Columns

પાકિસ્તાનના નસીબમાં ભ્રષ્ટ શાસકો જ લખાયા છે

પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા કોઈ વડા પ્રધાન પોતાની પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી. વડા પ્રધાન સત્તા પર હોય ત્યારે તેમને લશ્કરી બળવાના માધ્યમથી ઉથલાવી પાડવામાં આવે છે, ક્યાં તેમની હત્યા કરી નાખવામાં આવે છે, ક્યાં તેમને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં નાખવામાં આવે છે. પાકિસ્તાનના ઇતિહાસમાં સંસદમાં અવિશ્વાસના ઠરાવ દ્વારા સત્તા ગુમાવનારા પહેલા વડા પ્રધાન ઇમરાન ખાન છે. ઇમરાન ખાને તેની રેલીમાં મિલિટરીનું નામ આપ્યા વિના તેની પર પ્રહારો કર્યા ત્યારે જ તેમનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ ગયું હતું. પાકિસ્તાનમાં વડા પ્રધાનની ગાદી પર કોઈ પણ નેતા બેઠા હોય, તેમનું રિમોટ કન્ટ્રોલ તો મિલિટરીના જ હાથમાં હોય છે. ઇમરાન ખાને પણ મિલિટરીની સહાનુભૂતિ ગુમાવી માટે તેમણે જવું પડ્યું છે. પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટ દ્વારા ઇમરાન ખાને વિસર્જીત કરેલી સંસદ ફરીથી બહાલ કરવામાં આવી તેમાં પણ પડદા પાછળ મિલિટરીની જ ભૂમિકા હતી. ત્રણ વખત પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ પણ મિલિટરી સાથેની ગોઠવણથી જ વડા પ્રધાન બનશે.

પાકિસ્તાને તેનાં ૭૫ વર્ષના ઇતિહાસમાં એક પણ શાસક એવો જોયો નથી, કે જેના પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા નહીં હોય. કદાચ ઇમરાન ખાન તેમાં અપવાદ હશે, કારણ કે તેને ભ્રષ્ટાચાર કરવાની તક નહીં મળી હોય. ઇમરાન ખાનનો ગુનો એટલો હતો કે તેમણે પાકિસ્તાનને અમેરિકાની ગુલામીમાંથી મુક્ત કરીને રશિયાના શરણે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેઓ યુક્રેનના યુદ્ધ વચ્ચે મોસ્કો જઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળી આવ્યા હતા. ત્યાર બાદ સંસદમાં તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ઇમરાન ખાને અમેરિકા પર તેમને ઉથલાવી પાડવાનું કાવતરું કરવાનો આક્ષેપ કર્યો હતો, જે હવે સાચો પુરવાર થયો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન બનનારા શાહબાઝ શરીફ અને તેમના મોટા ભાઈ નવાઝ શરીફની કુંડળી પણ ભ્રષ્ટાચારથી ખરડાયેલી છે. શરીફ પરિવારનો રાજકીય ગઢ પંજાબ પ્રાંત ગણાય છે.  શાહબાઝ શરીફ ત્રણ વખત (૧૯૯૭, ૨૦૦૮ અને ૨૦૧૩ માં) પંજાબના મુખ્ય પ્રધાન તરીકે સત્તા ભોગવી ચૂક્યા છે. પંજાબમાં શરીફ પરિવારનું ઔદ્યોગિક સામ્રાજ્ય પણ છે. શાહબાઝ શરીફ પાકિસ્તાનની સ્ટીલ કંપનીના ભાગીદાર પણ છે. ૧૯૯૭ માં તેઓ પહેલી વખત પંજાબના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન હતા. ૨૦૦૦ માં પાકિસ્તાની લશ્કરના તત્કાલીન વડા પરવેઝ મુશર્રફે બળવો કરીને નવાઝ શરીફની જેમ શાહબાઝ શરીફને પણ ઉથલાવી પાડ્યા હતા. શાહબાઝ શરીફને સાઉદી અરેબિયામાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

૨૦૦૭ માં નવાઝ શરીફ ફરીથી પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા તે પછી શાહબાઝ શરીફ સાઉદીથી પાછા ફર્યા હતા અને પંજાબના રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. ૨૦૦૮ માં તેઓ બીજી વખત પંજાબના મુખ્ય પ્રધાન બન્યા હતા. ૨૦૧૩ માં તેઓ ત્રીજી વખત પંજાબના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૧૭ માં તત્કાલીન વડા પ્રધાનનું નામ પનામા પેપર્સમાં ચમકતાં તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે તેમને ગુનેગાર ઠેરવી તેમની સામે જિંદગીભર ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. નવાઝ શરીફે પાકિસ્તાન મુસ્લિમ લિગના પ્રમુખ તરીકે રાજીનામું આપતાં તે પદ શાહબાઝ શરીફને સોંપવામાં આવ્યું હતું. ૨૦૧૮ માં ઇમરાન ખાન ચૂંટણી જીતીને પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા હતા.

