Dakshin Gujarat

કડોદરાના યુવાનને OLX પરથી બોલેરો પિકઅપ ગાડી ખરીદવાનું ભારે પડ્યું

પલસાણા: (Palsana) કડોદરા ખાતે રહેતા યુવાનને ઓનલાઈન બોલેરો પિકઅપ (Bolero Pickup) ખરીદી કરવાનું ભારે પડ્યું હતું. યુવાને OLX પર બોલેરો પિકઅપના ફોટા જોઈ તેની નીચે આપેલા નંબર પર ફોન કર્યો હતો. અને અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત થયા બાદ આ યુવાને ઓનલાઈન 1,56,398 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અજાણ્યા વ્યક્તિએ પોતે આર્મીમેન હોવાની ખોટી ઓળખ આપી આ યુવાનના ફોન (Phone) ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને બોલેરો પિકઅપ પણ ન આપી છેતરપિંડી (Fraud) કરતાં યુવાને કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • કડોદરાના યુવાનને OLX પરથી ગાડી ખરીદવાનું ભારે પડ્યું, 1.56 લાખ ગુમાવ્યા
  • અજાણ્યા વ્યક્તિએ આર્મીમેન હોવાની ખોટી ઓળખ આપી યુવાનના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ યુ.પી. ખાતે અને હાલ પલસાણાના કડોદરા ખાતે બાલાજીનગરમાં રહેતા અનિલ અવધેશ શર્માએ ગત તા.6 ડિસેમ્બર-2021ના રોજ તેમના મોબાઈલ ફોનમાં OLX નામની એપ ઇન્સ્ટોલ કરી હતી. ત્યારબાદ તેણે OLX એપ પર બોલેરો પિકઅપ ગાડીનો ફોટો જોતાં ફોટા ઉપર ગાડીનો નં.(જીજે-06-એઝેડ-3519)નો હતો. અને જેની કિંમત રૂ.2.55 લાખ લખેલી હતી અને ગાડીના ફોટા નીચે મોબાઈલ નંબર લખ્યો હતો. જેથી અનિલકુમાર આ ગાડી લેવા ઇચ્છતા હોવાથી તેમણે ગાડી નીચે લખેલા મોબાઈલ નંબર ઉપર ફોન કરતાં અજાણ્યા વ્યક્તિએ તેનું નામ શિવકાંત ત્રિપાઠી જણાવ્યું હતું. અને નંબર આપ્યો હતો, જેમાં ઓનલાઈન પૈસા નાંખવા જણાવતાં અનિલે પૈસા શિવકાંત ત્રિપાઠીના ખાતામાં જમા કરાવ્યા હતા.

જેમાં એકાઉન્ટ હોલ્ડરનું નામ ટેકેન્દ્ર ટૂંડુ લખેલું હતું. પૈસા જમા કરાવતા જ ગાડી બુક થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે, ગાડી માટે ટ્રાન્સપોર્ટ ચાર્જ મોકલાવવાનું કહેતાં અનિલે ફરી એકવાર ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા. અનિલે ટુકડે ટુકડે કરી 1,56,395 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અનિલે ગાડી માંગતાં શિવકાંત ત્રિપાઠીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ અન્ય મોબાઈલ પરથી ફોન કરતાં શિવકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, હું આર્મીમાં ફરજ બજાવું છું અને ખોટી ઓળખ આપી હતી. અને ગાડી ન મોકલી છેતરપિંડી કરતાં અનિલે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top