Columns

હિજબ વિશેનો કર્ણાટક હાઈ કોર્ટનો ચુકાદો નવા બંધારણીય વિવાદો પેદા કરશે

ભારતમાં જે કાયદાની કોર્ટો છે  તેમનું કાર્યક્ષેત્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓનું અર્થઘટન કરવાનું છે. તેમને  ધર્મના પ્રવર્તકો  કે ધર્મગુરુઓ દ્વારા ઘડવામાં આવેલા ધાર્મિક નિયમોનું અર્થઘટન કરવાની સત્તા બંધારણે આપી નથી, પણ હાઈ કોર્ટના અને સુપ્રિમ કોર્ટોના જજો દ્વારા કાળક્રમે તે સત્તા હસ્તગત કરી લેવામાં આવી છે. આ સત્તાની રૂએ જ કર્ણાટક હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજબ પહેરીને જવું તે મુસ્લિમ મહિલાઓનો ધાર્મિક અધિકાર નથી, કારણ કે હિજબ ઇસ્લામની આવશ્યક ધાર્મિક ક્રિયા નથી. ભારતના બંધારણમાં ૨૫ મી કલમની વ્યાખ્યા કરતાં ક્યાંય આવશ્યક કે અનાવશ્યક ધાર્મિક ક્રિયા, તેવો ભેદ પાડવામાં આવ્યો નથી; પણ સુપ્રિમ કોર્ટે કેટલાક ચુકાદાઓ દ્વારા તેવો ભેદ ઊભો કર્યો છે. આ ચુકાદાઓ મુજબ હાઈ કોર્ટ કે સુપ્રિમ કોર્ટ કોઈ પણ ધાર્મિક ક્રિયાકાંડને અનાવશ્યક ગણાવીને  તેના પર પ્રતિબંધ મૂકી શકે છે. આ સત્તાનો ઉપયોગ કરીને જ કર્ણાટક હાઈ કોર્ટે હિજબની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે.

કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાને ભારતના રૂઢિચુસ્ત મુસ્લિમોએ સ્વીકાર્યો નથી.  તેમણે તેને સુપ્રિમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. મુસ્લિમ આગેવાનો માને છે કે આ ચુકાદો બહુમતી હિન્દુઓને અને ખાસ કરીને હિન્દુત્વની દુહાઈ દેતી સરકારને ખુશ કરવા માટે આપવામાં આવ્યો છે. કેટલાક રાજકારણીઓએ તો તેને સંઘપરિવાર દ્વારા લખાવવામાં આવેલા ચુકાદા તરીકે વર્ણવ્યો છે. ત્રિપલ તલાકનો ચુકાદો મુસ્લિમોની વિરુદ્ધમાં આવ્યા પછી હિજબનો ચુકાદો પણ મુસ્લિમોની વિરુદ્ધમાં આવતાં મુસ્લિમ સમાજને તેમના ધાર્મિક અધિકારો ખતરામાં હોવાની લાગણી થઈ રહી છે. હકીકતમાં કર્ણાટક હાઈ કોર્ટનો ચુકાદો માત્ર ઈસ્લામ માટે નહીં, પણ ભારતના બધા ધર્મો માટે હાનિકારક છે, કારણ કે ન્યાયાધીશોએ ધર્મગુરુઓ કરતાં વધુ સત્તા ધારણ કરી લીધી છે.

