Business

સાઉદી અરેબિયાની આ જાહેરાતથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો, ભારતનું ટેન્શન પણ વધશે

નવી દિલ્હી: પેટ્રોલિયમના (Petroleum) ભાવ વધારાના કારણે વિશ્વના તમામ દેશો મોંઘવારીની (Inflation) ઝપેટમાં આવી ગયા છે. અમેરિકામાં પણ મોંઘવારી વધી રહી છે, પરંતુ તેલના મોટા નિકાસકારો કાચા તેલનું (Crude oil) ઉત્પાદન વધારવા માટે કોઈપણ રીતે સંમત નથી. વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંના એક સાઉદી અરેબિયાએ (Saudi Arabia) જણાવ્યુ છે કે તે તેલની વધતી કિંમતોને રોકવા માટે કોઈ પગલાં લેશે નહીં. સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને કહ્યું છે કે તેલની કોઈ અછત નથી તો પછી કયા આધારે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવું જોઈએ.

સાઉદી અરેબિયા તેલ ઉત્પાદન નહીં વધારશે
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) અનુસાર સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ નિકાસકાર છે. માર્ચમાં, IEA એ તેલની વધતી કિંમતોને કાબૂમાં લેવાના પ્રયાસમાં સ્ટોકમાંથી વધુ તેલની નિકાસ માટે માટે 10-પોઇન્ટ પ્લાન તૈયાર કર્યો હતો. મળતી માહિતી મુજબ પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને મંગળવારે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કહ્યું કે જ્યાં સુધી આપણે જાણીએ છીએ કે તેલની કોઈ અછત નથી. સાઉદી અરેબિયા આ મામલે જે કરી શકતું હતું, તેણે તે બધું જ કરી બતાવ્યું છે.

વિશ્વભરમાં તેલની કિંમતોમાં વધારો થવાનો મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ
વિશ્વભરમાં તેલની કિંમતોમાં વધારો થવા પાછળ રશિયા-યુક્રેન યુદ્ધ મુખ્ય કારણ છે. રશિયા વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે. યુક્રેનના આક્રમણને કારણે રશિયન તેલ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જેના કારણે વૈશ્વિક બજારમાં તેલની અછત સર્જાઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 70 ટકાનો વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી ક્રૂડ ઓઈલ જે $110 પ્રતિ બેરલ હતું તે હવે 20 ટકા વધ્યું છે. સાઉદીના વિદેશ મંત્રીએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં સ્પષ્ટ કર્યું કે તેમનો દેશ કોઈપણ રીતે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારશે નહીં. તેમણે એમ પણ કહ્યુ કે અમારું મૂલ્યાંકન એ છે કે તેલનો પુરવઠો અત્યારે પ્રમાણમાં સંતુલિત છે. પરંતુ આપણે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે બજારમાં ક્રૂડ ઓઈલ લાવવા કરતાં વધુ મુશ્કેલ છે.

તેલના ભાવથી ભારત પણ પરેશાન
તેલના ભાવમાં વધારાથી ભારત, અમેરિકા વગેરે દેશોમાં મોંઘવારી વધી છે. અમેરિકામાં એપ્રિલ મહિનામાં ફુગાવાનો દર 8.3 ટકા હતો. તેમજ ભારતમાં મોંઘવારીનો દર એપ્રિલ મહિનામાં 7.8 ટકા હતો. આ મોંઘવારીની સ્થિતિ પાછળથી વધુ ગંભીર બની શકે છે. IEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલે પણ ચેતવણી આપી છે કે ઉનાળામાં તેલની માંગમાં વધારો વૈશ્વિક મંદી તરફ દોરી શકે છે.

ક્રૂડના પુરવઠામાં વધારો નહીં પરંતુ ઓઈલ રિફાઈનરીમાં વધુ રોકાણ કરો: પ્રિન્સ ફૈઝલ
IEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બિરોલે કહ્યું કે આ ઉનાળો મુશ્કેલ હશે કારણ કે ઉનાળામાં તેલની માંગ સામાન્ય રીતે વધી જાય છે. વૈશ્વિક ઉર્જા બજારમાં તેલની કિંમતોને નિયંત્રિત કરવા માટે દરેક દેશે યોગદાન આપવાની જરૂર છે. પરંતુ પ્રિન્સ ફૈઝલની દલીલ છે કે ક્રૂડના પુરવઠામાં વધારો કરીને નહીં પરંતુ ઓઈલ રિફાઈનરીમાં વધુ રોકાણ કરીને ઊર્જાના ભાવમાં વધારો કરી શકાય છે. તેમણે વધુમાં કહ્યું ખરી સમસ્યા રિફાઈન્ડ તેલની છે. છેલ્લા દોઢ વર્ષમાં રિફાઈનરીની ક્ષમતા વધારવામાં બહુ ઓછું રોકાણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top