિજને લોકો માટે ખોલતા પહેલા કંપનીએ ગુણવત્તાની ચકાસણી કરી ન હતી.

Most Popular

To Top