Gujarat

ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક: રાજકોટમાં સરકારી કચેરીઓમાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

રાજકોટ: ગુજરાતના (Gujarat) મોરબીમાં (Morbi) રવિવારે સાંજે ગોઝારી ઘટના સર્જાઈ હતી. મોરબીનો ઝૂલતો પુલ (Jhulto bridge) ધરાશાયી થતાં સેકન્ડોની અંદર જ પુલ પર હાજર 500 લોકો મચ્છુ નદીમાં (River) પડ્યા હતા. આ દુર્ઘટનામાં 135થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતો. આ ઘટનાને લઈને ગુજરાતમાં 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક (Statewide mourning) મનાવવામાં આવી રહ્યો છે. રાજકોટ (Rajkot), અમદાવાદ (Ahmadabad), સુરત (Surat) સહિત અનેક શહેરોમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીમાં આજે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

રાજકોટમાં પ્રાર્થના સભા
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મોરબી દુર્ઘટનામાં જીવ ગૂમાવનાર માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બાર એસોસિયેશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે રજવ્યાપી શોક સભામાં રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ખોડલધામ મંદિરે દરરોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. જ્યારે આજે રાજ્યવ્યાપી શોકના પગલે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.

મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમદાવાદના ટાઉનહૉલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, મેયર કિરીટ પરમાર, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ શ્રદ્ધાંજલિ સભાના અંતે બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. AMC દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ભાવનગર શહેરમાં પણ મોરબીની દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહેરના 13 વોર્ડમાં જુદી જુદી જગ્યાઓ પર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ સભામાં રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ સહિત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મૌન રાખી આત્માની શાંતિ માટે પ્રાથન કરી હતી. આ સિવાય ખેડા જિલ્લામાં પણ રાજ્યવ્યાપી શોક જાહેરાત કરવામાં આવી હતી. ખેડા જિલ્લા અધિકારી કચેરીએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. તેમજ ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ સહિતના લોકોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કેન્ડલ માર્ચ અને મૌન‌સભાનું પણ ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top