Dakshin Gujarat

દા.ન.હ.ના સાંસદ મોહનભાઇ ડેલકરનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન

દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) સાંસદ સદગત મોહનભાઇ ડેલકરની (Mohan Delkar) અંતિમયાત્રામાં સેલવાસમાં જાણે હજારો લોકોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. સેલવાસમાં તેમના ઘરેથી મોહનભાઇના પાર્થિવદેહને આદિવાસી ભવનમાં લોકોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો. સવારથી બપોર સુધી અહીં હજારો લોકોએ પોતાના લાડીલા નેતાને પુષ્પો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ (Tribute) આપી હતી. આદિવાસી ભવનમાં સ્વ.મોહનભાઇના અંતિમ દર્શન માટે પ્રદેશના અગ્રણીઓ તેમજ લોકોની ભીડ જોવા મળી હતી. દરેકની આંખમાં આંસુ હતા. સાંસદ મોહનભાઇના અણધાર્યા અવસાનથી દરેક વ્યકિત વ્યથિત હતી. દરેક વ્યકિત આઘાતમાં હતી. આખા પ્રદેશમાં સોમવારથી જ ગમગીની પ્રસરી ગઇ હતી. મંગળવારે તેમના નેતાની અંતિમયાત્રામાં પણ લોકોએ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.

બાલદેવી સ્મશાનભૂમિ પર સાંસદ ડેલકરના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી સાથે પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આખું સેલવાસ સ્વંયભૂ બંધ રહ્યું હતું. વેપારીઓએ દુકાનો બંધ રાખી શોક પાળ્યો હતો. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો પાર્થિવદેહ મંગળવારે સાંજે પંચ મહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. સાંસદ મોહનભાઇ ડેલકરને અંતિમ વિદાય આપવા પ્રદેશભરમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા. મુંબઇથી મોડી રાત્રી બાદ સાંસદના પાર્થિવદેહને સેલવાસ લાવવામાં આવ્યો હતો. સવારે તેમના પાર્થિવદેહને સેલવાસના આદિવાસી ભવન પર લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ઘરેથી અંતિમયાત્રા સ્મશાનભૂમિ પહોંચી હતી. જ્યાં સદગત મોહનભાઇના પુત્ર અભિનવ ડેલકરે પિતાના પાર્થિવદેહને મુખાગ્નિ આપી અને અગ્નિદાહ આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે મોહન ડેલકર સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણનું સૌથી મોટુ નામ હતુ. દાદરા નગર હવેલી લોકસભા બેઠક પરથી સાત ટર્મ સુધી ચૂંટણી જીતી અને લોકસભામા પ્રદેશનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

દાદરા નગર હવેલીમાં સૌથી મોટા નેતા ગણાતાં મોહનભાઈને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. દાનહ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી હતી. પોતાના નેતાને અંતિમ વિદાય આપવા હજારો લોકો અશ્રુભીની આંખે ઉમટી પડ્યા હતા. સોમવારના રોજ મુંબઈના મરીન ડ્રાઈવની સી ગ્રીન સાઉથ હોટલમાંથી મોહનભાઈ ડેલકરનો મૃતદેહ મળ્યો હતો. મુંબઇ પોલીસને ત્યાંથી ગુજરાતીમા લખેલી છ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેમના મોત પાછળ અનેક લોકોના નામ સ્યુસાઇડ નોટમા લખ્યા હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. આમ સાત ટર્મ સુધી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના લોકોનો અવાજ બનેલા સાંસદ મોહનભાઇ ડેલકરનો અવાજ સદાય માટે ખામોશ થઈ ગયો છે. જોકે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રદેશમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ જવાનોની સાથે રેપિડ એક્શન ફોર્સના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

મોહનભાઇના બલીદાનને વ્યર્થ જવા દેવામાં નહીં આવે
સદગત સાંસદ મોહનભાઇના ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે પ્રથમ વખત સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પિતાના મૃત્યુના મામલે પ્રતિક્રિયા આપી હતી. જેમાં અભિનવ ડેલકરે પોતાના પિતાના મૃત્યુની આ ઘટનામાં મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસને તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ પિતાના મૃત્યુ પાછળ જે લોકોને સ્યૂસાઇડ નોટમાં જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ પ્રદેશના લોકોને પણ અભિનવે અપીલ કરી હતી કે તેના પિતાના બલિદાનને વ્યર્થ નહીં જવા દેવામા આવે.

સ્યૂસાઇડ નોટમાં કોના નામ છે ? કેમ ભરવું પડ્યું આ પગલું ?
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણનું સૌથી મોટુ નામ અને સૌથી મોટુ માથુ એવા મોહન ડેલકરના અકાલીન આઘાતજનક વિદાય બાદ દાદરા નગર હવેલીના રાજકારણના એક અધ્યાયનો અંત આવ્યો છે. પરંતુ તેમણે છોડેલી 6 પાનાની સ્યૂસાઇડ નોટમાં કયાં રહસ્યો છુપાયેલા છે? અને કોને જવાબદાર ઠેરવવામા આવ્યા છે? કેમ આટલા કદાવર નેતાએ અકાળે અંતિવાદી પગલું ભર્યુ ? આ પગલું ભરવા માટે જવાબદાર કોણ છે ? આ તમામ સવાલો લોકોમાં ચર્ચામાં છે. આવનાર દિવસોમાં એ સ્યૂસાઇડ નોટમાંથી નીકળતા રહસ્યો પ્રદેશમાં ખળભળાટ મચાવી દેશે તે વાત ચોક્કસ છે.

એક અધિકારીને લોકોએ અંતિમ દર્શન કરવા નહીં દીધા
આદિવાસી ભનવમાં સદગત સાંસદના અંતિમ દર્શન માટે દાદરા નગર હવેલીના એક ઉચ્ચ અધિકારીએ અંદર જવા પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોએ એ અધિકારીને સાંસદના પાર્થિવદેહ તરફ જવા દીધા ન હતા. લોકોનો રોષ જોતા એ અધિકારીએ પાછા ફરી જવાનું જ મુનાસિબ માન્યું હતું. જ્યારે એક લોક પ્રતિનિધિને પણ લોકોના રોષનો ભોગ બનવું પડયું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top