SURAT

‘ના બાપ બડા ન ભૈયા, સબસે બડા રૂપૈયા’: જમીન પચાવી પાડવા સગા ભાઈનો ખોટો મરણ દાખલો બનાવ્યો

સુરતઃ (Surat) ચોર્યાસી તાલુકાના ટીંમ્બરવા ગામની વડીલોપાર્જીત જમીન (Land) પચાવી પાડવા સગા ભાઈઓએ (Brother) મહારાષ્ટ્ર ખાતે મરણ (Death) ગયેલા ભાઈને ટીમ્બરવામાં મોત થયાનું ખોટો મરણ (Fake Death Certificate) દાખલો બનાવ્યો હતો. જેમાં મૃતકને અપરિણીત (Unmarried) અને નિ:સંતાન દર્શાવ્યો હતો. મૃતકના પુત્રએ તેના કાકાઓની સામે સચીન પોલીસમાં આ અંગે ફરિયાદ (Complaint) દાખલ કરાવી છે.

લાલચી ભાઈઓએ સગા ભાઈને નિ:સંતાન અને અપરિણીત બતાવી ખોટા મરણ દાખલાને આધારે ખોટું પેઢીનામું તલાટીની રૂબરૂમાં બનાવ્યું: ભત્રીજાએ કાકાઓ વિરુદ્ધ સુરતના સચીન પોલીસ મથકમાં ફરિયાદ આપી

મહારાષ્ટ્રના પુણેમાં પીંપરી ચીંચવાડ ખાતે રહેતો ૩૨ વર્ષીય નિલેશ રોહિત દેસાઇ પોતે દેસાઇ પ્રોવિઝન સ્ટોર નામે દુકાન ધરાવે છે. તે મુળ સુરતના ચોર્યાસી તાલુકાના ટીમ્બરવા ગામનો વતની છે. તેના પિતાનું ૨૨ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ નિધન થયું હતું. તેમના મોતની નોંધ પીંપરી ચીંચવાડ ગામ ખાતે કરાવી હતી. નિલેશ વર્ષ ૨૦૨૦માં સુરત આવ્યો ત્યારે માજી સરપંચ મોહન આહીર સાથે તેની મુલાકાત થઇ હતી. ત્યારે તેમની વડીલોપાર્જિત મિલકત ગામમાં હોવાનું જણાવતા નિલેશે ઘનશ્યામ બાબુભાઈને પાવર ઓફ એટર્ની આપી વડીલોપાર્જિત મિલકતની તપાસ કરાવી હતી. જેમાં ટીંમ્બરવા ગામમાં અલગ-અલગ પાંચ જગ્યા પર જમીન હોવાનું જાણવા મળ્યું હતું. નિલેશના પિતાના અવસાનની જાણ હોવા છતાંતેના કાકા સ્વ. નરેન્દ્રભાઇએ તેમના મુળવતન ટીમ્બરવા ગામ ખાતે તેના પિતાના નામનો ખોટો મરણનો દાખલો કઢાવ્યો હતો.

તે દાખલાના આધારે નિલેશના કાકા અશોકભાઇ ધનસુખભાઇ દેસાઇએ ખોટા એફીડેવિટ, ખોટા પેઢીનામા અને સોગંદનામા બનાવડાવ્યા હતા. જેમા ૧૪ જુન ૨૦૦૫ના તલાટી કમમંત્રી રૂબરૂ પેઢીનામું, પંચકયાસ કરવામાં આવ્યું હતું. તેમા રોહિતભાઇ ધનસુખભાઇ દેસાઇ ૨૧ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ ગુજરી ગયા છે અને તેઓ અપરિણત અને અપુત્રવાન દર્શાવ્યા હતા. જેમા પંચો તરીકે નિલેશના કાકા અશોકભાઇ ધનસુખભાઇ, ધનસુખભાઈ નાગરભાઇ, સ્વ. નરેન્દ્રકુમાર ધનસુખભાઇ, અશોકભાઇ જમયતભાઇ ટેલર તથા મિતેષભાઇ વિનોદચંન્દ્ર દેસાઇએ સહી કરેલી છે તેમજ ૧૮ જુલાઈ ૨૦૦૫ના રોજ અશોકભાઇ ધનસુખભાઇએ સોગંદનામું કરેલું છે. જેમાં પણ તેઓએ રોહીતભાઈ અપરણીત છે તથા ટીમ્બરવા ખાતે ગુજરી ગયા હતા તેવું જણાવ્યું હતું. જે આધારે તલાટીનું પેઢીનામું તથા પંચકયાસ કરેલ છે.

એ રીતે નિલેશના કાકા અશોકભાઇ ધનસુખ ભાઇ દેસાઇ, સ્વ. કાકા નરેંન્દ્રભાઇ ધનસુખભાઇ દેસાઇ, ધનસુખભાઇ નાગરભાઇ આહીર, અશોકભાઇ જયમતરામ ટેલર તથા મિતેષભાઇ વિનોદચંન્દ્ર દેસાઇએ ભેગામળી નિલેશભાઈના પિતાના હિસ્સાની જમીન પચાવી પાડવા રોહિતભાઇ દેસાઇ ૨૦૦૩માં અપરણિત અપુત્રવાન ટીમ્બરવા મુકામે મરણ ગયા હોવાના ખોટો મરણનો દાખલો મેળવ્યો હતો. જેના આધારે ખોટા સોગંદનામા તથા પંચક્યાસ, પેઢીનામા બનાવી પુરાવા ઉભા કરી ગુનો કર્યો હતો.

Most Popular

To Top