ટોપ પર નથી પણ તોપ છે પરિણિતી

લાંબા સમય માટે ટોપ પર રહેવું કેટલાકના જ નસીબમાં હોય છે. અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટ અને દિપીકા પાદુકોણને અત્યારે એવી નસીબવંતી ગણી શકો. અલબત્ત તેઓ ટોપ પર છે કારણ કે જબરદસ્ત ટેલેન્ટ ધરાવે છે અને પ્રેક્ષકોમાં આકર્ષણ જગાવે તેવું સૌંદર્ય ધરાવે છે. એવા સ્થાન મેળવવાની ખ્વાહિશ દરેક અભિનેત્રીની હોય પણ તે માટે તેવી પ્રતિભા હોવી જોઇએ, યોગ્ય સમયે પર્ફેકટ ફિલ્મો મળવી જોઇએ અને સફળ પણ થવી જોઇએ. તાપસી પન્નુ, કંગના રણૌત જરૂર એક દાવેદાર છે પણ જેને સારી તકોની અપેક્ષા છે તેમાં પરિણિતી ચોપરા પણ છે.

પરિણિતીમાં અભિનયનું ગાંભીર્ય છે ને સાથે ચુલબુલાપણું છે. યુવા પેઢીના પ્રેક્ષકોને ગમે તેવો પર્ફેકટ ચહેરો અને બોડી ધરાવે છે. પણ દિપીકા-આલિયા સુધી પહોંચવું તેના માટે સરળ નથી. તે થોડી બિંદાસ પણ છે. પોતાની સામે જે સમય હોય તેને જ જીવવામાં તે માને છે. તેણે ઉત્તમ ફિલ્મો જરૂરથી કરવી છે અને કારકિર્દી પર ધ્યાન પણ આપી રહી છે પણ પોતાને મહત્વાકાંક્ષાના દબાણમાં રાખતી નથી. ‘ઇશકઝાદે’થી માંડી આજ સુધીની કારકિર્દીમાં તેને જે ભૂમિકા મળી તે તેણે મઝાથી નિભાવી છે. ‘સાયના’,‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ અને ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ તેના ઉદાહરણ છે. હા, આ એ ફિલ્મો નથી જે બોકસ ઓફિસ પર જબરદસ્ત સફળ રહી હોય. સારો વિષય, સારી ભૂમિકા સારી સકસેસ અપાવે જ એવી કોઇ ગેરંટી નથી. જેણે લાંબા સમય કામ ટકવું હોય તો પોતાના લક્ષય તરફ આગળ વધતા રહે છે. પરિણીતીની સારી વાત એ છે કે તે ખોટા આત્મવિશ્વાસમાં રહીને વાત કરતી નથી અને તક હોય ત્યાં ઢીલુ પણ મુકતી નથી. તે પોતાની પ્રતિભાને યોગ્ય રીતે સંભાળવાનું જાણે છે.

પરિણિતી મોટા બેનર, મોટા સ્ટાર્સ અને મોટા દિગ્દર્શકની ફિલ્મો પર જ આધાર નથી રાખતી અને તે કંગનાની જેમ અમુક પ્રકારની જ ફિલ્મોમાં કામ કરવાનું જ પસંદ નથી કરતી. ફિલ્મ જગતમાં ટ્રેન્ડ બદલાતા રહે છે એટલે કોઇ એક જગ્યાએ અટકી પડવું ઠીક નથી હોતું. ઘણીવાર અમુક પ્રકારની ફિલ્મ સફળ જાય તો તેમાંથી પણ ટ્રેક નક્કી થતો હોય છે. જે ફિલ્મોમાં કામ કર્યું તે તો થઇ ગયું એટલે હવે જે ફિલ્મોમાં કામ કરતી હોય તેની પર જ ફોકસ કરવું વધારે યોગ્ય કહેવાય. તેને ઘરે બેસી રહેવું ગભરાવી નાંખે છે એટલે કયારેક સામે આવેલી ફિલ્મ પણ તે સ્વીકારી લે છે. કામ ન કરવા કરતાં કરવું સારું. આમાં ભૂલ થાય એ પણ શકય છે પણ કામ કરતા કરતા ભૂલ થવી સારી છે, કામ ન કરી ભૂલથી બચવું તે તો મૂર્ખામી છે.

પરિણિતી પાસે અત્યારે ‘ઝહૂર’, ‘સનકી’, ‘ઉંચાઇ’, ‘એનિમલ’ સહિતની ફિલ્મો છે. ‘ઝહૂર’માં તેની સાથે પરમીશ વર્મા અને રાહુલ શર્મા છે. ‘સનકી’માં તેની સાથે વરુણ ધવન છે. ‘ઉંચાઇ’ તો સુરજ બડજાત્યાની ફિલ્મ છે ને સાથે અમિતાભ બચ્ચન છે અને ‘એનિમલ’ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે. સુરજ બડજાત્યા દરેક વખતે ઘણી સાવધાનીથી પોતાની ફિલ્મો માટે અભિનેત્રી પસંદ કરે છે અને આ વખતે પરિણિતી પસંદ થઇ છે. પરિણિતી એવી રાહ નથી જોતી કે સલમાન યા ઋતિક કે રણબીર કે રણવીર સાથે જ ફિલ્મો મળે. બીજાની લોકપ્રિયતા રોકડી કરી લોકપ્રિય થવાના નુસખા તે અજમાવતી નથી. પરિણિતીની બીજી ખાસિયત એ પણ છે કે તે કોઇ લવ લાઇફથી પણ ચર્ચામાં રહેવામાં માનતી નથી કે ખોટા વિવાદોથી ય ચર્ચામાં રહેતી નથી. સુરજ બડજાત્યાએ તેના પર વિશ્વાસ મુકયો તે પહેલાં આદિત્ય ચોપરાએ તેની પર સતત વિશ્વાસ મુકયો છે. કારકિર્દી કે જીવન વિશે પણ પૂછવાનું હોય તો તે આદિત્યને પૂછે છે.

પરિણિતીના જીવનમાં અત્યારે કોઇ એવો મિત્ર નથી જેમાં તે લાઇફલોંગ પોટેન્શિઅલ જોતી હોય. તે કોઇક સાથે ડેટિંગ કરે પછી ત્રણેક મહિને થાય છે કે અરે, આની સાથે ડેટિંગ કર્યું? પણ આ પણ એક પ્રકારની યાત્રા જ કહેવાય. તે જીવનને આ રીતે જ જુએ છે. ગયા લોકડાઉનમાં તે લંડન, ટર્કી, ઓસ્ટ્રિયા, માલદીવ્સમાં હતી. વાત બની ન રહી હોય તો તેને માણો. તેને થાય છે કે આ માસ્ક પહેરવા જેવું સુખ કાંઇ નથી. પોતે સ્ટાર હોય તોય લોકોને ખબર જ ન પડે. અત્યારે ફરી માસ્કના જ દિવસો છે પણ અમિતાભ સાથે ‘ઉંચાઇ’, ‘રણબીર કપૂર- અનિલ કપૂર સાથે ‘એનિમલ’ સહિતની ફિલ્મોનાં શૂટિંગમાં ચાલે છે. પરિણિતી એકદમ ખુશ છે આવનારી ફિલ્મોથી.

Most Popular

To Top