SURAT

સુરત: વરાછાને કનેક્ટ કરતા આ રોડની કાયાપલટ કરવાનો પાલિકાનો નિર્ણય

સુરત : વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા જાહેર થાય તે પહેલા વધુમાં વધુ કામો મંજૂર કરી રહેલા સુરત મનપાના શાસકોએ જાહેરબાંધકામ સમિતિની મીટિંગમાં વધુ 169 કરોડના અંદાજો મંજૂર કરી દીધા છે. બેઠકમાં એજન્ડા ઉપરના 40 અને વધારાના 45 મળી કુલ 85 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં 169 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

  • પનાસ ટેનામેન્ટથી કિંગ કોર્નર જંકશન સુધી નવો વોક-વે
  • હયાત જોગર્સ પાર્કનું નવીનીકરણ કરવા પણ કરોડો ખર્ચાશે
  • સુરતના પ્રવેશદ્વાર કામરેજથી વાલક પાટિયા સુધી સીસી રોડને લીલીઝંડી

જેમાં પનાસ ટેનામેન્ટથી કિંગ્સ કોર્નર જંકશન સુધી બંને બાજુ નવો વોક-વે, એવરસાઇન વોક-વેથી પનાસ કેનાલ વોક-વે સુધીનો સુચિત નવો વોક-વે, હયાત જોગર્સ પાર્ક તથા પનાસ કેનાલથી બ્રેડલાઇનર સર્કલ સુધીના સાઇડ વોકવેનું રી-ડેવલપોમેન્ટ કરવાના રૂા.14.37 કરોડના અંદાજ મંજૂર કરવામાં આવ્યા છે. જયારે વરાછા મેઇન રોડ પર શહેરના પ્રવેશ દ્વારા સમાન વાલક પાટિયાથી કામરેજ જંકશન સુધીના અંદાજીત 5.10 કિલોમીટર લંબાઇવાળો રસ્તો હાઇવે સાથે સીધી કનેક્ટિવિટી આપતો છે. આ રોડ સીસી થવાથી ટ્રાફિકમાં સરળતા રહેશે. હાલમાં અતિભારે વાહન પસાર થતા હોવાના કારણે બિટયુમીનસ સરફેસને વારંવાર રીસરફેસિંગ કરવાની નોબત આવે છે. સીસી રોડ કરવાથી ઓછા મેઇન્ટેનન્સમાં વધુ લાંબી લાઇફ મળી રહેશે. મીડલ રિંગ રોડ પર ડિંડોલી-ખરવાસા રોડ પર સાંઇ પોઇન્ટ જંકશન ખાતે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતા બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે.

ફલાય ઓવરબ્રિજ બનવાથી ડિંડોલી ખરવાસા રોડની આસપાસના તમામ ગામોમાંથી શહેરમાં અવરજવર કરતા લોકોને ખુબ ઉપયોગી નિવડશે. ઉપરાંત વરિયાવમાં ટી.પી 36, ફાઇનલ પ્લોટ નં 106 વાળી દગ્યામાં ઢોર ડબ્બા બનાવવાના 4 કરોડના અંદાજને મંજૂરી આપવામાં આવી છે. તેમજ ડિંડોલી-ખરવાસા મેઇન રોડ પર સાંઇ પોઇન્ટ જંકશન ખાતે 61 કરોડના ખર્ચે નવો ફલાય ઓવરબ્રિજ તથા રૂા.33 કરોડના ખર્ચે વાલક પાટિયાથી કામરેજ જંકશન હાઇવેના જોડતા 5 કિલોમીટરના રોડને સીસી રોડ કરવાના મહત્વના કામોના અંદાજ મંજૂર કરવામાં આવ્યા છે.

સ્પેનના સ્માર્ટ સિટી વર્લ્ડ એકસ્પોમાં મનપા કમિશનરને આમંત્રણ
સુરતઃ સુરત શહેર એ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. સ્માર્ટ સિટી અંતર્ગત સુરત શહેરમાં ઘણા પ્રોજેક્ટો સાકાર થયા છે. ત્યારે આગામી તા.15મી નવેમ્બરથી સ્પેનના બાર્સેલોનાના ખાતે શરૂ થઇ રહેલાં 11માં સ્માર્ટ સિટી વર્લ્ડ એક્સ્પો કોંગ્રેસના આયોજનમાં દેશભરની સ્માર્ટ સિટીના સી.ઈ.ઓ સહિતના અધિકારીઓ હાજરી આપવાના છે. ત્યારે આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા કમિશનર પણ જવાના હોવાથી રાજ્ય સરકારની મંજૂરીની અપેક્ષાએ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આગામી 15મી નવેમ્બરથી 17મી નવેમ્બર સુધી મનપા કમિશનર શાલિની અગ્રવાલ સ્પેનમાં યોજાનાર સ્માર્ટ સિટી સમીટમાં હાજરી આપશે.

Most Popular

To Top