National

Monsoon Session: લોકસભામાં કોંગ્રેસના 4 સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ, કાર્યવાહી કાલ સુધી સ્થગિત

નવી દિલ્હી: સંસદના (Parliament ) મોનસૂન સત્રનો (Monsoon Session) આજે છઠ્ઠો દિવસ છે. પરંતુ વિપક્ષ દ્વારા વારંવાર મોંઘવારી મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકસભામાં (Lok Sabha) પ્લેકાર્ડ લઈને મોંંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના (Congress) ચાર સાંસદોને (MP) ગૃહમાંથી સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે. તેમજ લોકસભાની કાર્યવાહી મંગવાળર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોર, જ્યોતિમણિ, રામ્યા હરિદાસ અને ટીએન પ્રતાપનને ચોમાસુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

ગૃહની કાર્યવાહી સ્થગિત કરતા પહેલા અધ્યક્ષની ખુરશી પર બેઠેલા રાજેન્દ્ર અગ્રવાલે કોંગ્રેસના ચાર સાંસદોને હંગામો કરવા માટે નામાંકિત કર્યા. નિયમ 374 હેઠળ કોંગ્રેસના ચારેય સાંસદોને ચોમાસુ સત્રના બાકી સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોંઘવારી સહિત અન્ય મુદ્દાઓ પર વિપક્ષી સભ્યોના ભારે હોબાળા વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ આ કાર્યવાહી કરી છે.

સંસદ પરિસરની અંદર પ્લેકાર્ડ લઈ જવા પહેલાથી પ્રતિબંધ હતો
સોમવારના રોજ મોનસૂન સત્રના છઠ્ઠા દિવસે, સ્પીકર બિરલાએ ગૃહની અંદર વિરોધ કરી રહેલા સાંસદોને અંતિમ ચેતવણી આપી હતી. હંગામા વચ્ચે બિરલાએ કહ્યું, આ લોકશાહીનું મંદિર છે. ચોમાસુ સત્રની શરૂઆત પહેલા સંસદ સંકુલની અંદર પ્લેકાર્ડ લઈ જવા અને વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ હતો. મણિકમ ટાગોર, રામ્યા હરિદાસ, જ્યોતિર્મણી અને ટીએન પ્રતાપનને અભૂતપૂર્વ કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નિયમ 374 હેઠળ કાર્યવાહી
કોંગ્રેસના સાંસદો, આ કાર્યવાહી નિયમ 374 હેઠળ કરવામાં આવી છે. નિયમોમાં જિદ્દ અને ગૃહની કાર્યવાહીને ઇરાદાપૂર્વક રોકવાનો સમાવેશ થાય છે. આ સિવાય આ નિયમમાં સિપકરની સત્તાની અવગણના અને નિયમોનો દુરુપયોગ પણ સામેલ છે. આ સાંસદો સામે પ્રથમ સસ્પેન્શન મોશન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તમામને સર્વસંમતિથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સરકાર ડરાવવાનો પ્રયાસ કરી રહી છેઃ કોંગ્રેસ
બીજી તરફ, ચાર સાંસદોના સસ્પેન્શન પર, કોંગ્રેસે કહ્યું કે સરકાર તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે અને કહ્યું કે પાર્ટી ડગમગશે નહીં. ગૌરવ ગોગોઈ લોકસભામાં કોંગ્રેસના ઉપનેતાએ કહ્યું કે સરકાર અમારા સાંસદોને સસ્પેન્ડ કરીને અમને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમની શું ભૂલ હતી? તેઓ લોકો માટે મહત્વના મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સરકાર ઘમંડ બતાવે છેઃ ટાગોર
સસ્પેન્ડેડ સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે કોંગ્રેસ છેલ્લા છ દિવસથી ભાવ વધારા પર ચર્ચાની માંગ કરી રહી છે, સ્થગિત દરખાસ્ત માટે નોટિસ આપી રહી છે પરંતુ સરકારે સંપૂર્ણ ઘમંડ દર્શાવ્યો છે. આજે, જ્યારે એક આદિવાસી મહિલાએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, ત્યારે એક દલિત મહિલાને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.ટાગોરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ માત્ર સંસદ પોતાના નેતાઓ અને તેમની જીતને વધાવવા માંગે છે. “અમે ગૃહમાં પ્લેકાર્ડ બતાવવાનો અને તેને કેમેરાના ખૂણા પર રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા,” તેમણે કહ્યું. તેઓ કહે છે કે સંસદમાં પ્લેકાર્ડ લગાવવાની મંજૂરી નથી.

Most Popular

To Top