Dakshin Gujarat

નવસારી નગરપાલિકાનું બજેટ મંજૂર થતા વિપક્ષ નેતાઓ પોતાનો વિરોધ હોવાનું જણાવી બેસી ગયા

નવસારી : નવસારી-વિજલપોર (Navsari Vijalpore) નગરપાલિકાનું વર્ષ 2022-23 નું 711 કરોડના બજેટને (Budget) મંજૂર કરવામાં આવ્યું છે. સાથે જ વર્ષ 2021-22 નું રીવાઈઝડ બજેટ (Revised Budget) પણ મંજુર કરવામાં આવ્યું છે. ત્યારે ટુંક સમયમાં પાલિકા વિસ્તારમાં મીઠું પાણી આપવામાં આવશે તેવી જાહેરાત શાસકોએ કરી છે. ત્યારે આ વર્ષે નગરપાલિકા દ્વારા કેટલા કામો પૂર્ણ કરવામાં આવે તે જોવું રહ્યું.

  • નવસારી-વિજલપોર નગરપાલિકાનું વર્ષ 2022-23નું 711 કરોડનું બજેટ મંજુર
  • ગત વર્ષે 555 કરોડના બજેટમાં લેવાયેલા ઘણા કામો પેન્ડીંગ છે ત્યારે આ વર્ષે 711 કરોડના બજેટમાં મંજૂર કરાયેલા કામો પૈકી કેટલા પૂર્ણ થાય તે જોવું રહ્યું
  • ટુંક સમયમાં પાલિકા વિસ્તારમાં મીઠું પાણી આપવામાં આવશે

આજે મંગળવારે નવસારી-વિજલપોર નગરપાલિકાના સામાન્ય સભા ખંડમાં પ્રમુખ જીગીશ શાહના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. જે સભામાં કારોબારી ચેરમેન અશ્વિન કાસુન્દ્રાએ વર્ષ 2022-23 નું 71,148.39 લાખનું બજેટ રજુ કર્યું હતું. જે બજેટમાં નગરપાલિકા વિસ્તારમાં વર્ષ દરમિયાન થનાર કામોનો સમાવેશ કરવા બાબતે પાલિકાના વિવિધ ચેરમેનો અને નગરસેવકોએ ટેબલ ખખડાવી બજેટને વધાવી લીધું હતું. આ સાથે જ ગત વર્ષ 2021-22 નું રીવાઈઝડ બજેટ પણ લેવાયું હતું. તે બજેટને પણ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષ નેતાએ બજેટમાં પોતાનો વિરોધ હોવાનું જણાવી બેસી ગયા હતા. આ બજેટમાં નગરપાલિકા વિસ્તારમાં મીઠા પાણીની સમસ્યા ઉપર વધુ ધ્યાન અપાયું છે. ત્યારે ટુંક સમયમાં પાલિકા વિસ્તારમાં નાગરિકોને મીઠું પાણી મળી રહે તે માટેની કામગીરી હાથ ધરી છે.

બજેટમાં ખાડીના બ્યુટીફીકેશનની કામગીરી સહિતના કામો લેવાયા
પાણીની નવી પાઈપ લાઈન અને પંપિંગ, નવા વાહન ખરીદી, સમાવિષ્ટ આઠ ગામો માટે એસ.ટી.પી. બનાવવાની કામગીરી, સમાવિષ્ટ ગામોમાં ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી, દશેરા ટેકરી સ્થિત પમ્પિંગ સ્ટેશન પર ઓફીસ બિલ્ડીંગ તેમજ ડેવલપમેન્ટ પ્લાન, 100 ટકા ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન આપવાની કામગીરી, રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના, જાહેર સ્થળોએ ગંદકી ન થાય તે માટે કેમેરા મુકવાનું આયોજન, શહેરમાં વિવિધ વિસ્તારમાં જમીન લઈ બાગ-બગીચા વિકસાવવા, નવું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવું, વિરાવળ પૂર્ણા નદીના પુલથી વિરાવળ જકાતનાકા સુધીના રસ્તા પહોળા કરવાની કામગીરી, રીંગરોડ વિકાસ, જુદા-જુદા વિસ્તારોમાં હોકિંગ ઝોન અને વેન્ડર્સ માર્કેટ બનાવવાનું આયોજન, શહેરમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી, ટાઉન હોલ અને કલેક્ટર કચેરી પાસે વરસાદી ખાડીનું બ્યુટીફીકેશનની કામગીરી સહિતના કામો લેવામાં આવ્યા છે. ગત વર્ષ 2021-22 ના 555 કરોડના બજેટમાં લેવાયેલા ઘણા કામો પેન્ડીંગ હતા. ત્યારે આ વર્ષે 711 કરોડના બજેટમાં મંજુર કરાયેલા કામો પૈકી કેટલા કામો પૂર્ણ થાય તે જોવું રહ્યું.

પાલિકા વિસ્તારના 4 તળાવોને બ્યુટીફીકેશન કરાશે
નગરપાલિકા વિસ્તારમાં દુધિયા તળાવ, ટાટા તળાવ, સરબતીયા તળાવ અને જલાલપોરના તળાવને પાલિકાએ બ્યુટીફીકેશન કરી વિકસાવ્યું હતું. ત્યારે વર્ષ 2022-23 વર્ષના બજેટમાં વિજલપોરનું ડોલી તળાવ, ઇટાળવા ગામનું તળાવ, વિરાવળનું તળાવ અને ચોવીસી ગામે આવેલુ તળાવ મળી વધુ 4 તળાવો પાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરવામાં આવશે.

પાલિકા વિસ્તારમાં વોર્ડ દીઠ 2 મીનરલ વોટર એ.ટી.એમ. મુકાશે
નગરપાલિકા વિસ્તારમાં 13 વોર્ડ આવ્યા છે. જે 13 વોર્ડમાં કુલ 26 એટલે વોર્ડ દીઠ 2 સ્માર્ટ મીનરલ વોટર એ.ટી.એમ. મુકવાનું આયોજન બજેટમાં કર્યું છે.

વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત 25 હજારની સહાય ચૂકવાશે
પાલિકા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ વોટર હાર્વેસ્ટિંગ યોજના શરૂ કરવામાં આવી હતી. જેથી નાગરિકોએ વોટર હાર્વેસ્ટિંગ કામગીરી કરવાની અપીલ કરી હતી. સાથે જ વોટર હાર્વેસ્ટિંગ કામગીરી અંતર્ગત નગરપાલિકા 15 હજારની સહાય ચુકવતી હતી. ત્યારે વર્ષ 2022-23 ના બજેટમાં વોટર હાર્વેસ્ટિંગ સહાયમાં 10 હજારનો વધારો કરતા 25 હજાર રૂપિયા સહાય ચુકવવામાં આવશે.

Most Popular

To Top