બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’માં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને ફરિયાદ મળી છે કે શાહરૂખ ખાનના ઘરમાં નિયમોની અવગણના કરીને નવીનીકરણનું કામ થઈ રહ્યું છે. નિયમોના ઉલ્લંઘનની ફરિયાદો બાદ BMC એ શાહરૂખ ખાનના ઘર મન્નતની મુલાકાત લીધી હતી. શુક્રવારે BMC ની એક ટીમ શાહરૂખ ખાનના ઘર મન્નત પહોંચી હતી.
ફરિયાદ બાદ વન વિભાગ અને BMC ના અધિકારીઓની એક ટીમે શાહરૂખ ખાનના બંગલાનું નિરીક્ષણ કર્યું. બંને વિભાગોને ફરિયાદો મળી હતી કે દરિયાકાંઠાના વિસ્તારના નિયમોનું ઉલ્લંઘન કરીને નવીનીકરણનું કામ થઈ રહ્યું છે. વન વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ ‘એક ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું. અમને આ અંગે ફરિયાદ મળી હતી. નિરીક્ષણ પછી એક રિપોર્ટ તૈયાર કરીને ટૂંક સમયમાં સબમિટ કરવામાં આવશે.’
શાહરૂખ ખાનના મેનેજરે જવાબ આપ્યો
અધિકારીએ કહ્યું કે વન વિભાગની વિનંતીના આધારે અમારા અધિકારીઓ ટીમ સાથે ગયા હતા. આ સિવાય અમારી કોઈ ભૂમિકા નહોતી. નિરીક્ષણ સમયે હાજર અન્ય એક અધિકારીએ કહ્યું કે ત્યાં હાજર મન્નતના કર્મચારીઓએ તેમને કહ્યું હતું કે તેઓ બધા દસ્તાવેજો સબમિટ કરશે. જોકે જ્યારે આ અંગે શાહરૂખ ખાનના મેનેજર સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે કોઈ ફરિયાદ નથી. માર્ગદર્શિકા મુજબ બધું કામ ચાલી રહ્યું છે.
પૂર્વ આઈપીએસ અધિકારીનો ગંભીર આરોપ
પૂર્વ આઈપીએસ અધિકારી અને વકીલ વાય. પી. સિંહે ‘મન્નત’ના લેઆઉટ વિશે સનસનાટીભર્યા દાવો કર્યો ત્યારે મામલો વધુ ગરમાયો. તેમણે કહ્યું કે ‘મન્નત’ મૂળ રૂપે ‘વિલા વિયેના’ નામની એક હેરિટેજ ઇમારત છે જેનું નામ પાછળથી બદલી નાખવામાં આવ્યું. સિંહના મતે 2005 માં આ હેરિટેજ બંગલાની પાછળ એક વધારાની સાત માળની ઇમારત બનાવવામાં આવી હતી. તે સમયે શહેરી જમીન ટોચમર્યાદા કાયદો અમલમાં હતો જેના હેઠળ મોટા એપાર્ટમેન્ટ્સને મંજૂરી નહોતી. સિંહનો આરોપ છે કે શાહરૂખ અને ગૌરી ખાને 12 નાના ફ્લેટ માટે BMC પાસેથી પરવાનગી લીધી હતી, જે સામાન્ય લોકો માટે બનાવવામાં આવવાના હતા. પરંતુ બાદમાં આ બધા ફ્લેટને જોડીને એક સુપર લક્ઝરી રહેઠાણ બનાવવામાં આવ્યું જે નિયમોનું ઉલ્લંઘન છે.
શાહરૂખ ખાન નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના ઘર મન્નતમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. તે મુંબઈના બાંદ્રા (પશ્ચિમ) માં આવેલું છે. શાહરૂખ ખાન તેના પરિવાર સાથે બાંદ્રાના પાલી હિલમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે. શાહરૂખ ખાન દર મહિને 24 લાખ રૂપિયા ભાડુ ચુકવે છે. એવું કહેવાય છે કે મન્નતમાં નવીનીકરણનું કામ લગભગ બે વર્ષ સુધી ચાલુ રહેશે.
