Dakshin Gujarat

દુકાનોની બહાર મુકવામાં આવતા સામાનને સેલવાસ પાલિકા દ્વારા ઉંચકી લેવાતા વેપારીઓ વિફર્યા

સંઘપ્રદેશ સેલવાસ નગરપાલિકા હદ વિસ્તારના દુકાનદારો અને વેપારીઓ (Shopkeepers And Traders) અમુદતની હડતાલ (Strike) પર ઉતર્યા છે. પાલિકા (Municipality) દ્વારા દુકાનોની બહાર દુકાનદારો દ્વારા મુકવામાં આવતા સામાનને દબાણ અંતર્ગત ઉંચકી જતા કંટાળેલા વેપારીઓ અને દુકાનદારોએ જ્યાં સુધી પાલિકા આવી પ્રવૃત્તિ બંધ નહીં કરે ત્યાં સુધી અમુદતી દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

  • સેલવાસ પાલિકા દુકાનોની બહારના સામાનને ઉંચકી જતા વેપારીઓની હડતાળ
  • નારાજ વેપારી એસો.એ પ્રશાસન સામે બાંયો ચઢાવી પોતાનો વિરોધ દર્શાવ્યો
  • જ્યાં સુધી પાલિકા આવી પ્રવૃત્તિ બંધ નહીં કરે ત્યાં સુધી અમુદતી દુકાન બંધ રાખવાનો નિર્ણય

સેલવાસ પાલિકા દબાણો હટાવવાની કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે દુકાનોની બહાર દુકાનદારો દ્વારા ડિસ્પ્લે અર્થે મુકવામાં આવતા સામાનને પણ પાલિકા દબાણ અંતર્ગત ગણી તેને ઉઠાવી લઈ જવાની કાર્યવાહી કરી રહ્યું હતું. આ જોઈ દુકાનદારોની સાથે વેપારી મંડળમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ બાબતે વેપારી મંડળ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રદેશના કલેક્ટરને પણ આ બાબતથી અવગત કરી રજૂઆત કરી હતી. તેમ છતાં પાલિકા દ્વારા કાર્યવાહી સતત કરતા આખરે કંટાળેલા વેપારીઓ અને દુકાનદારો દ્વારા બુધવારના રોજ સવારથી જ પોતાની દુકાનો બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો. જેને લઈ એક પછી એક દુકાનો ટપોટપ બંધ થઈ જતાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ વેપારીઓ અને દુકાનદારો મોટી સંખ્યામાં કિલવણી નાકા પાસે એકત્ર થઈ પાલિકાની કાર્યપ્રણાલી સામે વિરોધ દર્શાવ્યો હતો. અને જ્યાં સુધી પાલિકાની દબાણ હટાવ ટીમ દુકાન બહાર મુકેલા સામાનને ઉચકવાની કાર્યવાહી બંધ નહીં કરે ત્યાં સુધી અમુદતની હડતાળ પર ઉતરી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. વેપારીઓ દ્વારા હડતાળ પર ઉતરતા જ સેલવાસ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી દુકાનો બંધ : દુકાનદાર
હડતાલ પર ઉતરેલા વેપારીઓ અને દુકાનદારો પૈકી દુકાનદાર સુનિલ મહાજને જણાવ્યું છે કે, પાલિકાની ટીમ મહિનાથી દુકાનની બહારના 2 ફૂટના ઓટલા પર મુકેલા ડિસ્પ્લે સામાનને ઉઠાવી જવાની કાર્યવાહી કરી રહ્યા છે. જેને લીધે દુકાનદારો પરેશાન થઈ ગયા છે. પાલિકાની ટીમ દ્વારા જે પ્રમાણે વર્તાવ કરી રહ્યા છે જે જોતા દુકાનદારો પોતે તેઓ ચોર હોય એવો અનુભવ થઈ રહ્યો છે. દુકાન હસ્તગત ઓટલાવાળી જગ્યા પર દુકાનનો સામાન રાખવાની અનુમતિ પાલિકા નહીં આપે ત્યાં સુધી તમામ દુકાનો અમુદત માટે બંધ રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.

Most Popular

To Top