Gujarat

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. ૨૦૧૫ માં સ્થપાયેલી આ ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન ૧૬૨ કોલેજીસના ૩૦ હજારથી વધુ છાત્રોને વિવિધ ૬ ફેકલ્ટીઝમાં પદવીઓ અને તજજ્ઞતા પ્રાપ્ત ૪૩ વિદ્યાર્થીનીઓ સહિત ૫૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પોરબંદરના સાંદિપની ગુરૂકુળ આશ્રમના પ્રણેતા અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઇ ઓઝાને આ યુનિવર્સિટી દ્વારા માનદ્ ડૉકટરેટની પદવી પણ મુખ્યમંત્રીએ આ પદવીદાન સમારંભમાં એનાયત કરી હતી.

રૂપાણીએ આ યુનિવર્સિટીનુ નામ જેની સાથે જોડાયેલુ છે તે ભક્ત કવિ નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવજન તો તેને રે કહી એ જે પીડ પરાઇ જાણે રે… નો વિશેષ ઉલ્લેખ કરતાં યુવાનોને આહ્વાન કર્યુ કે, હવે તમારે વૈષ્ણવજન તરીકે સમાજના દુખી-પીડીત-જરૂરતમંદ લોકોની સંવેદના સમજીને તેમના કલ્યાણ માટે, સમાજ દાયિત્વ માટે કર્તવ્યરત રહેવાનું છે. તેમણે નવિન પંખ કે લીયે નવિન પ્રાણ ચાહીયેની વિભાવના આપતા જણાવ્યું કે, પાઠ્યક્રમની શિક્ષા મેળવ્યા પછી હવે મા ભારતીને વિશ્વગુરૂ બનાવવા, નયા ભારતનુ નિર્માણ કરવા નવી ઉર્જા અને સામર્થ્યથી યુવાનોએ સજ્જ થવાનું છે.

આ પ્રસંગે જાણીતા ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાએ પદવીધારકોને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, આજે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ગરીમાપૂર્ણ જવાબદારીના ભાવ સાથે પોતાની પદવીને સ્વીકારવાનો અવસર છે. શાળા, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો મળીને આપણને લાયક બનાવે છે. અને પછી એક ડિગ્રી એનાયત કરે છે. એક લાયકાત અહિથી પ્રાપ્ત થાય છે. લાયકાત એ માત્ર પ્રમાણપત્ર જ નથી, આપણા પદ સાથે જવાબદારી પણ જોડાયેલી છે.

Most Popular

To Top