Dakshin Gujarat

નવસારીમાં વરસાદી છાંટા પડ્યા બાદ ગરમીનો પારો વધુ દોઢ ડિગ્રી વધ્યો

નવસારી : નવસારીના (Navsari) જલાલપોર તાલુકામાં ગત રોજ વરસાદી છાંટાઓ પડ્યા હતા. જેના કારણે નવસારીમાં ગરમીનો પારો વધતા લોકો શેકાયા હતા. તો બીજી તરફ બફારાનું પ્રમાણ પણ વધુ રહેતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા.
ગત રોજ હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારે જલાલપોર તાલુકામાં છુટા છવાયા વરસાદી છાંટા પડ્યા હતા. જે કમોસમી વરસાદને કારણે કેરીના (Mango) પાક સહિત ઉનાળા પાક અને શાકભાજીના (Vegetable) પાકોને નુકશાન થવાની ભીતિથી ખેડૂતોના (Farmer) જીવ પડીકે બંધાયા છે. પરંતુ બીજી તરફ ગરમીનો પારો દોઢ ડિગ્રી વધ્યો હતો અને લઘુત્તમ તાપમાન પણ એક ડિગ્રી વધ્યું હતી. જયારે આજે શુક્રવારે પણ ગરમીનો પારો વધુ દોઢ ડિગ્રી નોંધાતા ગરમીમાં લોકો શેકાયા હતા અને લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી વધતા બફારાથી લોકો પરસેવે રેબઝેબ થયા હતા.

નવસારીમાં આજે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 25 ટકાએ રહ્યું હતું. જ્યારે આજે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 3.2 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

વલસાડ-વાપીમાં બે દિવસ સખત ગરમી: 40 ડિગ્રીમાં શેકાયું
વાપી: સમગ્ર ગુજરાતની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાયું રહેવાની સાથે ગરમીમાં પણ સખત વધારો નોંધાયો છે. વલસાડ જિલ્લામાં સિઝનની સૌથી વધુ ગરમી 40 ડિગ્રીથી વધુ આ બે દિવસ સતત નોંધાતી રહી છે. ગરમીની સાથે સખત ગરમ પવનો અને લૂ લાગવાથી લોકોની અવરજવર પણ ઓછી રહી હતી.

ભર ઉનાળે આકાશમાં કાળા વાદળો મંડરાતા ધરતીપુત્રોમાં નિરાશાની લકીરો ખેંચાઈ હોવાનું જોવા મળે છે. રાજ્યના હવામાનમાં આવેલા એકાએક ફેરફારના પગલે વલસાડ-વાપીમાં હાલ ગરમીનો પારો સિઝનમાં પહેલીવાર 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે. ગુરૂવારે 40 અને શુક્રવારે 40.5 ડિગ્રી જિલ્લામાં ગરમીનો પારો રહેતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. વાદળીયા વાતાવરણ વચ્ચે ઉકળાટ વધતાં અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતાં શહેરીજનો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો સખત ઉકળાટ રહેતો લોકો અકળાયા હતા. આખો દિવસ સતત પંખા ને એસી ચાલુ રાખી લોકોએ ગરમીથી બચવા પ્રયાસો કર્યા હતા. બીજુબાજુ છેલ્લા બે દિવસથી પડી રહેલી સખત ગરમીના પગલે ઠંડા પીણાં અને આઈસક્રીમની ડિમાન્ડ પણ વધી ગઈ છે. ઉપરાંત ઠંડી છાસ અને શેરડીનો મીઠો રસ પીવા લોકો ભીડ પણ લગાવી રહ્યા છે.

Most Popular

To Top