Entertainment

ક્રિતીની કારકિર્દીના નવા કિિર્તમાન

ક્રિતી સેનોન પોતાને સ્પેશ્યલ તો અનુભવતી જ હશે. તેની પહેલી પૅન ઈન્ડિયા ફિલ્મ રજૂ થઈ રહી છે. જો કે અત્યારે તેની ‘આદિપુરુષ’ ફક્ત હિન્દી અને તેલુગુમાં જ રજૂ થઈ રહી છે પણ જાનકીનું પાત્ર એવું છે કે જો ફિલ્મ સફળ રહી તો તે દરેક ભારતીયોની ખાસ બની જશે. તે ક્યારેય આ પ્રકારની ફિલ્મમાં આવી નથી. આખી ફિલ્મમાં રામ-રાવણ-હનુમાનનું જેટલું મહત્ત્વ હશે એટલું જ જાનકીનું ય હશે. હા, રામ-રાવણ-હનુમાન પરાક્રમનું પ્રતિનિધિત્વ કરશે જ્યારે જાનકીનું પાત્ર નારીગૌરવ અને સહનશીલતાનું પ્રતિનિધિત્વ કરશે.

‘આદિપુરુષ’ એક મહત્વાકાંક્ષી ફિલ્મ છે અને તે ઓમ રાઉત જેવા ‘તાન્હાજી’ના દિગ્દર્શક વડે દિગ્દર્શીત છે અને નિર્માતા ભુષણકુમાર છે પણ સાઉથની હોય એવો ભાસ રચે છે. મૂળ શું કે પ્રભાસ તેનો હીરો છે. 2020ના ઓગસ્ટમાં એનાઉન્સ થયેલી ફિલ્મ ઠેઠ હવે આવી છે. ક્રિતી એ વાતનું પણ ગૌરવ લઈ શકે કે જાનકીના પાત્ર માટે અનુષ્કા શેટ્ટી, અનુષ્કા શર્મા, કિયારા અડવાણી અને કિર્તી સુરેશનો ય વિચાર થયેલો પણ જાનકી મા ક્રિતીને ફળ્યા. ‘આદિપુરુષ’નું તમિલ, કન્નડ અને મલયાલમ વર્ઝન પણ રજૂ થવાનું છે એટલે ક્રિતી જરા વધારે ઉત્તેજીત છે.

જે ફિલ્મનો ખૂબ પ્રચાર થયો હોય તેનું જોખમ એ હોય કે તે જો નિષ્ફળ જાય તો તેનો ય ખૂબ પ્રચાર થાય છે. ક્રિતીની પાછલી ફિલ્મો ‘શેહઝાદા’ કે ‘ભેડીયા’ કે ‘બચ્ચન પાંડે’ સારો ધંધો કરી શકી નથી. એટલે ‘આદિપુરુષ’ના પરિણામ વિશે તે રાહ જોઈ રહી છે. શું છે કે તે જેને મહત્ત્વની માને તે ફિલ્મો બનવામાં ઘણી લંબાઈ જાય છે. ‘ગનપથ-1’ નામની સાય-ફાય એક્શન થ્રીલર પણ 2020માં જ એનાઉન્સ થયેલી અને તેમાં તો અમિતાભ બચ્ચન, ટાઈગર શ્રોફ છે. 2021માં યુ.કે.માં તેનું શૂટિંગ શરૂ થયેલું અને ગયા વર્ષના મે મહિનામાં લડાખ ખાતે ફાઈનલ શેડ્યુલ પૂરું થયું તો પણ તેની રિલીઝ લંબાઈને ઠેઠ આ ઓક્ટોબરમાં પહોંચી છે. બાકી એ પણ ગયા વર્ષે ક્રિસમસમાં રજૂ થવાની હતી અને હવે દશેરાએ રજૂ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડમાં રજૂ થવાની છે. ક્રિતી કહી શકે કે તેની પોઝીશન બીજી ટોપ હીરોઈન કરતાં સારી છે. પાન ઈન્ડિયા ફિલ્મનો હિસ્સો હોય અને એવી બે-ત્રણ ફિલ્મો તેની પાસે હોય તો તેને આવું બધું માનવાનો અધિકાર છે.

ક્રિતીની શાહીદ કપૂર સાથેની ફિલ્મ પણ આ ઓક્ટોબરમાં જ આવી રહી છે. કરીના કપૂર સાથેની ‘ધ ક્રુ’ પણ જો આ વર્ષમાં જ આવે તો તે કહેશે કે આ વર્ષે જે હીરોઈનની સૌથી વધુ ફિલ્મો રજૂ થઈ હોય તેવી હુ ‘જ છુ’. ક્રિતીએ શરૂઆત ભલે તેલુગુ ફિલ્મથી કરી હોય તે હવે હિન્દી ફિલ્મોથી વધારે છે. આ બાબતે તે તાપસી પન્નુ સાથે પોતાની તુલના ઈચ્છી શકે. 5 ફૂટ 10 ઈંચની હાઈટ ધરાવતી ક્રિતી ઊંચા શિખર સર કરવા માંગે છે. જો કે દિપીકા પાદુકોણ 5 ફૂટ 9 ઈંચની છે. કેટરીના કૈફ પણ 5 ફૂટ સાડા આઠ ઈંચની છે અને હમણાં જેની ચર્ચા છે તે ડાયના પેંટી પણ 5 ફૂટ 10 ઈંચની જ છે. બધી પોતાની ઊંચાઈ પ્રમાણે કારકિર્દીમાં ઊંચાઈ હાંસલ કરવા માંગે છે. હમણાં તેમાં ક્રિતી વધારે દાવેદાર છે. •

Most Popular

To Top