Charchapatra

મોદી સરકારનું નવુ મંત્રીમંડળ

વડા પ્રધાન બન્યા પછી છ વર્ષથી નરેન્દ્ર મોદીએ ટૂંકા પ્રધાન મંડળથી ચલાવ્યું છે. હાલમાં તેમણે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. આ વખતે યુવાનોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેના કારણમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ અને બેરોજગારીના પ્રશ્નો હળવા થશે. વડા પ્રધાનની લાગણી સારી છે પરંતુ એક વાત ખટકે છે કે 78 માંથી 33 પ્રધાનો પર તો ક્રિમીનલ કેસ ચાલે છે. જો કે મંત્રીઓએ શપથ ગ્રહણમાં જાહેર કર્યું છે તે એક ખાસ વાત છે. પરંતુ ક્રિમીનલ કેસ જેમાં હત્યા મુખ્ય રૂપે છે તે વ્યકિત દેશની પ્રજાને દયા, સહિષ્ણુતાની દ્રષ્ટિથી કેવી રીતે જોઇ શકે.

જેના મનમાં જ ક્રૂરતા ભરેલી છે તે પ્રજાનું ભલું કેવી રીતે કરી શકે? કહેવામાં આવે છે કે હત્યાના કેસો પુરવાર થાય ત્યારે તે ક્રિમીનલ વ્યકિત ગણાય પરંતુ કાંઇ નિર્દોષ વ્યકિતના પર કેસ ચાલતા નથી. કંઇક તો કારણ હોય છે જ, જે વ્યકિતને કોર્ટ કેસમાં ઘસડી જાય છે. આ કાંઇ છૂટાછેડા, કુટુંબના ઝઘડાના કેસ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો બધામાં જ આદર્શ વાત જુએ છે તો તેમણે આવા મંત્રીઓને પોતાના મંત્રી મંડળમાં કેમ સામેલ કર્યા.

શું પક્ષ પ્રમુખ અને સમિતિના કહેવાથી આ બધાને મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે? બીજી વાત જે મંત્રી મંડળમાં મોટા પ્રમાણમાં કરોડપતિ મંત્રીઓ લીધા છે. તેઓને પૂછવામાં આવે તો આ નાણાં કયાંથી આવ્યા? આજે કરોડપતિ બનવામાં કાંઇક તો ભ્રષ્ટાચારને સ્થાન હોય છે જેની વડા પ્રધાનને મૂળ ચીડ છે. ભ્રષ્ટાચાર નાબૂદી તો એમનો એક મોટો મુદ્દો છે. કરોડપતિઓ મધ્યમ વર્ગ અને ગરીબોને સમજી શકતી નથી. તો શું આ મંત્રીઓ પ્રજાને ભ્રષ્ટાચાર શીખવશે? આવા બધા અનેક પ્રશ્નો પ્રજાને અને દેશના રાષ્ટ્રવાદી નિષ્ઠાવાન લોકોને સતાવી રહયા છે. ઘણાં તો શંકા સ્વરૂપ કહે છે કે આ બધાએ વડા પ્રધાનને પણ બદલી નાંખ્યા છે. પ્રજાની વાત સાચી છે. વડા પ્રધાને પોતે આ બધાને પ્રધાનમંડળમાં સમાવવા જોઇએ નહીં. વડાપ્રધાન વિચારે! પોંડીચેરી – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top