Dakshin Gujarat

યુવતીએ પ્રેમસંબંધ રાખવાની ના પાડી તો પ્રેમી રેલવે સ્ટેશન લઈ ગયો અને ધક્કો મારી દીધો

નવસારી: (Navsari) યુવતીએ પ્રેમ (Love) સંબંધ રાખવાની ના પાડતા પ્રેમી યુવતીને જબરદસ્તી બાઈક પર બેસાડી મરોલી રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં પ્રેમીએ રેલ્વે સ્ટેશનના (Railway Station) દાદર પરથી યુવતીને ધક્કો મારી દેતા યુવતીને માથાના ભાગે ઈજાઓ થઈ હોવાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે.

  • પ્રેમીએ પ્રેમસંબંધ રાખવાની ના પાડનાર પ્રેમિકાને ધક્કો મારી ફેંકી દેતાં લોહીલુહાણ
  • બળજબરી પૂર્વક મરોલી રેલવે સ્ટેશને લઈ ગયો અને દાદર પાસે વાત કરતી વેળા ધકેલી દેતાં યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા
  • બંને વચ્ચે 6 મહિનાથી પ્રેમસંબંધ હતો પરંતુ યુવતીએ બાસીતને પ્રેમસંબંધ રાખવાની ના પાડી દીધી હતી

મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના ડાલકી ગામે ટેકરી ફળીયામાં રોઝીના ઇમરાનખાન પઠાણ (ઉ.વ. 20) તેના પરિવાર સાથે રહે છે. ગત 3જીએ રોઝીના નિયમ મુજબ મોપેડ (નં. જીજે-21-બીએફ-8782) લઈને મહુવર, મરોલી બજાર, કસ્તુરબા આશ્રમ ખાતે સિવણ ક્લાસનો અભ્યાસ કરવા માટે ગઈ હતી. રોઝીનાને ડાલકી ગામે મલેકવાડમાં રહેતા બાસીત અબ્દુલકયુમ મલેક સાથે છેલ્લા 6 મહિનાથી પ્રેમસંબંધ હતો. પરંતુ રોઝીનાએ બાસીતને પ્રેમસંબંધ રાખવાની ના પાડી દીધી હતી, છતાં બાસીત તેની વાત માનતો ન હતો. જેથી બાસીત બપોર દરમિયાન રોઝીનાના સિવણ ક્લાસ પર જઈ રોઝીનાને જબરદસ્તી બાઈક પર બેસાડી મરોલી રેલ્વે સ્ટેશને લઈ ગયો હતો.

જ્યાં બાસીત રેલ્વે સ્ટેશનના દાદર પાસે ઉભો રહી રોઝીના સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે અચાનક બાસીતે રોઝીનાને દાદર પરથી ધક્કો મારી દેતા રોઝીના દાદર પરથી ધસડાઇને સીધી નીચે પડી હતી. જેના પગલે રોઝીનાને માથાના ભાગે ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડી હતી. ગામમાં રહેતા એઝાજભાઈએ રોઝીનાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મરોલી સરકારી દવાખાને ખસેડી હતી. જ્યાં તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા પરિવારજનોએ નવસારીની ખાનગી હોસ્પિટલમાં રીફર કરી હતી. બનાવ અંગે પિતા ઇમરાનખાને મરોલી પોલીસ મથકે બાસીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એલ. પટણીએ હાથ ધરી છે.

Most Popular

To Top