Gujarat

ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સિંહ, વાઘ અને દીપડા માટેના ”ઓપન મોટ”નું 24 ઓગસ્ટે લોકાર્પણ

‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ”ઓપન મોટ”પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. આગામી તા.24મી ઓગસ્ટના રોજ આ ઓપન મોટનું વન મંત્રી ગણપત વસાવા દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે.

ઈન્દ્રોડા પાર્કમાં વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકુળતાઓને ધ્યાનમાં રાખી આ ”ઓપન મોટ” પ્રકારના આવાસો તૈયાર કરાયા છે જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે.

આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. એટલુ જ નહિ મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ આપવામાં આવ્યો છે.

આ આવાસો પૈકી એશિયાઈ સિંહ તથા ભારતીય વાઘના આવાસો આધુનિક ઓપન મોટ પ્રકારના હોવાથી મુલાકાતીઓ વન્યજીવોને કોઈપણ પ્રકારના અવરોધ વિના તેઓના કુદરતી વાતાવરણમાં વિહરતા નિહાળવાનો અવસર પ્રાપ્ત થશે. નવનિર્મિત આવાસોમાં વન્યજીવોને ખોરાક, પાણી, સારવાર તથા તમામ ઋતુઓમાં રક્ષણ પ્રદાન કરવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

એશિયાઈ સિંહ, ભારતીય વાઘ તથા દીપડા જેવા કેટ ફેમિલી કૂળના વન્યપ્રાણીઓ માટે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી તાજેતરમાં વન્યજીવોના અદ્યતન આવાસોનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. નવનિર્મિત આવાસોમાં મુલાકાતીઓ તમામ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકશે. જેનો લાભ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પર્યટકો તથા ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને થશે.

Most Popular

To Top