Dakshin Gujarat

જમાલપોરમાં મંદિર તોડવાનો વિવાદ વકર્યો: ભાજપના એક હજારથી વધુ સભ્યોએ રાજીનામા ધરી દીધા

નવસારી: (Navsari) જમાલપોરના સર્વોદયનગરમાં મંદિર (Temple) તોડવા બાબતે ચાલી રહેલો વિવાદ વકરી રહ્યો છે. આજે જમાલપોરના એક હજારથી વધુ લોકોએ પ્રાથમિક સભ્ય પદેથી સામુહિક રાજીનામા જિલ્લા ભાજપ પ્રમુખને (District BJP President) સોંપી દીધા હતા. ત્યારે આગામી ચૂંટણીમાં તેની અસર વર્તાશે કે કેમ તે જોવું રહ્યું.

  • પોલીસે મહિલાઓને મંદિરમાંથી બહાર કાઢી લાઠીચાર્જ કરતા લોકોમાં રોષ ફેલાયો હતો
  • રાજીનામા જિલ્લા ભાજપ પ્રમુખને સોંપી દેતા ચૂંટણીમાં અસર વર્તાવાની શક્યતા!

નવસારીના જમાલપોર વિસ્તારમાં સર્વોદયનગરમાં આવેલું રાધા-કૃષ્ણ મંદિર જિલ્લા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પડાયું હતું. પરંતુ મંદિર તોડવા સામે વિરોધ નોંધાવી રહેલા સ્થાનિક રહીશો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેમાં પુરૂષ પોલીસે મહિલાઓને મંદિરમાંથી બહાર કાઢી લાઠીચાર્જ કરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના પગલે સ્થાનિક રહીશો પોલીસ તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

શુક્રવારે સામાન્ય સભામાં આવી પાલિકા પ્રમુખ અને અન્ય નગરસેવકોને ગુલાબનું ફૂલ આપી પોલીસે કરેલા અત્યાચારનો આભાર માન્યો હતો. જોકે સભામાં સ્થાનિક નગરસેવકો દ્વારા નિંદા પ્રસ્તાવ રજૂ કરતા તમામ નગરસેવકોએ સમર્થન આપ્યું હતું. તે છતાં સર્વોદયનગરમાં મંદિર તોડવાનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. રવિવારે સવારે જમાલપોર વિસ્તારના 100 થી 150 લોકો ભેગા થઇ નવસારી ભાજપ કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ સામે એક હજારથી વધુ લોકોએ પ્રાથમિક સભ્ય પદેથી આપેલા રાજીનામાં ધરી દીધા હતા. જોકે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહે તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યા હતા. પરંતુ જમામલપોરના રહીશોએ તેમના ઉપર પોલીસ દ્વારા થયેલા અત્યાચાર સામે ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નહીં હોવાનો રોષ ઠાલવ્યો હતો. આગામી થોડા સમય પછી વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીમાં મંદિર તોડવાનો ચાલી રહેલો વિવાદની અસર વર્તાશે કે કેમ તે જોવું રહ્યું.

આ ઘટનામાં ભાજપને કંઈ લેવા દેવા નથી : ભાજપ પ્રમુખ
જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહે જણાવ્યું હતું કે, સર્વોદય નગરના રહીશો પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા મુકવા આવ્યા હતા. તેઓ સાથે વાટાઘાટો કરી આ અમારો વિષય નથી, આમાં ભાજપને કંઈ લેવા દેવા નથી તેમ કહી તેઓને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો. આ મેટર સોસાયટીની અને જમીન માલિકની હતી. એમાં અમારી પાર્ટીનો કે કોઈ સભ્યને લેવા-દેવા નથી. આટલી મોટી ઘટના બની તે દુઃખદ છે. તે બાબતે તેઓએ રાજીનામા આપ્યા છે. પાર્ટીની કાર્ય પદ્ધતિ મુજબ અમે તેઓને સાંભળીશું અને પછી પાર્ટી નિર્ણય લેશે.

Most Popular

To Top