Sports

માત્ર ફિલ્ડીંગ જ નહીં યોગ્ય તક મળે તો બેટીંગ પણ સારી કરી જાણતો હોવાનું રિન્કુ સિંહે દર્શાવી દીધું

ઉત્તર પ્રદેશના અલીગઢની મૂળ વતની રિન્કુ સિંહે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની એક અલગ ઓળખ બનાવી છે, પહેલા જે ક્રિકેટર માત્ર પોતાની ફિલ્ડીંગને કારણે ચર્ચામાં રહેતો હતો તેણે રાજસ્થાન રોયલ્સ સામે સોમવારે રમાયેલી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વતી માત્ર 23 બોલમાં 42 રન બનાવીને પોતાની ટીમને જીત સુધી દોરી જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને જે રિન્કુ પહેલા માત્ર સબસ્ટીટ્યૂટ ફિલ્ડર તરીકે પોતાની કાબેલિયત મેદાનમાં દર્શાવતો હતો તે હવે એક બેટ્સમેન તરીકે પોતીની ટીમને જીતાડી ગયો છે. રિન્કુએ 2017માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, જો કે 2017થી 2022 સુધી તેને અત્યાર સુધી માત્ર 13 મેચ રમવા મળી છે.

આ પાંચ વર્ષ દરમિયાન રિન્કુને નિયમિત તકો મળી નહોતી.. તેથી જ્યારે તેને તક મળી ત્યારે રિન્કુએ પીચ પર પોતાના કૌશલ્યને દાખવી દીધું. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેણે છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને 23 બોલમાં 42 રન કરીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો હતો. આ મેચની આગલી રાતે રિન્કુને લાગ્યું હતું કે સોમવારની મેચમાં તે કોઈ ધડાકો કરશે. મેચ પછી પીચ પરના તેના જોડીદાર નીતિશ રાણા સાથેની વાતચીતમાં રિન્કુએ જણાવ્યું કે તેણે સૂતા પહેલા તેના હાથ પર ‘50 રન નોટઆઉટ’ લખેલું હતું. રિન્કુએ કહ્યું, ‘મને એવું લાગતું હતું કે હું આજે રન બનાવીશ, મેન ઓફ ધ મેચ બનીશ અને મેં જાતે જ મારા હાથે 50 લખ્યા અને હાર્ટનું સિમ્બોલ બનાવ્યું.’
રિન્કુની આ ઇનિંગને પગલે IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સની હારનો સિલસિલો સમાપ્ત થઈ ગયો છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું.

આ પહેલા રમાયેલી 5 મેચમાં KKRને સતત 5 હાર મળી હતી. ટીમ એક સમયે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી, પરંતુ સતત હારના કારણે ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું. હવે યુવા બેટ્સમેન રિન્કુ સિંહની વિસ્ફોટક બેટિંગે ટીમને સિઝનની ચોથી જીત અપાવી. 24 વર્ષીય રિન્કુ સિંહ શ્રેયસ અય્યરના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવ્યો હતો. રિન્કુ સિંહે રમેલી મેચ વિનીંગ ઈનિંગ દરમિયાન એક વખત પણ એવું નહોતું લાગ્યું કે તે પીચ પર સંઘર્ષ કરી રહ્યો છે. રાજસ્થાન પાસે યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ અને પ્રસિદ્ધ કૃષ્ણ જેવા આંતરરાષ્ટ્રીય બોલરો છે, પરંતુ રિન્કુએ તે બધાનો સામનો કર્યો. અગાઉ ફિલ્ડિંગમાં પણ તેણે 2 કેચ પકડ્યા હતા.

જોકે, રિન્કુ માટે યુપીના અલીગઢથી આઇપીએલના મંચ સુધીની સફર રિન્કુ સિંહ માટે આસાન રહી નથી. મધ્યમવર્ગીય પરિવારમાં 5 ભાઈ-બહેનોમાં રિન્કુનો નંબર ત્રીજો છે. તેના પિતા ગેસ સિલિન્ડર પહોંચાડવાનું કામ કરતા હતા. રિન્કુ સિંહનો એક ભાઈ ઓટો રિક્ષા ચલાવતો હતો અને તેનો બીજો ભાઈ કોચિંગ સેન્ટરમાં કામ કરતો હતો. રિન્કુ સિંહ ધોરણ 9માં નાપાસ થયો હતો. શિક્ષિત ન હોવાને કારણે રિન્કુને સારી નોકરી મળતી ન હતી. જ્યારે રિન્કુએ તેના ભાઈને કોઇ સ્થળે નોકરી અપાવવાની વાત તો તેનો ભાઈ તેને જ્યાં લઈ ગયો ત્યાં તેને ઝાડુ મારવાનું કામ મળ્યું હતું. તે પછી મુશ્કેલીઓ વચ્ચે પણ રિન્કુએ પોતાનું ધ્યાન ક્રિકેટ પર જ કેન્દ્રિત રાખવાનું નક્કી કર્યું. 2015માં તેના પરિવાર પર રૂ. 5 લાખનું દેવુ થઇ ગયું હતું. આ દરમિયાન રિન્કુને ઉત્તરપ્રદેશની અંડર-19 ટીમ માટે રમવા બદલ અને અન્ય ક્રિકેટ મેચ રમવા બદલ મળતા નજીવા દૈનિક ભથ્થાથી પરિવારનું દેવું ચૂકવ્યું.

2017ની IPL ઓક્શનમાં રિન્કુને પંજાબે 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને રમવાની તક મળી ન હતી. 2018માં KKRએ તેને 80 લાખમાં ખરીદ્યો હતો, તે સમયે પણ તેને એટલી તક મળી નહોતી. આ વર્ષની હરાજીમાં રિન્કુને 55 લાખ રૂપિયા મળ્યા હતા. રિંકુ સિંહને IPL 2022માં ત્રણ મેચમાં રમવાની તક મળી છે. ગુજરાત ટાઇટન્સ સામેની પોતાની પ્રથમ મેચમાં રિંકુએ 35 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ ટીમને 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે દિલ્હી કેપિટલ્સ સામે 23 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.

આ પછી, રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં, રિંકુ સિંહને પણ સતત ત્રીજી મેચમાં રમવાની તક મળી અને તેમાં તેણે પોતાની કાબેલિયત બતાવી દીધી. રિન્કુએ 41 લિસ્ટ A મેચ રમી છે જેમાં તેણે 1414 રન બનાવ્યા છે. રિન્કુના નામે 1 સદી અને 12 અડધી સદી છે. રિન્કુએ 62 ટી20 મેચમાં 1016 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 અડધી સદી પણ ફટકારી હતી. તે કહે છે કે અલીગઢના ઘણા ખેલાડીઓ રણજી ટ્રોફી રમી ચૂક્યા છે પરંતુ હું IPL રમનાર પ્રથમ ખેલાડી છું. તેણે કહ્યું હતું કે IPL અન્ય ડોમેસ્ટિક ટુર્નામેન્ટોથી ખૂબ જ અલગ છે. જ્યારે મોટી ટુર્નામેન્ટ હોય ત્યારે ઘણું દબાણ હોય છે.

Most Popular

To Top