હિજબનો ચુકાદો ભારતના બંધારણની કલમો ૨૫(૧) અને ૨૬ (બી) ને લગતો છે, માટે આ ચુકાદાને સમજવા માટે સૌ પ્રથમ તો આ કલમોનો પરિચય મેળવી લેવો જોઈએ. કલમ ૨૫ (૧) પોતાની સ્વતંત્ર મરજી મુજબના ધર્મનું અનુસરણ કરવાના અધિકારની ખાતરી આપે છે. કલમ ૨૬ (બી) દ્વારા કોઈ પણ ધાર્મિક સંપ્રદાયને તેમની ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સત્તા આપવામાં આવી છે. આ કલમમાં મહત્ત્વની બાબત એ છે કે કોઈ પણ ધાર્મિક સંસ્થાન નહીં પણ માત્ર ધાર્મિક સંપ્રદાયને ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સત્તા આપવામાં આવી છે. જો કોઈ ધાર્મિક સંસ્થા પોતાની જાતને સંપ્રદાય તરીકે સાબિત ન કરી શકે તો તેને તેવી સત્તા આપવામાં આવી નથી.

ભારતના બંધારણમાં તો તમામ ધાર્મિક ક્રિયાકાંડની વાત કરવામાં આવી છે, પણ કોર્ટોએ ધર્મના ક્ષેત્રમાં સરકારની દખલગીરીને ન્યાયી ઠરાવવા તેના આવશ્યક અને અનાવશ્યક તેવા ભેદો પાડ્યા છે. કોઈ ધર્મમાં ધાર્મિક રિવાજોના આવશ્યક અને અનાવશ્યક તેવા ભેદો પાડ્યા નથી; પણ સુપ્રિમ કોર્ટે તેવો ભેદ ઊભો કર્યો છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ આવશ્યક ધાર્મિક રિવાજ તેને કહેવાય, જેના આધારે ધર્મની સ્થાપના કરવામાં આવી હોય. જે રિવાજ બદલવાથી મૂળ ધર્મનો ઢાંચો જ બદલાઈ જાય તેને આવશ્યક રિવાજ કહેવાય; બાકીનાને અનાવશ્યક કહેવાય. આ રીતે ભેદભાવ ઊભો કરીને સુપ્રિમ કોર્ટે ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાની સરકારને સવલત કરી  આપી છે. ક્યો રિવાજ આવશ્યક છે અને ક્યો આવશ્યક નથી, તેનો નિર્ણય જજો પોતાની મરજી મુજબ કરે છે.

અગાઉ કોર્ટ સમક્ષ ધાર્મિક સંસ્થાની કઈ પ્રવૃત્તિ ધાર્મિક છે અને કઈ સેક્યુલર છે, તેનો નિર્ણય કરવા પૂરતો જ આવશ્યક ધાર્મિક રિવાજના નિયમનો ઉપયોગ કરવામાં આવતો હતો. દાખલા તરીકે રતિલાલ પાનાચંદ ગાંધીના કેસમાં સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું હતું કે મંદિરમાં પૂજા કરવી તે ધાર્મિક પ્રવૃત્તિ છે, પણ દાનના રૂપિયાનો વહીવટ કરવો તે સેક્યુલર પ્રવૃત્તિ છે, માટે સરકાર ધાર્મિક સંસ્થાઓના વહીવટ બાબતમાં કાયદાઓ ઘડી શકે છે. આ ચુકાદાનો ઉપયોગ કરીને જ ધાર્મિક સંસ્થાઓ ઉપર ચેરિટી કમિશનરની સત્તા ઠોકી બેસાડવામાં આવી છે.