ઇમરાન ખાન પાકિસ્તાનને સ્વચ્છ સરકાર આપવાનાં વચન સાથે સત્તા પર આવ્યા હતા. સત્તા પર આવતાં જ તેમણે શરીફ ખાનદાનના ભ્રષ્ટાચારની તપાસ કરવાની શરૂઆત કરી હતી. નવાઝ શરીફ તો રાજકારણમાંથી નિવૃત્ત થઈને બ્રિટનમાં ચાલ્યા જતાં ઇમરાન ખાને શાહબાઝ શરીફના પરિવારને સકંજામાં લીધો હતો. ૨૦૧૯ માં પાકિસ્તાન સરકારે શાહબાઝ શરીફ અને તેમના પુત્ર હમઝા શરીફની ૨૩ મિલકતો મની લોન્ડરિંગના આરોપ હેઠળ જપ્ત કરી હતી. ૨૦૨૦ ના સપ્ટેમ્બરમાં શાહબાઝ શરીફની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે ભ્રષ્ટાચારનો ખટલો માંડવામાં આવ્યો હતો. ૨૦૨૧ ના એપ્રિલમાં તેમને લાહોર હાઈ કોર્ટે જામીન પર છોડ્યા હતા. શાહબાઝ શરીફે નવાઝ શરીફની જેમ મિલિટરી સાથેના સંબંધો બગાડ્યા નથી. વળી તેઓ અમેરિકાની પણ ગુડ બુકમાં હોવાથી તેમને પાકિસ્તાનના વડા પ્રધાન બનાવવામાં આવશે.

ઇમરાન ખાન સામે આંદોલન કરનારા રાજકારણીઓમાં શાહબાઝ શરીફ ઉપરાંત પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના નેતાઓ સરદાર આસિફ અલી જરદારી અને બિલાવલ ભુટ્ટો પણ સામેલ છે. આસિફ અલી જરદારી સિંધના ધનાઢ્ય પરિવારના નબીરા છે. તેઓ તેમની પ્લેબોય જેવી લાઈફસ્ટાઈલ માટે જાણીતા હતા. તેમનાં લગ્ન બેનઝીર ભુટ્ટો સાથે થયાં તે પછી ટૂંક સમયમાં બેનઝીર પાકિસ્તાનનાં વડાં પ્રધાન બન્યાં હતાં. બેનઝીર વડાં પ્રધાન હતાં ત્યારે જરદારી પડદા પાછળ રહીને સરકારી કોન્ટ્રેક્ટોની લહાણી કરતા હતા. તેઓ મિસ્ટર ટેન પરસેન્ટ તરીકે જાણીતા થયા હતા, કારણ કે દરેક કોન્ટ્રેક્ટમાં તેમનો ઓછામાં ઓછો ૧૦ ટકા હિસ્સો રહેતો હતો. તેમને બે વખત ભ્રષ્ટાચાર, ડ્રગ્સ સ્મગલિંગ અને હત્યાના આરોપ હેઠળ જેલમાં નાખવામાં આવ્યા હતા.

૨૦૦૭ માં બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ તે પછી આસિફ અલી જરદારી પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના સહાધ્યક્ષ બન્યા હતા. ૨૦૦૮ માં નવાઝ શરીફ વડા પ્રધાન હતા ત્યારે તેમના પક્ષ સાથે સત્તાની વહેંચણીના ભાગરૂપે જરદારીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ બની જતાં તેમની સામેના ભ્રષ્ટાચાર, ડ્રગ્સ, હત્યા વગેરેના આરોપો પડતા મૂકવામાં આવ્યા હતા. હવે શાહબાઝ શરીફે અને આસિફ અલી જરદારીએ સાથે મળીને ઇમરાન ખાનની હકાલપટ્ટી કરી છે ત્યારે જરદારી ફરીથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની જાય તેવી તમામ સંભાવનાઓ છે.

૨૦૦૭ માં બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ ત્યારે તેમનો પુત્ર બિલાવલ માત્ર ૧૯ વર્ષનો હતો અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણતો હતો. વંશપરંપરાગત શાસનના ભાગરૂપે તેને પાકિસ્તાન પિપલ્સ પાર્ટીનો અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યો હતો. અત્યારે બિલાવલ ભુટ્ટો ૩૪ વર્ષનો છે. પાકિસ્તાનની અડધી વસતિ ૨૨ વર્ષની નીચેની હોવાથી બિલાવલ ભુટ્ટો યુથ આઇકોન તરીકે ઓળખાય છે. બિલાવલને સરખું ઉર્દૂ બોલતાં આવડતું નથી; પણ પાકિસ્તાનના મતદારોને તેમાં બેનઝિરની છાયા દેખાય છે. શાહબાઝ શરીફના પ્રધાનમંડળમાં બિલાવલને પણ સ્થાન મળવું જોઈએ. પાકિસ્તાનમાં ફરી વખતના સત્તાપલટાથી સાબિત થઈ ગયું છે કે પાકિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર નથી, પણ અમેરિકાનું ખંડિયું રાષ્ટ્ર છે. પાકિસ્તાનની જેમ ભારત પર પણ રિમોટ કન્ટ્રોલથી રાજ કરવાના પ્રયાસો અમેરિકા કરી ચૂક્યું છે, પણ ભારત એટલું મજબૂત છે કે અમેરિકા તેમાં ફાવતું નથી. ઇમરાન ખાને પોતાના ભાષણમાં ભારતની તટસ્થ રહેવા બદલ પ્રશંસા પણ કરી હતી. જો ભારત વર્તમાન પરિસ્થિતિમાં પોતાનું સ્વતંત્ર વલણ ટકાવી રાખશે તો નરેન્દ્ર મોદીની તે મોટી સિદ્ધિ ગણાશે.

Most Popular

To Top