Gujarat

સાયબર ક્રિમિનલ્સનાં સોફ્ટ ટાર્ગેટ ગુજરાતીઓ, એક વર્ષમાં ગુમાવી રૂ.7 કરોડથી વધુની રકમ

ગાંધીનગર: ડિજીટલ ઈન્ડિયામાં ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, તેની સાથે ફ્રોડની ઘટનાઓ પણ વધી છે. ગુજરાતમાં છેલ્લાં 1 વર્ષના સાયબર ફ્રોડના ચોંકાવનારા આંકડા તાજેતરમાં બહાર આવ્યા છે. જેમાં છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોએ રૂપિયા 7 કરોડથી વધુની રકમ ગુમાવી છે, જ્યારે પાછલાં ચાર વર્ષની વાત કરીએ તો આંકડો 28 કરોડ પર પહોંચ્યો છે. નોટબંધી બાદથી દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પ્રત્યે લોકોનો ઝુકાવ વધ્યો છે. હવે લોકો એક ક્લિક પર બેન્કિંગ કરી રહ્યાં છે. લોકો બેન્કમાં ધક્કાં ખાવાનું લોકો હવે પસંદ કરતા નથી. પેમેન્ટ લેવું, પેમેન્ટ આપવું તમામ કામ લોકો ઘરે બેઠાં મોબાઈલની મદદથી કરવા લાગ્યા છે. કહેવાય છે કે સુવિધા જ તકલીફનું પણ કારણ બનતી હોય છે, તે જ પ્રમાણે ડિજીટલ યુગમાં સાયબર ફ્રોડ નામનો રાક્ષસ હવે લોકોને સતાવી રહ્યો છે.

  • દેશભરમાં કુલ 2.49 લાખ સાયબર ફ્રોડની ઘટનાઓ નોંધાઇ
  • ભોગ બનનારમાં 10 હજારથી વધુ તો માત્ર ગુજરાતીઓ જ છે
  • 2021માં એપ્રિલથી ડિસેમ્બર સુધી 2281 ઘટનાઓ બની

નાનકડી ભૂલથી જીવનની મૂડી થઇ શકે છે ખાલી
ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે ગૂગલ પે, પેટીએમ, ફોન પે જેવી મોબાઇલ એપ્લિકેશન્સથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સરળ બન્યુ છે. પરંતુ આ એપ્લીકેશનનો ઉપયોગ કરી વખતે જો આપણે સાવધાની નહિ રાખીએ તો માત્ર આંખના પલકારામાં જીવનભરની કમાણી ગુમાવાની વારી આવી શકે છે. કારણે સોશિયલ મીડિયામાં કેટલાક લેભાગુ તત્વો એવા હોય છે કે જેઓ માત્ર એક લીંક મોકલી આપે છે. જેના પર ક્લિક કરવાથી જ તમારૂ બેંક ખાતું ખાલી થઇ જાય છે. જો કે આ પ્રકારનાં ફ્રોડથી બચવા માટે અનેક ઉપાયો છે. જો તેને ધ્યાનમાં રાખીએ તો આ ફ્રોડથી બચી શકાય છે. હાલનાં સમયગાળામાં પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડથી વર્ષ 2018-19માં 3477 ઘટનામાં 2.22 કરોડ જેટલા રૂપિયા ગુમાવ્યા હતા

લોકસભામાં ઘટનાઓની લિસ્ટ જાહેર કરાઇ
લોકસભાના સત્રમાં જાહેર કરવામાં આવેલી ઘટનાઓની માહિતી પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2018-19માં 1135 અને 2019-20માં 2719 સાયબર ફ્રોડની ઘટનાઓ નોંધાઇ હતી. તેમજ આ બંને વર્ષોમાં માત્ર ગુજરાતીઓએ નાણાકીય બાબતે 8.76 કરોડ રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવ્યા હતા. જો કે કોરોના કાળમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ વધ્યો છે. દેશમાં આ ક્રેઝ વધવાની સાથે સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધ્યું છે. હાલ કુલ 10,881થી વધુ સાયબર ફ્રોડની ઘટનાઓ નોંધાઇ છે. જેમાં વર્ષ 2020-21માં સાયયબર ફ્રોડની 4746 ઘટનામાં 12.37 કરોડ રૂપિયા જ્યારે એપ્રિલથી ડિસેમ્બર 2021 સુધીના સમયગાળામાં 2281 ઘટનામાં 6.95 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

એક OTPથી બની શકો છો સાયબર ફ્રોડનો ભોગ
આજકાલ માત્ર એક ફોનકોલથી તમે સાયબર ક્રાઈમનો શિકાર બની શકો છો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનાં ફાયદાની સાથે સાથે તેનાથી થતી છેતરપીંડીઓથી પણ સાવધાન રહેવું જોઈએ. જો કોઇ પણ અજાણી વ્યક્તિ તમારા બેન્કની ડિટેલ્સ તથા ઓટીપી માંગે તો તે આપવો નહી. સમગ્ર દેશમાં આ સમયગાળામાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. જેમાં લોકસભાના સત્રમાં આપવામાં આવેલી વિગતો અનુસાર કુલ 2.49 લાખ ઘટના નોંધાઇ છે. જ્યારે 789.11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ ચૂકી છે. તેનુ મુખ્ય કારણ એ છે કે અજ્ઞાત વ્યક્તિને ડેબિટ-ક્રેડિટ કાર્ડ નંબર-પાસવર્ડ, ઓટીપી આપવાથી જ મોટાભાગની સાયબર ફ્રોડની ઘટનાઓ થતી હોય છે. લોકો ગણતરીની મિનિટમાં બેંકમાં કરેલી બચત ગુમાવી દે છે. અજ્ઞાત વ્યક્તિનો ઓટીપી માટે ફોન આવતા અનેક લોકો તે આપી દે છે જે સૌથી મોટી ભૂલ હોય છે.

Most Popular

To Top