આ ચુકાદાનો ઉપયોગ કરીને જ હજારો હિન્દુ મંદિરોનો વહીવટ સેક્યુલર સરકાર કરી રહી છે. ભારતના બંધારણની ૨૫ (૨) (એ) કલમ મુજબ કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સેક્યુલર, આર્થિક કે રાજકીય પ્રવૃત્તિનું નિયમન કરવા સરકાર કાયદાઓ ઘડી શકે છે. રતિલાલ પાનાચંદ ગાંધીના કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને બંધારણીય બેન્ચ સમક્ષ પડકારવામાં ન આવ્યો હોવાથી તે કાયમી કાયદો બની ગયો છે. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ તે ધર્મનો આવશ્યક હિસ્સો છે કે નહીં? તે નક્કી કરવાની સત્તા ધર્મગુરુઓને જ હોવી જોઈએ, પણ ૧૯૫૮ માં હરિજનોના મંદિર પ્રવેશનો કેસ આવ્યો ત્યારે સુપ્રિમ કોર્ટે તે સત્તા પણ પોતાના  હાથમાં લઈ લીધી હતી. હરિજનો દ્વારા હિન્દુ મંદિરોમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ધર્મગુરુઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સરકારે હરિજનોને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપતો કાયદો ઘડ્યો તેને ધર્મગુરુઓ દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રિમ કોર્ટના જજો દ્વારા કોર્ટમાં ધર્મગ્રંથો મંગાવવામાં આવ્યા હતા અને તેનું અર્થઘટન કરીને કહેવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી. ભારતની સુપ્રિમ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રવૃત્તિ કોઈ ધર્મની આવશ્યક પ્રવૃત્તિ છે કે કેમ? તેનો ઘણી વખત નિર્ણય કરવામાં આવ્યો છે. કેટલાંક રાજ્યો દ્વારા પશુઓની કતલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે મુસ્લિમો કોર્ટમાં ગયા હતા કે બકરી ઇદના દિવસે ગાયની કે પશુની કુરબાની આપવી તેમનો ધાર્મિક અધિકાર છે, માટે તેના પર સરકાર પ્રતિબંધ મૂકી શકે નહીં.

ત્યારે સુપ્રિમ કોર્ટે મુસ્લિમ ધર્મના ગ્રંથો તપાસીને ચુકાદો આપ્યો હતો કે કુરબાની ઇસ્લામમાં આવશ્યક પ્રવૃત્તિ નથી. ૧૯૯૪ માં બાબરી મસ્જિદની આજુબાજુની જમીન સરકારે સંપાદિત કરી ત્યારે મુસ્લિમો કોર્ટમાં ગયા હતા કે મસ્જિદમાં નમાજ પઢવાનો તેમનો મૂળભૂત ધાર્મિક અધિકાર છે. ત્યારે સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું હતું કે નમાજ તો ખુલ્લી જગ્યામાં પઢી શકાય છે, માટે મસ્જિદ આવશ્યક ધાર્મિક પ્રવૃત્તિ નથી. આ કારણે સરકારને મસ્જિદની જમીન સંપાદિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. ૨૦૧૭ માં ત્રિપલ તલાકના કેસમાં પણ સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું હતું કે તે મુસ્લિમોની આવશ્યક ધાર્મિક પ્રવૃત્તિ નથી.

સબરીમાલા કેસમાં સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું હતું કે ૧૦ થી ૫૦ વર્ષ વચ્ચેની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે તે પણ અયપ્પા સંપ્રદાયની આવશ્યક ધાર્મિક પ્રવૃત્તિ નથી. આ ચુકાદાના ઘેરા પ્રત્યાઘાતો ભારતભરના હિન્દુઓમાં પડ્યા હતા. તે ચુકાદા સામે સંખ્યાબંધ રિવ્યૂ પિટીશનો કરવામાં આવી છે. હવે મુસ્લિમ મહિલાઓ મસ્જિદમાં કેમ પ્રવેશ ન કરી શકે? તે મુદ્દા પર પણ સુપ્રિમ કોર્ટમાં અરજીઓ કરવામાં
આવી છે. સબરીમાલા કેસના ચુકાદામાં રેલો હિન્દુઓના પગ નીચે આવ્યો તે પછી ધાર્મિક બાબતોનો નિર્ણય કરવામાં કોર્ટોની સત્તા બાબતમાં રાષ્ટ્રીય ચર્ચા ચાલી રહી છે. ધાર્મિક બાબતોમાં કોર્ટો બિલકુલ હસ્તક્ષેપ ન કરે તેવી માગણી કર્ણાટકના હિજબના ચુકાદા પછી પણ બુલંદ બનશે..
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top